T20 World Cup 2026: ટી20 વર્લ્ડ કપ 2026ની હાઈ-વોલ્ટેજ સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામેની રોમાંચક જીત બાદ ભારતીય છાવણીમાં ખુશીનો માહોલ છે. આ મેચમાં ભારત તરફથી સંજુ સેમસને 42 બોલમાં 89 રનની વિસ્ફોટક ઈનિંગ રમીને તરખાટ મચાવ્યો હતો, જેના કારણે તેને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો. જોકે, એવોર્ડ લેતી વખતે સંજુએ કંઈક એવું કહ્યું જેણે કરોડો ભારતીય ક્રિકેટ પ્રેમીઓના દિલ જીતી લીધા છે.
જીતનો અસલી હીરો હું નહીં, બુમરાહ છે: સંજુ સેમસન
પોતાની ઈનિંગમાં 8 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકારનાર સંજુ સેમસને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ જીતનું શ્રેય તેને નહીં પણ સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને જાય છે. સંજુએ જણાવ્યું કે, "સાચો મેચ વિનર હું નથી. આ એવોર્ડનો અસલી હકદાર જસપ્રીત બુમરાહ છે. તે એક વર્લ્ડ ક્લાસ બોલર છે જે પેઢીમાં એકાદ વાર જ જોવા મળે છે."
"બોલર્સ ન હોત તો હું અહીં ઊભો ન હોત"
મેચ બાદ સંજુએ બોલરોની પ્રશંસા કરતા ભાવુક નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું: "જો અમારા બોલરોએ અંતિમ ઓવરોમાં એ પ્રકારની શાનદાર બોલિંગ ન કરી હોત, તો કદાચ હું અત્યારે અહીં (વિજેતા તરીકે) ઊભો ન હોત. મુશ્કેલ પરિસ્થિતિમાં પણ બોલરોએ જે રીતે પોતાનો આત્મવિશ્વાસ જાળવી રાખ્યો તે કાબિલે તારીફ છે."
બુમરાહનો એ સ્પેલ જેણે મેચ પલટી નાખી:
વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતે 253 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, પરંતુ ઈંગ્લેન્ડના જેકબ બેથલની સદીએ ભારતની ચિંતા વધારી દીધી હતી. એક સમયે મેચ ભારતની પકડમાંથી જતી રહી હોય તેમ લાગતું હતું. ત્યારે બુમરાહે પોતાની 4 ઓવરમાં માત્ર 33 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. ખાસ કરીને 18મી ઓવરમાં તેણે માત્ર 6 રન આપીને ઈંગ્લેન્ડ પર જે દબાણ બનાવ્યું, તેણે જ ભારત માટે જીતના દ્વાર ખોલ્યા હતા.
વાનખેડેમાં ભારતીય બેટ્સમેનોનો દબદબો:
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ નિર્ધારિત ઓવરમાં 7 વિકેટે 253 રન બનાવ્યા હતા. સંજુ સેમસન (89) ઉપરાંત ઈશાન કિશન, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ પણ તોફાની બેટિંગ કરી હતી. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 246 રન સુધી પહોંચી શકી હતી અને ભારતે 7 રને આ રોમાંચક મેચ જીતીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.



















