Home Sports ODI 2026 Ind Vs Eng 3rd Odi Lords Rohit Sharma Retirement Rumours

ક્રિકેટના મક્કામાં આજે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે નિર્ણાયક મેચ : નિવૃત્તિની અટકળો વચ્ચે રોહિત શર્મા પર સૌની નજર

Rohit Sharma
Image Credit: BCCI
Published by: Aryan Shah
Last Updated: Jul 19, 2026, 02:00 AM IST

IND vs ENG 3rd ODI : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝ હવે નિર્ણાયક તબક્કે પહોંચી છે. બંને ટીમોએ એક-એક મેચ જીતી હોવાથી આજે લંડનના ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાનારી ત્રીજી અને અંતિમ ODIમાં સિરીઝનો વિજેતા નક્કી થશે. ભારતીય સમય અનુસાર બપોરે 3:00 વાગ્યે ટોસ થશે, જ્યારે મેચનો પ્રારંભ 3:30 વાગ્યે થશે. T20 સિરીઝ ગુમાવ્યા બાદ ટીમ ઈન્ડિયા હવે ODI સિરીઝ પણ હાથમાંથી સરકી ન જાય તે માટે સંપૂર્ણ તાકાત સાથે મેદાનમાં ઉતરશે. આ મેચ માત્ર સિરીઝ જીતવા માટે જ મહત્વપૂર્ણ નથી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય ક્રિકેટમાં સૌથી વધુ ચર્ચિત રહેલા રોહિત શર્મા પર પણ સમગ્ર ક્રિકેટ જગતની નજર ટકેલી છે. અનુભવી ઓપનર હાલ ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યા છે અને સાથે તેમની નિવૃત્તિ અંગેની અટકળોએ પણ જોર પકડ્યું છે.


નિવૃત્તિની ચર્ચાઓ વચ્ચે BCCIએ અફવાઓ ફગાવી

છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે, BCCIએ રોહિત શર્માને 2027ના ICC ODI વર્લ્ડ કપની યોજનામાં સામેલ ન કરવાનો સંકેત આપ્યો છે અને લોર્ડ્સમાં રમાનારી આ મેચ તેમની ભારત માટેની છેલ્લી ODI બની શકે છે. કેટલાક રિપોર્ટ્સમાં એવો પણ દાવો થયો હતો કે, ટીમ મેનેજમેન્ટ હવે યુવા ખેલાડીઓને વધુ તક આપવા માંગે છે. જોકે, ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (BCCI) તરફથી આ તમામ અટકળોને સ્પષ્ટપણે નકારી કાઢવામાં આવી છે. BCCIના સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું છે કે, રોહિત શર્માના ભવિષ્ય અંગે મીડિયામાં ચાલી રહેલી ચર્ચાઓમાં કોઈ સત્ય નથી. તેમણે સ્પષ્ટ કહ્યું કે રોહિત શર્મા હજુ પણ ભારતીય ODI ટીમનો નિયમિત ભાગ છે અને લોર્ડ્સની આ મેચ તેમની છેલ્લી ઇન્ટરનેશનલ મેચ નથી. તેથી હાલમાં તેમની નિવૃત્તિ અંગે કોઈ સત્તાવાર નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી.

આ પણ ખાસ વાંચો : 47,00,00,000ની માત્ર એક ટી-શર્ટ! : આ જર્સીની કહાની જાણીને તમે પણ થઈ જશો આશ્ચર્યચકિત

માતા-પિતા અને અજિત અગરકરની હાજરીથી વધ્યું સસ્પેન્સ

રોહિત શર્માના ભવિષ્યને લઈને ચર્ચાઓ વધુ તેજ ત્યારે બની જ્યારે તેમના પિતા ગુરુનાથ શર્મા અને માતા પૂર્ણિમા શર્મા નિર્ણાયક ODI જોવા માટે લંડન પહોંચ્યા હોવાના રિપોર્ટ્સ સામે આવ્યા. આ ઉપરાંત ભારતીય ટીમના ચીફ સિલેક્ટર અજિત અગરકર પણ લંડન પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ બંને ઘટનાઓ બાદ સોશિયલ મીડિયા પર ફરીથી નિવૃત્તિની અટકળોએ જોર પકડ્યું, જોકે BCCIના સત્તાવાર નિવેદન બાદ આ ચર્ચાઓને માત્ર અફવા તરીકે જ જોવાની જરૂર છે. રોહિત શર્મા પાસે આજે પોતાની બેટિંગથી તમામ અટકળોનો જવાબ આપવાની શ્રેષ્ઠ તક રહેશે. સિરીઝની પ્રથમ બે મેચમાં તેઓ અનુક્રમે 11 અને 26 રન જ બનાવી શક્યા હતા. તેમની આક્રમક બેટિંગ, પુલ શોટ્સ અને પાવરપ્લેમાં ઝડપી શરૂઆત માટે જાણીતા રોહિત શર્મા પાસેથી આજે મોટી ઇનિંગ્સની અપેક્ષા રહેશે.

કોહલીના ફોર્મ પર વિશ્વાસ, ગિલ સામે પણ પડકાર

ભારતીય ટીમ માટે સારા સમાચાર એ છે કે, વિરાટ કોહલી શાનદાર લયમાં જોવા મળી રહ્યા છે. બીજી ODIમાં તેઓ સદી તરફ આગળ વધી રહ્યા હતા, પરંતુ જોફ્રા આર્ચરની બોલિંગ સામે 65 રને આઉટ થયા હતા. મધ્યક્રમમાં શ્રેયસ ઐયરે પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. કેપ્ટન શુભમન ગિલ માટે પણ આ મેચ ખાસ રહેશે. પ્રથમ બે મેચમાં સારી શરૂઆત મળવા છતાં તેઓ મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યા છે. નિર્ણાયક મુકાબલામાં તેમની પાસેથી કેપ્ટન તરીકે મોટી જવાબદારી નિભાવવાની અપેક્ષા રહેશે. બીજી તરફ ઈંગ્લેન્ડ માટે જો રૂટ સૌથી મોટું હથિયાર સાબિત થઈ રહ્યા છે. બીજી ODIમાં તેમની નોટઆઉટ 99 રનની ઇનિંગ્સે ઈંગ્લેન્ડને ચાર વિકેટે જીત અપાવી હતી. ભારતીય બોલરો માટે આજે રૂટને વહેલી તકે આઉટ કરવો સૌથી મોટો પડકાર રહેશે.

આ પણ ખાસ વાંચો : વર્લ્ડ કપમાં આજે ફ્રાન્સ-ઈંગ્લેન્ડ વચ્ચે બ્રોન્ઝ માટે જંગ : એમબાપ્પેની નજર ઐતિહાસિક સિદ્ધિ પર

પ્લેઇંગ-11માં થઈ શકે છે બે મહત્વપૂર્ણ ફેરફાર

ભારતીય ટીમ આજે પોતાની પ્લેઇંગ-11માં ફેરફાર કરી શકે છે. બીજી ODIમાં બીમારીના કારણે બહાર રહેલા કેએલ રાહુલ જો સંપૂર્ણ ફિટ હશે તો તેમનું ટીમમાં કમબેક નિશ્ચિત માનવામાં આવી રહી છે, જ્યારે ઇશાન કિશન બહાર બેસી શકે છે. બોલિંગ વિભાગમાં પણ કુલદીપ યાદવને તક મળવાની શક્યતા છે. વોશિંગ્ટન સુંદર પ્રથમ બે મેચમાં અપેક્ષા મુજબ અસર છોડી શક્યા નહોતા અને બીજી મેચમાં તેમને એક પણ ઓવર આપવામાં આવ્યો નહોતો. કુલદીપના કમબેકથી ભારતની સ્પિન આક્રમણ વધુ મજબૂત બની શકે છે. ભારતની સંભવિત પ્લેઇંગ-11માં શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, અક્ષર પટેલ, શિવમ દુબે, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનૂર બ્રાર અને જસપ્રીત બુમરાહનો સમાવેશ થઈ શકે છે.

ક્યાં અને કેવી રીતે જોઈ શકશો મેચ?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની નિર્ણાયક ત્રીજી ODIનું પ્રસારણ ભારતમાં સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે. મેચનું લાઇવ સ્ટ્રીમિંગ JioHotstar એપ અને વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે. ભારતીય સમય અનુસાર બપોરે 3:00 વાગ્યે ટોસ અને 3:30 વાગ્યે મેચનો પ્રારંભ થશે. લોર્ડ્સમાં આજે માત્ર સિરીઝનો વિજેતા જ નક્કી નહીં થાય, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે રોહિત શર્મા પોતાના બેટથી શું જવાબ આપે છે તેના પર પણ કરોડો ક્રિકેટપ્રેમીઓની નજર રહેશે. જોકે, તેમના ભવિષ્ય અંગે હાલ કોઈ સત્તાવાર નિર્ણય જાહેર થયો નથી અને BCCIએ નિવૃત્તિ સંબંધિત તમામ અફવાઓને સ્પષ્ટપણે નકારી કાઢી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now