મહેસુલી ક્ષેત્રે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ અને જનહિતકારી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ઇનામી જમીનો પર થયેલા અનધિકૃત કબજાહક્કને નિયમબદ્ધ કરવા માટે નવી જોગવાઈ અમલમાં મૂકી છે. આ નિર્ણયથી વર્ષોથી કાનૂની પ્રક્રિયામાં અટવાયેલી અનેક જમીન સંબંધિત ગૂંચવણોનો ઉકેલ આવશે અને કબજેદારોને રાહત મળશે.
મહેસુલી ક્ષેત્રે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
રાજ્ય સરકારના આ નિર્ણય મુજબ રી-ગ્રાન્ટ કરેલ અથવા રી-ગ્રાન્ટ કરવાને પાત્ર હોવા છતાં કોઈ કારણસર રી-ગ્રાન્ટ ન થયેલી જમીનોને હવે સરળતાથી નિયમબદ્ધ કરી શકાશે. આવી જમીન પર કબજેદારને પ્રવર્તમાન જંત્રી મુજબ માત્ર 20 ટકા કબજાહક્કની રકમ ભરવાની રહેશે, ત્યારબાદ તે જમીન કાયદેસર રીતે નિયમબદ્ધ કરી શકાશે. આ નિર્ણયનો લાભ અનેક વર્ગોને મળશે. જેમાં રી-ગ્રાન્ટ કરેલ પરંતુ કબજાકિંમતની ભરપાઈ ન કરેલ હોય તેવા જમીનના કબજેદારો, રી-ગ્રાન્ટ કરવાને પાત્ર હોવા છતાં કોઈ કારણસર રી-ગ્રાન્ટ ન થયેલી જમીન પર કબજો ધરાવતા લોકો તેમજ આવી જમીનના વારસદારો જો અનધિકૃત ધારણકર્તા હોય તો તેઓ પણ આ યોજના હેઠળ લાભ લઈ શકશે.
'અનધિકૃત કબજાહક્કને નિયમબદ્ધ કરવા માટે નવી જોગવાઈ અમલમાં મૂકી'
આ ઉપરાંત આવી જમીનોની અગાઉ તબદીલીઓ થઈ ગઈ હોય અને હાલ તે જમીન અન્ય કોઈ વ્યક્તિના કબજામાં હોય તેવા કબજેદારોને પણ આ નિયમબદ્ધ કરવાની પ્રક્રિયાનો લાભ મળશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી જમીન સંબંધિત વિવાદોમાં ઘટાડો થશે, કાયદાકીય સ્પષ્ટતા આવશે અને સામાન્ય નાગરિકોને લાંબા સમયથી ચાલતી સમસ્યામાંથી મુક્તિ મળશે તેમ માનવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારનો આ નિર્ણય મહેસુલી વ્યવસ્થાને વધુ પારદર્શક, સરળ અને જનમૈત્રી બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે.




















