Home Gujarat If There Is A Lapse In The Respect Of Ministers And Mlas It Will Not Be Good For The Officials

મંત્રીઓ અને MLAના માન-સન્માનમાં ચૂક થઈ તો અધિકારીઓની ખેર નહીં! : પ્રોટોકોલ મામલે બહાર પાડ્યો પરિપત્ર, વાત આવી માન સન્માનની!

મંત્રીઓ અને MLAના માન-સન્માનમાં ચૂક થઈ તો અધિકારીઓની ખેર નહીં!
Published by: OBS Bureau
Last Updated: Feb 26, 2026, 09:54 AM IST

રાજ્ય સરકારે મંત્રીઓ અને ધારાસભ્યોના પ્રોટોકોલ સંબંધિત મુદ્દે કડક વલણ દાખવતા મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડ્યો છે. પરિપત્રમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, મંત્રીઓ તથા ધારાસભ્યો જેવા જનપ્રતિનિધિઓ સાથે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓએ યોગ્ય, વિવેકપૂર્ણ અને સન્માનસભર વર્તન રાખવું ફરજિયાત છે. રાજ્ય સરકાર દ્વારા યોજાતા કાર્યક્રમોમાં તેમને આમંત્રણ આપવું, આમંત્રણ પત્રિકામાં તેમનું નામ યોગ્ય રીતે દર્શાવવું અને બેઠક વ્યવસ્થા પ્રોટોકોલ મુજબ જાળવવી અનિવાર્ય ગણાવવામાં આવી છે.

મંત્રીઓ અને MLAના માન-સન્માનમાં ચૂક થઈ તો અધિકારીઓની ખેર નથી!

પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અગાઉ પણ આ બાબતે સૂચનાઓ આપવામાં આવી હતી, છતાં અમલમાં ખામી રહેતી હોવાનો અનુભવ થયો છે. જાહેર હિસાબ સમિતિએ પણ સમયાંતરે આ મુદ્દે નોંધ લીધી હોવાનું જણાવાયું છે.

નવી સૂચનાઓ મુજબ, મંત્રીઓના જિલ્લા પ્રવાસ દરમિયાન તેમને ગરિમાપૂર્ણ આવકાર આપવામાં આવવો જોઈએ. જિલ્લા તંત્ર દ્વારા યોજાતા સરકારી કાર્યક્રમોમાં સંબંધિત જિલ્લાના પ્રભારી મંત્રીને સંકલનમાં રાખીને આયોજન કરવું જરૂરી રહેશે.

મંત્રીઓ અને ધારાસભ્યના પ્રટોકોલ મામલે બહાર પડાયો પરિપત્ર

ઉપરાંત, જનપ્રતિનિધિઓ જ્યારે જાહેર કાર્યક્રમો અથવા સરકારી કચેરીઓની મુલાકાતે આવે ત્યારે અધિકારીઓએ તેમનું માન જળવાય તે રીતે વર્તવું, તેમને રાહ ન જોવડાવવી અને તેમની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળવી ફરજિયાત રહેશે.

સરકારે ચેતવણી આપી છે કે પરિપત્રની સૂચનાઓનો ભંગ ગંભીર માનવામાં આવશે અને જવાબદાર અધિકારીઓ સામે નિયમ મુજબ પગલાં લેવામાં આવશે. તેથી હવે મંત્રીઓ અને ધારાસભ્યોના માન-સન્માનમાં ચૂક થશે તો સંબંધિત અધિકારીઓ સામે કાર્યવાહી નિશ્ચિત ગણાશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now