Home Sports Icc Takes Strict Action Against Arshdeep Singh For Hitting Daryl Mitchell In The Worldcup Final

અર્શદીપ સિંહ પર ICCની કડક કાર્યવાહી : વર્લ્ડ કપ ફાઈનલમાં ડેરિલ મિશેલને બોલ મારવા બદલ ફટકારાયો દંડ, દોષિત જાહેર

અર્શદીપ સિંહ પર ICCની કડક કાર્યવાહી
Published by: OBS Bureau
Last Updated: Mar 10, 2026, 11:32 AM IST

T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામેની મેચ દરમિયાન અર્શદીપ સિંહે બેટ્સમેન ડેરિલ મિશેલ તરફ ઝડપી થ્રો કર્યો હતો, જે તેના પેડ પર વાગ્યો હતો. આ ઘટના માટે ICCએ અર્શદીપ પર 15 ટકા મેચ ફીનો દંડ ફટકાર્યો છે અને તેના રેકોર્ડમાં એક ડિમેરિટ પોઈન્ટ પણ ઉમેરવામાં આવ્યો છે.

ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર અર્શદીપ સિંહ પર ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ આકરી કાર્યવાહી કરી છે. ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી ફાઈનલ મેચમાં અર્શદીપ અને મિશેલ વચ્ચે બોલાચાલી અને આક્રમક વલણ જોવા મળ્યું હતું. આ વિવાદને પગલે ICCએ અર્શદીપને આચાર સંહિતાના લેવલ-1 ના ઉલ્લંઘન માટે દોષિત જાહેર કર્યો છે.

15 ટકા મેચ ફીનો દંડ

અર્શદીપ સિંહને ICC આચાર સંહિતાની કલમ 2.9 હેઠળ દોષિત ગણવામાં આવ્યો છે. આ નિયમ આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન કોઈ ખેલાડી તરફ અથવા તેની નજીક અયોગ્ય કે ખતરનાક રીતે બોલ અથવા ક્રિકેટના સાધનો ફેંકવા સાથે સંબંધિત છે. દંડની સાથે સાથે તેના શિસ્તના રેકોર્ડમાં એક ડિમેરિટ પોઈન્ટ પણ નોંધવામાં આવ્યો છે. છેલ્લા 24 મહિનામાં અર્શદીપ દ્વારા આ પ્રકારનું પ્રથમ ઉલ્લંઘન છે.

ક્યારે બની આ ઘટના?

આ ઘટના ન્યૂઝીલેન્ડની ઇનિંગની 11મી ઓવરમાં બની હતી. અર્શદીપે બોલ ફિલ્ડ કર્યા બાદ તરત જ બેટ્સમેન ડેરિલ મિશેલ તરફ તેજીથી થ્રો ફેંક્યો હતો, જે સીધો તેના પેડ પર વાગ્યો હતો. જોકે, આ બાબતે કોઈ ઔપચારિક સુનાવણીની જરૂર પડી ન હતી, કારણ કે ભારતીય બોલરે મેચ રેફરી દ્વારા આપવામાં આવેલી સજાનો સ્વીકાર કરી લીધો હતો. મેચ દરમિયાન ઓવર પૂરી થયા બાદ બંને ખેલાડીઓ હાથ મિલાવતા પણ જોવા મળ્યા હતા.

લેવલ-1 ઉલ્લંઘન પર શું સજા થઈ શકે?

સત્તાવાર ચેતવણીથી લઈને મહત્તમ 50 ટકા મેચ ફી સુધીનો દંડ. એક અથવા બે ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવે છે. જો કોઈ ખેલાડીના 24 મહિનામાં 4 કે તેથી વધુ ડિમેરિટ પોઈન્ટ થઈ જાય, તો તેને સસ્પેન્શન પોઈન્ટમાં ફેરવવામાં આવે છે અને ખેલાડી પર રમવા માટે પ્રતિબંધ પણ મૂકાઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now