આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ મેન્સ વન-ડે અને T20 વર્લ્ડ કપના ફોર્મેટમાં મોટા ફેરફારોને મંજૂરી આપી છે. એડિનબર્ગમાં યોજાયેલી ICCની વાર્ષિક સામાન્ય સભા (AGM) બાદ નવા ફોર્મેટની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. નવા નિયમો મુજબ હવે વર્લ્ડ કપ જીતવાનો રસ્તો પહેલા કરતાં વધુ પડકારજનક બનશે. ખાસ કરીને વન-ડે વર્લ્ડ કપમાં પ્રથમ વખત 'સુપર 7' સ્ટેજનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે T20 વર્લ્ડ કપમાં 'સુપર 8'ને બદલે 'સુપર 10' સ્ટેજ રમાશે.
ICCના આ નિર્ણયનો હેતુ ટૂર્નામેન્ટને વધુ સ્પર્ધાત્મક અને રસપ્રદ બનાવવાનો છે. નવા ફોર્મેટ હેઠળ ટોચની ટીમોને પણ ફાઇનલ સુધી પહોંચવા માટે વધુ મેચો જીતવી પડશે, જેના કારણે દરેક મુકાબલો વધુ મહત્વનો બની જશે.
વન-ડે વર્લ્ડ કપમાં શું બદલાયું?
નવા ફોર્મેટ મુજબ વન-ડે વર્લ્ડ કપમાં 14 ટીમો જ ભાગ લેશે, પરંતુ ટૂર્નામેન્ટ હવે ત્રણ તબક્કામાં રમાશે. પ્રથમ તબક્કામાં રેન્કિંગમાં સૌથી નીચેની ત્રણ ટીમો (12, 13 અને 14મા ક્રમે રહેલી) વચ્ચે 'સુપર સિરીઝ' રમાશે. આ રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં દરેક ટીમ એકબીજા સામે રમશે અને ટોચની ટીમ બીજા તબક્કામાં પહોંચશે. બીજા તબક્કામાં કુલ 12 ટીમને બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. દરેક ગ્રુપમાં 6-6 ટીમ હશે અને કુલ 30 મેચ રમાશે. બંને ગ્રુપમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ટીમો ત્રીજા તબક્કા એટલે કે 'સુપર 7'માં પ્રવેશ કરશે.
'સુપર 7' બનશે ટૂર્નામેન્ટનું સૌથી મોટું આકર્ષણ
ICC દ્વારા રજૂ કરાયેલા નવા ફોર્મેટમાં 'સુપર 7' સ્ટેજ સૌથી મોટો ફેરફાર માનવામાં આવી રહ્યો છે. આ તબક્કામાં કુલ 7 ટીમો એકબીજા સામે રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં રમશે. એટલે કે દરેક ટીમને દરેક સામે રમવાની તક મળશે. આ તબક્કામાં કુલ 21 મેચ રમાશે. ત્યારબાદ પોઈન્ટ ટેબલમાં ટોચની ચાર ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. પ્રથમ ક્રમે રહેલી ટીમનો મુકાબલો ચોથા ક્રમે રહેલી ટીમ સામે થશે, જ્યારે બીજા અને ત્રીજા ક્રમે રહેલી ટીમો વચ્ચે બીજી સેમિફાઇનલ રમાશે. ત્યારબાદ બંને વિજેતા ટીમો વચ્ચે ફાઇનલ યોજાશે.
જૂના ફોર્મેટથી કેટલો અલગ?
અગાઉ વન-ડે વર્લ્ડ કપમાં 7-7 ટીમના બે ગ્રુપ બનતા હતા. બંને ગ્રુપમાંથી ટોચની ત્રણ ટીમો 'સુપર સિક્સ'માં પહોંચતી હતી. ત્યારબાદ બંને ગ્રુપની ટોચની બે ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરતી હતી. નવા ફોર્મેટમાં વધુ મેચો અને વધુ સ્પર્ધા ઉમેરાતા કોઈપણ ટીમ માટે સતત સારું પ્રદર્શન કરવું વધુ જરૂરી બનશે.
T20 વર્લ્ડ કપમાં 'સુપર 10' સ્ટેજ
ICCએ T20 વર્લ્ડ કપના ફોર્મેટમાં પણ મોટો ફેરફાર કર્યો છે. હવે ગ્રુપ સ્ટેજમાં 4-4 ટીમના પાંચ ગ્રુપ હશે. દરેક ગ્રુપમાંથી બે ટીમ આગળ વધશે અને કુલ 10 ટીમ 'સુપર 10' સ્ટેજમાં પહોંચશે. સુપર 10માં 5-5 ટીમના બે ગ્રુપ બનાવવામાં આવશે. અહીં બંને ગ્રુપની ટોચની ટીમ સીધી સેમિફાઇનલમાં પહોંચશે.
સેમિફાઇનલ પહેલાં રમાશે એલિમિનેટર
નવી વ્યવસ્થા મુજબ હવે સેમિફાઇનલ પહેલાં એલિમિનેટર મેચ પણ રમાશે. એક ગ્રુપમાં બીજા ક્રમે રહેલી ટીમનો મુકાબલો બીજા ગ્રુપમાં ત્રીજા ક્રમે રહેલી ટીમ સામે થશે. બંને એલિમિનેટરના વિજેતાઓ સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. આ બદલાવને કારણે કોઈ ટીમ એક-બે સારી મેચના આધારે સીધી સેમિફાઇનલમાં પહોંચી શકશે નહીં. સતત સારું પ્રદર્શન કરવું ફરજિયાત બનશે.
2028 T20 વર્લ્ડ કપ માટે નવું ક્વોલિફિકેશન મોડેલ
ICCએ 2028ના T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફિકેશન પ્રક્રિયામાં પણ ફેરફાર કર્યો છે. સ્કોટલેન્ડને સીધી યુરોપ રિજનલ ફાઇનલમાં સ્થાન મળશે. જ્યારે 2026 T20 વર્લ્ડ કપ રમનારી પરંતુ સીધી ક્વોલિફાય ન થનારી ટીમો ગ્લોબલ ક્વોલિફાયરમાં ભાગ લેશે. આ ઉપરાંત અન્ય ટીમો વિવિધ રિજનલ ક્વોલિફાયર દ્વારા સ્થાન મેળવશે. દરેક રિજનની ટોચની ટીમ અને ઓવરઓલ રેન્કિંગના આધારે શ્રેષ્ઠ ટીમોને 2028 T20 વર્લ્ડ કપમાં પ્રવેશ મળશે.
આ પણ વાંચો: હોકી વિશ્વકપનું કાઉન્ટડાઉન શરૂ : ભારતની પુરુષ અને મહિલા ટીમોની તૈયારી અંતિમ તબક્કામાં, 15 ઓગસ્ટે વેલ્સ સામે કરશે મુકાબલાની શરૂઆત
ભારત માટે શું રહેશે અસર?
ભારત હાલનો T20 વર્લ્ડ કપ ચેમ્પિયન છે. નવા ફોર્મેટ હેઠળ ભારતીય ટીમ સહિત તમામ મોટી ટીમોને હવે ટ્રોફી જીતવા માટે અગાઉ કરતાં વધુ મેચો જીતવી પડશે. દરેક તબક્કામાં સતત સારું પ્રદર્શન કરવું જરૂરી બનશે, જેના કારણે વર્લ્ડ કપ વધુ રોમાંચક અને સ્પર્ધાત્મક બનવાની શક્યતા છે.





