Bhavnagar News: ભાવનગર પાસે આવેલા વરતેજમાં ગત સપ્તાહે બનેલી એક ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. પત્નીનું મોત કુદરતી રીતે થયું હોવાનું કહીને હોસ્પિટલ પહોંચેલા પતિની પોલ અંતે પોસ્ટમોર્ટમ રિપોર્ટે ખોલી દીધી છે. પોલીસે હવે આ મામલે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શું હતી સમગ્ર ઘટના?
ગત ૨૦ માર્ચના રોજ વરતેજ ગામમાં રહેતા અર્જુનસિંહ નામનો શખ્સ તેની પત્ની અલ્પાબેનના મૃતદેહને લઈને વરતેજ સીએચસી (CHC) ખાતે પહોંચ્યો હતો. હોસ્પિટલના સ્ટાફ સમક્ષ તેણે એવો દાવો કર્યો હતો કે તેની પત્નીનું મૃત્યુ કુદરતી રીતે થયું છે. જોકે, હોસ્પિટલના તબીબોને મૃતદેહ જોઈને શંકા જણાતા તેમણે તુરંત પોલીસને જાણ કરી હતી.
તબીબોની સતર્કતા અને પોલીસની તપાસ
મામલો શંકાસ્પદ જણાતા પોલીસે મૃતદેહને ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. એફએસએલ (FSL) અને પોલીસની પ્રાથમિક તપાસમાં પણ કંઈક અજૂગતું હોવાનું જણાયું હતું. સત્ય બહાર લાવવા માટે મેડિકલ ઓફિસરોની પેનલ દ્વારા પીએમ (Post-Mortem) કરાવવાનો નિર્ણય લેવાયો હતો.
પીએમ રિપોર્ટમાં હત્યાનો ખુલાસા
આ કેસ અંગે વિગતો આપતા IPS અધિકારી ઘનશ્યામ ગૌતમે જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટપણે બહાર આવ્યું છે કે અલ્પાબેનનું મોત કુદરતી નથી, પરંતુ તેમની હત્યા કરવામાં આવી છે. પીએમ રિપોર્ટના આધારે હવે પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે."
આગળની કાર્યવાહી
પોલીસે આ મામલે પતિ અર્જુનસિંહ સામે હત્યાની કલમો હેઠળ ગુનો નોંધીને તેને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પત્નીની હત્યા પાછળનું ચોક્કસ કારણ શું હતું અને અર્જુનસિંહે આ ગુનો કેવી રીતે આચર્યો, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.





