સુરત: ડાયમંડ સિટી સુરત ફરી એકવાર લોહીલુહાણ થયું છે. શહેરના સલાબતપુરા વિસ્તારમાં એક પતિએ પોતાની પત્નીની ઘાતકી હત્યા કરી પુરાવા મટાડવા માટે જે કરતૂત કરી છે તે જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી છે. સ્મીમેર (SMIMER) હોસ્પિટલમાં ડાયટિશિયન તરીકે ફરજ બજાવતી મહિલાની હત્યા કરી તેના પતિએ મૃતદેહને જૂના મકાનમાં આવેલા લાકડાના સંદૂકમાં પૂરી દીધી હતી અને ઉપર કાચો સિમેન્ટ નાખી દીધો હતો જેથી દુર્ગંધ ન આવે. જોકે, પાપનો ઘડો ત્યારે ફૂટ્યો જ્યારે માસૂમ પુત્રના હાથમાંથી પિતાએ લખેલી કબૂલાતની ચિઠ્ઠી પોલીસના હાથે લાગી.
શું છે સમગ્ર ઘટના?
મૃતક મહિલાની ઓળખ 39 વર્ષીય શિલ્પા સેલ્વી તરીકે થઈ છે, જેઓ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ડાયટિશિયન તરીકે પ્રતિષ્ઠિત નોકરી કરતા હતા. હત્યાનો આરોપ તેમના 40 વર્ષીય પતિ વિશાલ સેલ્વી પર લાગ્યો છે. આ દંપતી ગોડાદરા વિસ્તારમાં પોતાના બે સંતાનો સાથે રહેતું હતું. પ્રાથમિક વિગતો મુજબ, આશરે 20 એપ્રિલની આસપાસ વિશાલ અને શિલ્પા વચ્ચે કોઈ અગમ્ય કારણોસર ઝઘડો થયો હતો, જેમાં વિશાલે પત્નીને મોતના ઘાટ ઉતારી દીધી હતી.
ક્રાઈમ થ્રિલર જેવો પ્લાન: મૃતદેહ છુપાવવા સિમેન્ટનો ઉપયોગ
હત્યા કર્યા બાદ પકડાઈ જવાના ડરથી વિશાલે મૃતદેહનો નિકાલ કરવા માટે ભયાનક રસ્તો અપનાવ્યો. તે પત્નીની મૃતદેહને સલાબતપુરામાં આવેલા પોતાના એક જૂના મકાનમાં લઈ ગયો હતો. ત્યાં એક લાકડાના મોટા બોક્સ (સંદૂક)માં મૃતદેહને મૂકી, તેની ઉપર કાચો સિમેન્ટ પાથરી દીધો હતો જેથી મૃતદેહ સડી જાય તો પણ તેની દુર્ગંધ બહાર ન આવે અને કોઈને શંકા ન જાય.
પોલીસને ગેરમાર્ગે દોરવા ગુમ થયાની ફરિયાદ નોંધાવી
ક્રૂરતાની હદ તો ત્યારે થઈ જ્યારે પત્નીની હત્યા કર્યાના બીજા જ દિવસે આરોપી વિશાલ ગોડાદરા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. તેણે પોલીસ સમક્ષ એવું નાટક કર્યું કે તેની પત્ની ક્યાંક ગુમ થઈ ગઈ છે. પોલીસે તેની ફરિયાદના આધારે ગુમશુદાની તપાસ શરૂ કરી હતી. પરંતુ વિશાલને કદાચ અંદાજ નહોતો કે તેની એક નાનકડી ભૂલ તેને જેલના સળિયા પાછળ ધકેલી દેશે.
આ પણ વાંચો: સુરતીઓનો અનોખો અંદાજ : પહેલા મતદાન, પછી લોચાની માણી જાયફત
13 વર્ષના પુત્ર પાસે મળેલી ચિઠ્ઠીથી ભાંડો ફૂટ્યો
આ કેસમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે પોલીસ તપાસ દરમિયાન દંપતીના 13 વર્ષના પુત્ર પાસે એક હસ્તલિખિત ચિઠ્ઠી મળી આવી. આ ચિઠ્ઠી વિશાલ દ્વારા લખવામાં આવી હોવાનું મનાય છે, જેમાં તેણે પોતાની મોટી ભૂલ થઈ ગઈ હોવાનો પસ્તાવો વ્યક્ત કર્યો હતો અને પત્ની હવે જીવતી નથી તેવો ગૂઢ સંકેત આપ્યો હતો. આ ચિઠ્ઠી મળતા જ પોલીસની શંકા દ્રઢ બની અને તપાસની દિશા બદલાઈ ગઈ.
જૂના મકાનમાંથી સડેલી હાલતમાં મૃતદેહ મળી
ચિઠ્ઠીના આધારે પોલીસે જ્યારે સલાબતપુરા સ્થિત વિશાલના જૂના મકાનમાં દરોડો પાડ્યો, ત્યારે ત્યાંથી ભારે દુર્ગંધ આવી રહી હતી. રૂમના ખૂણામાં પડેલા સંદૂકને જ્યારે ખોલવામાં આવ્યું, ત્યારે તેમાંથી શિલ્પા સેલ્વીની સડેલી હાલતમાં મૃતદેહ મળી આવી હતી. આરોપીએ મૃતદેહને સિમેન્ટના થર નીચે દબાવી દીધી હતી.
હત્યા પાછળનું કારણ શું?
પોલીસની પ્રાથમિક તપાસમાં દામ્પત્ય કલહ મુખ્ય કારણ હોવાનું બહાર આવ્યું છે. એવી આશંકા સેવાઈ રહી છે કે પતિ વિશાલ પત્નીના ચરિત્ર પર શંકા કરતો હતો, જેને કારણે અવારનવાર ઝઘડા થતા હતા. આ ઉપરાંત, નોકરી સંબંધિત તણાવ અને અન્ય પારિવારિક વિવાદોએ આ ગંભીર ગુનાનું રૂપ ધારણ કર્યું હોઈ શકે છે.





