Histroy of Hindu Kabristan Kanpur: ભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના શહેર કાનપુરમાં છેલ્લા 86 વર્ષથી એક અનોખી પરંપરાનું પાલન કરવામાં આવે છે. થોડું વિચિત્ર લાગશે, પરંતુ છેલ્લા 86 વર્ષથી અહીંના કબ્રસ્તાનમાં હિન્દુઓને દફનાવવામાં આવે છે. 86 વર્ષ પહેલાં કાનપુરમાં માત્ર એક જ હિન્દુ કબ્રસ્તાન હતું, પરંતુ હવે આ સંખ્યા વધીને સાત થઈ ગઈ છે. અહીં હિન્દુ કબરો કેમ ખોદવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળની કહાની...
કાનપુરમાં પહેલું હિન્દુ કબ્રસ્તાન 1930 માં સ્થાપિત થયું હતું. તેની સ્થાપના અંગ્રેજો દ્વારા કરવામાં આવી હતી. હાલમાં, આ કબ્રસ્તાન કાનપુરમાં કોકા-કોલા ચૌરાહા રેલ્વે ક્રોસિંગની બાજુમાં આવેલું છે અને તેને અચ્યુતાનંદ મહારાજ કબ્રસ્તાન તરીકે ઓળખવામાં આવે છે.
ફતેહપુર જિલ્લાના સૌરીખ ગામના રહેવાસી સ્વામી અચ્યુતાનંદ દલિત સમુદાયના અગ્રણી નેતા હતા. 1930માં કાનપુરમાં તેમના રોકાણ દરમિયાન, સ્વામીજી એક દલિત બાળકના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે ભૈરવ ઘાટ ગયા હતા. અંતિમ સંસ્કાર દરમિયાન, પુજારીઓ બાળકના પરિવારની ક્ષમતા કરતાં વધુ મોટી દાનની માંગ કરી રહ્યા હતા. આ મુદ્દે અચ્યુતાનંદે તેમની સાથે દલીલ કરી. પુજારીઓએ બાળકના અંતિમ સંસ્કાર કરવાનો ઇનકાર કર્યો. પુજારીઓના ગેરવર્તણૂકથી ગુસ્સે થઈને, અચ્યુતાનંદ મહારાજે પોતે દલિત બાળકના અંતિમ સંસ્કાર તમામ વિધિઓ સાથે કર્યા. તેમણે બાળકના શરીરનું ગંગામાં વિસર્જન કર્યું.
સ્વામીજી અહીં જ અટક્યા નહીં. તેઓ દલિત બાળકો માટે શહેરમાં એક કબ્રસ્તાન બનાવવા માટે મક્કમ હતા. તેમને આ માટે જમીનની જરૂર હતી. તેમણે બ્રિટિશ અધિકારીઓ સમક્ષ પોતાનો કેસ રજૂ કર્યો. અંગ્રેજોએ કબ્રસ્તાન માટે જમીન તૈયાર કરી. ત્યારથી હિન્દુઓને આ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવે છે. 1932 માં અચ્યુતાનંદના મૃત્યુ પછી, તેમના પાર્થિવ દેહને પણ આ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા.
આ હિન્દુ કબ્રસ્તાનની શરૂઆત દલિત બાળકોના દફનવિધિથી થઈ હતી. હવે, કોઈપણ જાતિના હિન્દુઓના મૃતદેહો અહીં દફનાવી શકાય છે. વર્ષોથી, આ કબ્રસ્તાન હવે ફક્ત બાળકો પૂરતું મર્યાદિત રહ્યું નથી. હવે, અહીં તમામ ઉંમર અને જાતિના મૃતદેહોને દફનાવવામાં આવે છે.




















