વર્તમાન સમયમાં જ્યારે પણ 'Modi' નામ લેવામાં આવે ત્યારે સ્વાભાવિક રીતે પ્રધાનમંત્રી Narendra Modiનો ચહેરો નજર સમક્ષ આવી જાય છે. પરંતુ ખૂબ ઓછા લોકો એ વાત જાણે છે કે પ્રધાનમંત્રી પદની ગરિમા સાથે આ નામ જોડાયું તેના દાયકાઓ પહેલા જ ભારતીય ઉદ્યોગ જગતમાં આ પરિવારે પોતાની આગવી ઓળખ ઉભી કરી દીધી હતી. ઉત્તર પ્રદેશનું 'મોદીનગર', પ્રતિષ્ઠિત 'મોદી ગ્રુપ' અને કે.કે. મોદી પરિવાર ભારતીય કારોબારી ઇતિહાસના અભિન્ન અંગ રહ્યા છે. આ એવા પરિવારની ગાથા છે જેણે માત્ર ફેક્ટરીઓ જ નથી નાખી, પરંતુ એક આખું શહેર વસાવીને ઔદ્યોગિક નકશા પર કાયમી છાપ છોડી છે.
બેગમાબાદથી મોદીનગર સુધીની સફર
ગાઝિયાબાદ અને મેરઠ વચ્ચે આવેલું મોદીનગર આજે એક જાણીતું શહેર છે, પરંતુ તેનું પ્રાચીન નામ બેગમાબાદ હતું. અંદાજે 573 એકરમાં ફેલાયેલું આ એક નાનકડું ગામ હતું, જેનું નામ દિલ્હીની શાહી બેગમના સન્માનમાં રાખવામાં આવ્યું હતું. વર્ષ 1933માં રાયબહાદુર ગુજરમલ મોદીએ આ સ્થળની કાયાપલટ કરવાની શરૂઆત કરી હતી. તેમણે પોતાના ભાઈ કેદારનાથ મોદી સાથે મળીને અહીં સૌપ્રથમ શુગર મિલની સ્થાપના કરી હતી. ધીરે ધીરે અહીં કાપડ, કેમિકલ અને કાગળ જેવા અનેક ઉદ્યોગો વિકસ્યા અને બેગમાબાદ એક આધુનિક ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશિપ બની ગયું, જેને આજે આપણે મોદીનગર તરીકે ઓળખીએ છીએ.
KK Modi અને વારસાનું વિસ્તરણ
ગુજરમલ મોદીના અવસાન બાદ તેમના પુત્ર કે.કે. મોદીએ વ્યવસાયની બાગડોર સંભાળી હતી. તેમના નેતૃત્વમાં મોદી ગ્રુપ ભારતનું 7મું સૌથી મોટું ઔદ્યોગિક જૂથ બન્યું હતું. તે સમયે ગ્રુપની વાર્ષિક વેચાણ ક્ષમતા અંદાજે 1600 કરોડ રૂપિયા સુધી પહોંચી હતી. તેમના કાર્યકાળ દરમિયાન Godfrey Phillips India Limited આ ગ્રુપનો મુખ્ય હિસ્સો બની, જે આજે દેશની બીજી સૌથી મોટી સિગારેટ ઉત્પાદક કંપની ગણાય છે. વર્ષ 2019માં કે.કે. મોદીના નિધન બાદ પરિવારમાં સંપત્તિના વિભાજનને લઈને વિવાદો પણ સર્જાયા હતા, જેમાં લલિત મોદી અને બીના મોદી વચ્ચેના મતભેદો ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા.
ભવિષ્યની યોજનાઓ અને Modi Brandનું લોન્ચિંગ
જાન્યુઆરી 2024માં મોદી ગ્રુપ દ્વારા દિલ્હીની તાજ હોટલમાં 'Modi Brand'નું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ગ્રુપ હવે હેલ્થ, ટેકનોલોજી અને સ્માર્ટ સિટી જેવા ક્ષેત્રોમાં 6000 કરોડ રૂપિયાના તોતિંગ રોકાણનું લક્ષ્ય ધરાવે છે. દિલ્હીમાં સાકેત હેલ્થ સિટી, મોદીપુરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અને ઋષિકેશ તેમજ દ્વારકામાં યોગ વેલનેસ સેન્ટર જેવી મહત્વકાંક્ષી પરિયોજનાઓ દ્વારા આ પરિવાર પોતાની ઔદ્યોગિક વિરાસતને આગળ ધપાવી રહ્યો છે.





















