Home International History Of 10 December World Human Rights Day Significance Anil Kumble Record Amartya Sen Nobel Prize

આજે 10 ડિસેમ્બર : આંતરરાષ્ટ્રીય માનવઅધિકાર દિવસ

આજે 10 ડિસેમ્બર
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 10, 2025, 04:33 AM IST

તારીખ 10 ડિસેમ્બરનો દિવસ દેશ અને દુનિયાના ઇતિહાસમાં અનેક કારણોસર યાદગાર છે. આજે સમગ્ર વિશ્વમાં માનવ અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વયુદ્ધની ભયાનકતા અને લોકોની પીડાને વાચા આપવાનો હતો. સંયુક્ત રાષ્ટ્રની મહાસભા દ્વારા 10 ડિસેમ્બર 1948 ના રોજ માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણાને સત્તાવાર રીતે સ્વીકારવામાં આવી હતી. દરેક મનુષ્યને જીવન જીવવાનો, સમાનતાનો અને સન્માનપૂર્વક રહેવાનો જન્મસિદ્ધ અધિકાર છે.

ભારત જેવા લોકશાહી દેશમાં માનવ અધિકારોનું વિશેષ મહત્વ રહેલું છે. ભારતીય બંધારણ નાગરિકોને આ હકોની ખાતરી આપે છે અને તેના ઉલ્લંઘન બદલ અદાલતી કાર્યવાહીની જોગવાઈ પણ છે. ભારતમાં 28 સપ્ટેમ્બર 1993 થી માનવ અધિકાર કાયદો અમલમાં આવ્યો હતો અને ત્યારબાદ 12 ઓક્ટોબર 1993 ના રોજ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચની રચના કરવામાં આવી હતી. આ પંચ બાળ મજૂરી, મહિલાઓના અધિકારો, આરોગ્ય અને સામાજિક સુરક્ષા જેવા મુદ્દાઓ પર દેખરેખ રાખે છે.

રમતગમતના ક્ષેત્રે પણ આજનો દિવસ ભારત માટે ખૂબ જ ગૌરવપૂર્ણ રહ્યો છે. વર્ષ 2004 માં ભારતીય સ્પિનર અનિલ કુંબલેએ ટેસ્ટ ક્રિકેટમાં એક નવો ઇતિહાસ રચ્યો હતો. ઢાકા ખાતે રમાયેલી ટેસ્ટ મેચમાં અનિલ કુંબલેએ દિગ્ગજ ખેલાડી કપિલ દેવનો રેકોર્ડ તોડીને ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર પ્રથમ બોલર બનવાનું બહુમાન મેળવ્યું હતું. આ ઘટના ભારતીય ક્રિકેટના સુવર્ણ પૃષ્ઠોમાં અંકિત થયેલી છે.

આ ઉપરાંત નોબેલ પુરસ્કારના ઇતિહાસમાં પણ 10 ડિસેમ્બરનું ખાસ મહત્વ છે. વર્ષ 1998 માં ભારતના પ્રખ્યાત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનને સ્ટોકહોમમાં અર્થશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ પહેલા વર્ષ 1903 માં પિયર ક્યુરી અને મેરી ક્યુરીને ભૌતિકશાસ્ત્ર ક્ષેત્રે યોગદાન બદલ નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 1994 માં યાસર અરાફાત અને શિમોન પેરેસને સંયુક્ત રીતે શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર મળ્યો હતો.

અન્ય આંતરરાષ્ટ્રીય ઘટનાઓ જોઈએ તો વર્ષ 2013 માં ઉરુગ્વે દેશે માદક પદાર્થ ગાંજાના વેચાણ અને ઉત્પાદનને કાયદેસર માન્યતા આપી હતી આવું કરનાર તે વિશ્વનો પ્રથમ દેશ બન્યો હતો. પાકિસ્તાનના રાજકારણમાં પણ આજનો દિવસ મહત્વનો છે કારણ કે વર્ષ 2000 માં નવાઝ શરીફ અને તેમના પરિવારને દસ વર્ષ માટે દેશનિકાલ કરવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ 2006 માં ચીલીના ભૂતપૂર્વ તાનાશાહ જનરલ ઓગસ્ટો પિનાશેનું નિધન થયું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now