Home Gujarat Himmatnagar Lootery Bride Gang Busted Marriage Bureau Fraud

હિંમતનગરમાં 'લૂંટેરી દુલ્હન' ગેંગનો પર્દાફાશ : મેરેજ બ્યુરોના નામે યુવાનોને ફસાવી લાખોની છેતરપિંડી કરતાં; 2 મહિલા સહિત 4 આરોપી પોલીસ સકંજામાં

હિંમતનગરમાં 'લૂંટેરી દુલ્હન' ગેંગનો પર્દાફાશ
Published by: OBS Bureau
Last Updated: Mar 08, 2026, 01:01 PM IST

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ‘લૂંટેરી દુલ્હન’ના કિસ્સાઓ વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે હિંમતનગરમાં પણ આવી જ એક ગેંગનો પર્દાફાશ થયો છે. લગ્ન ઇચ્છુક યુવાનોને ફસાવી લાખો રૂપિયાની છેતરપિંડી કરતી ગેંગના 9 સભ્યોમાંથી બે મહિલા સહિત 4 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે.

મેરેજ બ્યુરોના નામે યુવાનોને ફસાવવાની ગોઠવણી

પોલીસ તપાસ મુજબ આ ગેંગ લગ્ન કરવા ઈચ્છતા યુવકોને પોતાની જાળમાં ફસાવી પૈસા લઈને બોગસ લગ્ન કરાવતી હતી. લગ્ન થયા પછી 4-5 દિવસમાં જ યુવતી કોઈ બહાનું બતાવી યુવકને છોડી ભાગી જતી અથવા ખોટા કેસોમાં ફસાવવાની ધમકી આપતી હતી.

આ સમગ્ર ગેંગ પોતાના ઘરે જ મેરેજ બ્યુરો ચલાવી યુવાનોને વિશ્વાસમાં લેતી હતી. ત્યારબાદ છૂટાછેડા માટે દબાણ કરીને ફરી તે જ યુવતીના અન્ય યુવક સાથે લગ્ન કરાવી ફરીથી મોટી રકમ પડાવતી હતી.
ફરિયાદ બાદ પોલીસની કાર્યવાહી

હિંમતનગરના એક યુવક સાથે આવી છેતરપિંડી થતાં તેણે હિંમતનગર B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને ગેંગના ચાર આરોપીઓને ઝડપી લીધા છે. જ્યારે હજુ પાંચ મહિલા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા શોધખોળ ચાલુ છે.

‘દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો’ દ્વારા ગોઠવાતી હતી છેતરપિંડી

તપાસમાં સામે આવ્યું છે કે કાંકણોલ રોડ પર આવેલી અર્બુદાનગર સોસાયટીમાં રહેતા મનોજભાઈ બાબુલાલ સોની અને તેમની પત્ની કવિતાબેન સોની ‘દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો’ના નામે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતા હતા. તેઓ પોતાના ઓળખીતાઓ મારફતે લગ્ન ઈચ્છુક યુવાનો સુધી પહોંચતા અને તેમને બોગસ લગ્નમાં ફસાવતા હતા.

હાલ સુધીમાં 4 યુવકો પોલીસ સમક્ષ આવી છેતરપિંડીની ફરિયાદ કરી ચૂક્યા છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ ગેંગે હિંમતનગર ઉપરાંત અન્ય કયા વિસ્તારોમાં કેટલા યુવકો સાથે આવી છેતરપિંડી આચરી છે.

પોલીસનો સખત સંદેશ

DySP A. K. Patelએ જણાવ્યું કે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ ચાલુ છે અને બાકીના આરોપીઓને ઝડપી પાડવા માટે ટીમો કામ કરી રહી છે. સાથે જ આ ગેંગનો અન્ય કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now