Home Gujarat Himmatnagar Another Ponzi Scheme Like Bz

Himmatnagar : BZ જેવી વધુ એક પોન્ઝી સ્કીમ! : બીગબુલ સ્કીમ સામે નવી ફરિયાદ, સંચાલક રફ્ફૂચક્કર!

Himmatnagar : BZ જેવી વધુ એક પોન્ઝી સ્કીમ!
Published by: OBS Bureau
Last Updated: Dec 23, 2025, 06:56 AM IST

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પોન્ઝી સ્કીમોનો રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં સતત એક પછી એક પોન્ઝી સ્કીમોના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેમાં હવે બીગબુલ પોન્ઝી સ્કીમના સંચાલકો વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે. ઊંચા વળતરની લાલચ આપીને રોકાણકારોને છેતરવામાં આવતા હોવાના આક્ષેપો ફરી એકવાર સામે આવ્યા છે.

નફો આપવાની લાલચે રોકાણ કરાવી છેતરપિંડી આચરી

ફરિયાદ મુજબ જામવાના એક રોકાણકારને વધારે નફો આપવાની લાલચ આપી ચાર લાખ રૂપિયાની ડિપોઝીટ કરાવવામાં આવી હતી. શરૂઆતમાં વિશ્વાસ જમાવીને રોકાણ કરાવવામાં આવ્યું, પરંતુ બાદમાં ન તો વચન મુજબનું વળતર મળ્યું અને ન તો જમા કરાવેલી રકમ પરત કરવામાં આવી. અંતે રોકાણકારને છેતરપિંડી થયાનો અહેસાસ થતાં હિંમતનગર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

બીગબુલ પોન્ઝી સ્કીમના સંચાલક ફરાર!

આ મામલે હિંમતનગર બી ડિવિઝન પોલીસે બીગબુલ પોન્ઝી સ્કીમના સંચાલક જગદીશ ગોસ્વામી સહિત કુલ ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. નોંધનીય બાબત એ છે કે જગદીશ ગોસ્વામી અગાઉ નોંધાયેલી પ્રથમ ફરિયાદ બાદથી જ ભૂગર્ભમાં ઉતરી ગયો છે અને હજુ સુધી પોલીસ પકડથી દૂર છે. તેની સાથે જોડાયેલા અન્ય આરોપીઓની પણ પોલીસ શોધખોળ કરી રહી છે.

હિંમતનગરમાં પોન્ઝી સ્કીમોની ફરિયાદોનો સિલસિલો

બીઝેડ પોન્ઝી સ્કીમ સામે કાર્યવાહી શરૂ થયા બાદ હિંમતનગરમાં પોન્ઝી સ્કીમોની ફરિયાદોનો સિલસિલો તેજ થયો છે. એઆર, બીગબુલ અને બીઝેડ જેવી અનેક પોન્ઝી સ્કીમોના કેટલાક સંચાલકો અને આરોપીઓ હજુ સુધી પોલીસની પકડથી દૂર હોવાને કારણે લોકોમાં ભય અને ચિંતા વધી રહી છે. શહેરમાં પોન્ઝી સ્કીમો દ્વારા રોકાણકારોને મોટા પ્રમાણમાં છેતરવામાં આવ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે.

પોલીસે તપાસ હાથધરી

પોલીસ દ્વારા તમામ ફરિયાદોને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરવામાં આવી છે અને પોન્ઝી સ્કીમોના સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું છે. સાથે જ, સામાન્ય નાગરિકોને અજાણી અને ઊંચા વળતરની લાલચ આપતી યોજનાઓથી સાવચેત રહેવાની અપીલ પણ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now