હાઈવે પર ગાડી ચલાવવી એ શહેરના ટ્રાફિક કરતા સરળ લાગે છે, પરંતુ અહીં સ્પીડ વધુ હોવાને કારણે નાની ભૂલ પણ જીવલેણ સાબિત થઈ શકે છે. ખાસ કરીને નવા ડ્રાઈવરો ઘણીવાર ઓવરટેકિંગ કે લેન શિસ્તમાં ભૂલો કરે છે જે મોટા અકસ્માતનું કારણ બને છે. જો તમે પણ હાઈવે પર મુસાફરી કરવાના હોવ તો સુરક્ષિત ડ્રાઈવિંગ માટે આ 5 બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
મોટા વાહનોથી સુરક્ષિત અંતર જાળવો
હાઈવે પર હંમેશા ટ્રક કે બસ જેવા મોટા વાહનોથી નિશ્ચિત અંતર રાખવું અનિવાર્ય છે. ઘણીવાર ટ્રકની પાછળ પ્રોટેક્શન બેરિયર હોતું નથી, જેના કારણે જો ટક્કર થાય તો નાની કાર સીધી ટ્રકની નીચે ઘૂસી શકે છે. આવી સ્થિતિમાં કારના Airbags ખુલવાની શક્યતા ઘટી જાય છે, કારણ કે એરબેગના સેન્સર્સ બોનટમાં હોય છે અને જો સીધી વિન્ડશીલ્ડ ટ્રક સાથે અથડાય તો સેન્સર એક્ટિવેટ થતા નથી. જોકે, આધુનિક કારોમાં સેન્સર્સ બમ્પરની પાછળ કે સેન્ટર કન્સોલમાં હોય છે, છતાં સાવચેતી રાખવી જરૂરી છે.
રાઈટ લેનમાં ધીમી ગતિએ ગાડી ન ચલાવો
હાઈવે પર સૌથી જમણી તરફની લેન (Third Right Lane) ફક્ત ઓવરટેકિંગ માટે હોય છે. ઘણા ડ્રાઈવરો આ લેનમાં ધીમી ગતિએ ગાડી ચલાવે છે, જે ટ્રાફિકના નિયમોની વિરુદ્ધ છે. જો તમે રાઈટ લેન રોકીને રાખશો તો પાછળથી આવતું વાહન ડાબી બાજુથી ઓવરટેક કરવાનો પ્રયાસ કરશે, જે અત્યંત જોખમી છે અને તેનાથી અકસ્માત સર્જાઈ શકે છે.
વળાંક પર ઓવરટેક કરવાનું ટાળો
જ્યારે રસ્તા પર વળાંક કે ટર્ન આવતો હોય ત્યારે ક્યારેય ઓવરટેક ન કરવો જોઈએ. વળાંક પર ઓવરટેક કરવાથી ગાડી ઓવરસ્ટીયર થઈ શકે છે અથવા સામેથી આવતું વાહન 'બ્લાઈન્ડ સ્પોટ'ને કારણે દેખાતું નથી. હંમેશા વળાંક પૂરો થયા પછી અને રસ્તો સીધો દેખાય ત્યારે જ સુરક્ષિત રીતે ઓવરટેક કરવો જોઈએ.
રાત્રિના સમયે લો-બીમનો ઉપયોગ
રાત્રે હાઈવે પર ડ્રાઈવિંગ કરતી વખતે હંમેશા હેડલાઈટ લો-બીમ પર રાખવાનો આગ્રહ રાખો. જો તમે હાઈ-બીમ (વધુ તેજ પ્રકાશ) રાખશો તો સામેથી આવતા ડ્રાઈવરની આંખો અંજાઈ શકે છે અને તે તમારી ગાડીનું અંતર નક્કી કરવામાં ભૂલ કરી શકે છે. ખાસ કરીને જ્યાં ડિવાઈડર નથી હોતા ત્યાં હાઈ-બીમ સામસામે ટક્કર થવાનું મુખ્ય કારણ બને છે.
ઓવરસ્પીડિંગથી બચો
સ્પીડ રોમાંચક લાગે છે પણ તે જોખમી છે. ખાસ કરીને જ્યારે તમે શહેરના ટ્રાફિકમાંથી નીકળીને હાઈવે પર એન્ટ્રી લો ત્યારે અચાનક સ્પીડ ન વધારવી જોઈએ. તમારા શરીર અને મગજને હાઈ-સ્પીડ સાથે એડજસ્ટ થવામાં થોડો સમય લાગે છે. જો તમે શરૂઆતમાં જ વધુ સ્પીડ રાખશો તો કટોકટીના સમયે ગાડી પરનો કાબૂ ગુમાવી શકો છો.




















