Home Gujarat Heroin Hand Grenade From Pak Border Pistol Supplier Arrested From Rakhial

પાક. બોર્ડરથી હેરોઇન-હેન્ડ ગ્રેનેડ, પિસ્તોલ સપ્લાયર રખિયાલમાંથી ઝડપાયો : પંજાબથી ભાગીને અમદાવાદ આવ્યો અને ATS દબોચી લીધો

પાક. બોર્ડરથી હેરોઇન-હેન્ડ ગ્રેનેડ, પિસ્તોલ સપ્લાયર રખિયાલમાંથી ઝડપાયો
Published by: OBS Bureau
Last Updated: Feb 26, 2026, 11:43 AM IST

પાકિસ્તાન બોર્ડરથી હેરોઇન અને હથિયારોની સપ્લાય કરનાર એક શખ્સને ગુજરાત ATSએ ઝડપી પાડ્યો છે. આરોપીને અમદાવાદના રખિયાલ વિસ્તારમાંથી દબોચવામાં આવ્યો હતો. તપાસ મુજબ આરોપી પંજાબમાં હેરોઇન, હેન્ડ ગ્રેનેડ અને પિસ્તોલ જેવી ઘાતક સામગ્રી સપ્લાય કરતો હતો.

પિસ્તોલ સપ્લાય કરતો શખ્સ ઝડપાયો

આ જ કેસમાં પોલીસે અગાઉ બે આરોપીઓની ધરપકડ કરી હતી, જેમની પાસેથી 42 કિલો હેરોઇન, ચાર હેન્ડ ગ્રેનેડ, એક સ્ટાર માર્ક પિસ્તોલ અને 46 કારતૂસ જપ્ત કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી બાદ મુખ્ય આરોપી રહેમત અલી પંજાબમાંથી ફરાર થઈ ગયો હતો. તપાસમાં સામે આવ્યું છે કે બે સાથીદારો પકડાતા રહેમત અલી પહેલા પંજાબમાંથી ભાગી ગયો હતો અને ત્યારબાદ નેપાળ પહોંચ્યો હતો. ત્યાંથી બિહાર મારફતે ગુજરાત આવ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી તે અમદાવાદના રખિયાલ વિસ્તારમાં છુપાઈને રહેતો હતો.

એમ્બ્રોડરીના કારખાનામાં કામદાર તરીકે કામ કરતો હતો

આરોપી રખિયાલ વિસ્તારમાં એક એમ્બ્રોડરીના કારખાનામાં કામદાર તરીકે કામ કરતો હતો, જેથી કોઈને શંકા ન જાય. ATSએ ચોક્કસ માહિતીના આધારે દરોડો પાડી તેને ઝડપી પાડ્યો હતો. હાલ આરોપીની પૂછપરછ ચાલી રહી છે અને તેની પાકિસ્તાન બોર્ડર સાથેની કડી તેમજ હથિયાર અને નશીલા પદાર્થોના નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now