ભારતીય ટુ-વ્હીલર માર્કેટમાં નવા વર્ષની શરૂઆત ધમાકેદાર રહી છે. જાન્યુઆરી 2026માં બાઈક પ્રેમીઓએ નવા રેકોર્ડ સર્જ્યા છે, જેમાં ટોપ-10 મોટરસાઇકલ્સના વેચાણમાં વાર્ષિક ધોરણે 20% થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. આ રેસમાં ફરી એકવાર સાબિત થયું છે કે ભારતીય મધ્યમ વર્ગ અને ગ્રામીણ વિસ્તારોમાં 'હીરો'નો જાદુ અકબંધ છે. Honda Shine જેવી દિગ્ગજ બાઈકને પછાડીને હીરો સ્પ્લેન્ડરે (Hero Splendor) ફરીથી નંબર-1નું સિંહાસન કબજે કર્યું છે. સસ્તી કિંમત, શાનદાર માઈલેજ અને લોકોના અતૂટ વિશ્વાસને કારણે સ્પ્લેન્ડર દેશની સૌથી મનપસંદ બાઈક બની રહી છે.
જાન્યુઆરી 2026: બાઈક માર્કેટમાં 20% ની તેજી
જાન્યુઆરી 2026 માં ટોપ-10 મોટરસાઇકલ્સનું કુલ વેચાણ 9,02,096 યુનિટ રહ્યું છે. જો આપણે ગયા વર્ષના (જાન્યુઆરી 2025) આંકડા જોઈએ તો ત્યારે 7,50,060 યુનિટ્સ વેચાયા હતા. આમ, એક જ વર્ષમાં વેચાણમાં 20.27% નો મોટો વધારો નોંધાયો છે, જે દર્શાવે છે કે લોકો હવે માત્ર ટ્રાન્સપોર્ટ માટે જ નહીં પણ સ્ટાઈલ અને પરફોર્મન્સ માટે પણ બાઈક ખરીદી રહ્યા છે.
નંબર-1 હીરો સ્પ્લેન્ડર: દબદબો હજુ પણ કાયમ
હીરો સ્પ્લેન્ડરે જાન્યુઆરીમાં 3,24,019 યુનિટ્સ ના વેચાણ સાથે મેદાન મારી લીધું છે. ગયા વર્ષની સરખામણીએ તેમાં 24.90% નો ગ્રોથ જોવા મળ્યો છે. લગભગ 72 હજાર રૂપિયાની શરૂઆતની કિંમત ધરાવતી આ બાઈક મધ્યમ વર્ગ માટે આજે પણ પહેલી પસંદ છે.
હોન્ડા શાઇન અને બજાજ પલ્સર વચ્ચે જંગ
ભારતીય ટુ-વ્હીલર માર્કેટમાં બીજા અને ત્રીજા સ્થાન માટે હોન્ડા શાઇન અને બજાજ પલ્સર વચ્ચે જોરદાર જંગ જોવા મળી રહ્યો છે. હોન્ડા શાઇન 1,61,224 યુનિટના વેચાણ સાથે લિસ્ટમાં બીજા ક્રમે રહી છે, જોકે ગયા વર્ષની સરખામણીએ તેના વેચાણમાં 4.20% નો સામાન્ય ઘટાડો નોંધાયો છે, જે 125cc સેગમેન્ટમાં વધતી હરીફાઈનો સંકેત આપે છે. બીજી તરફ, યુવાનોની ફેવરિટ ગણાતી બજાજ પલ્સર 1,29,600 યુનિટ્સ સાથે ત્રીજા સ્થાને રહી છે. પલ્સરે 24.52% ની શાનદાર વૃદ્ધિ હાંસલ કરી છે, જે દર્શાવે છે કે ગ્રાહકો હવે પરફોર્મન્સ અને સ્પોર્ટી લૂક ધરાવતી બાઈક્સ તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે.
બજેટ બાઈક્સ અને સ્પોર્ટી લૂકનો ક્રેઝ
ભારતીય બજારમાં હાલમાં બજેટ બાઈક્સ અને સ્પોર્ટી લૂક ધરાવતી મોટરસાયકલનો જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગામડાઓ અને નાના શહેરોમાં કિફાયતી કિંમત અને વધુ માઈલેજને કારણે Hero HF Deluxe (71,690 યુનિટ) અને Bajaj Platina (33,520 યુનિટ) ના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે. બીજી તરફ, TVS મોટર્સે પણ પોતાની સ્પોર્ટી બાઈક્સ દ્વારા માર્કેટમાં ધૂમ મચાવી છે, જેમાં TVS Apache એ 48.33% ની તોતિંગ વૃદ્ધિ સાથે 51,191 યુનિટનો આંકડો પાર કર્યો છે અને TVS Raider એ પણ 36,069 યુનિટ સાથે 31% થી વધુનો ગ્રોથ મેળવ્યો છે. જોકે, સૌથી વધુ આશ્ચર્યજનક પ્રદર્શન Hero Glamour નું રહ્યું છે, જેણે 147.99% ની વિક્રમી વૃદ્ધિ નોંધાવીને આખા સેગમેન્ટમાં ખળભળાટ મચાવી દીધો છે.
350cc સેગમેન્ટમાં રોયલ એનફિલ્ડની પકડ
પ્રીમિયમ સેગમેન્ટમાં Royal Enfield Classic 350 એ પોતાની બાદશાહત જાળવી રાખી છે. જાન્યુઆરીમાં 34,981 યુનિટ્સ સાથે આ બાઈકે 14.38% નો સ્થિર ગ્રોથ મેળવ્યો છે, જે દર્શાવે છે કે ભારતીયોમાં ક્લાસિક રેટ્રો લૂકનો ક્રેઝ ઓછો થયો નથી.
કોણ છે અસલી કિંગ?
જાન્યુઆરી 2026ના આંકડા પરથી સ્પષ્ટ છે કે માર્કેટમાં 'હીરો મોટોકોર્પ' (Hero MotoCorp) 4,19,801 યુનિટ્સના કુલ વેચાણ સાથે માર્કેટ લીડર છે. જોકે, TVS અને બજાજ જેવી કંપનીઓ પણ સ્પોર્ટી અને આધુનિક ફીચર્સ સાથે ગ્રાહકોને પોતાની તરફ આકર્ષી રહી છે. આગામી સમયમાં જોવાનું એ રહેશે કે શું હોન્ડા ફરીથી પોતાનું નંબર-1નું સ્થાન મેળવી શકશે કે નહીં.




















