મુંબઈ: બોલીવુડના 'હી-મેન' ગણાતા દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના નિધન બાદ તેમનો પરિવાર અને લાખો ચાહકો હજુ પણ શોકમાં ગરકાવ છે. ખાસ કરીને તેમના પત્ની અને 'ડ્રીમ ગર્લ' હેમા માલિની માટે આ ખોટ અસહ્ય બની રહી છે. તાજેતરમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન હેમા માલિની ધર્મેન્દ્રને યાદ કરતાં સ્ટેજ પર જ રડી પડ્યા હતા. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા આ વીડિયોમાં હેમાજીની આંખોમાં પોતાના જીવનસાથી પ્રત્યેનો પ્રેમ અને વિરહની વેદના સ્પષ્ટ જોઈ શકાય છે. તેમણે અત્યંત ભાવુક હૈયે સ્વીકાર્યું હતું કે ધર્મેન્દ્ર વગરનું જીવન કલ્પવું પણ તેમના માટે મુશ્કેલ હતું.
વિરહની વેદના: "તેમની ખૂબ યાદ આવે છે"
કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે હેમા માલિનીએ પોતાના દિલની વાત શેર કરતા જણાવ્યું હતું કે, "ધર્મેન્દ્રજી માત્ર એક અભિનેતા નહીં, પણ એક પ્રેમાળ પિતા અને શ્રેષ્ઠ મિત્ર હતા. મને ખબર નહોતી કે તેમના ગયા પછી હું મારું જીવન કેવી રીતે વિતાવીશ. આજે પણ મને તેમની ડગલે ને પગલે યાદ આવે છે." ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે નવેમ્બરમાં ધર્મેન્દ્રનું નિધન થયું હતું, ત્યારથી દેઓલ પરિવારમાં એક ખાલીપો સર્જાયો છે, જેની અસર સની દેઓલ અને બોબી દેઓલના શબ્દોમાં પણ અવારનવાર જોવા મળે છે.
આ પણ વાંચો: Insta પર પહેલાં માદક ફોટા બતાવીને આદત પાડી : હવે યુઝર્સ પાસે થી દરમહિને રૂપિયા ખંખેરે છે આ રૂપસુંદરી
ધર્મેન્દ્રનો ફિલ્મો પ્રત્યેનો જુસ્સો
હેમા માલિનીએ ધર્મેન્દ્રની સિનેમા પ્રત્યેની નિષ્ઠાને યાદ કરતા કહ્યું કે, "તેમની સફર અત્યંત જુસ્સા અને દર્શકો પ્રત્યેના અસીમ પ્રેમથી ભરેલી હતી. તેઓ હંમેશા માનતા કે કેમેરા અને ફિલ્મો એ સીધું લોકોના દિલ સાથે જોડાવાનું માધ્યમ છે. તેમના જીવનસાથી તરીકે મેં જોયું છે કે તેઓ સેટ પર જેટલા ઊર્જાવાન હતા, એટલા જ વ્યવહારમાં સરળ અને માયાળુ હતા. આ જ કારણ છે કે આજે પણ લાખો લોકોના દિલમાં તેમનું સ્થાન અકબંધ છે."
પદ્મ વિભૂષણ સન્માન પર આપી પ્રતિક્રિયા
ધર્મેન્દ્રને ભારત સરકાર દ્વારા મરણોત્તર 'પદ્મ વિભૂષણ'થી સન્માનિત કરવામાં આવ્યા ત્યારે હેમા માલિનીએ મિશ્ર પ્રતિભાવ આપ્યો હતો. તેમણે સરકારનો આભાર માનતા કહ્યું કે, "આ સન્માનથી સમગ્ર દેશ અને અમારો પરિવાર ખુશ છે, પરંતુ આ એવોર્ડ ઘણા સમય પહેલા મળવાપાત્ર હતો. જો આ સન્માન તેમને હયાતીમાં મળ્યું હોત, તો ધર્મેન્દ્રજી પોતે વધુ ગૌરવ અને આનંદ અનુભવી શક્યા હોત."





