Cobra Snake Bite: સુરત જિલ્લાના ભાતપોર ગામમાં એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. ગામમાં કોબ્રા સાપના ડંખથી માત્ર બે વર્ષના બાળકનું મોત થતાં પરિવારમાં અને ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભાતપોર ગામમાં રહેતો બે વર્ષનો બાળક શુભદર્શન તેના માતા-પિતાની સાથે રહેતો હતો. પરિવાર રોજની જેમ મજૂરી કામે ગયો હતો અને સાંજે ઘરે પરત ફર્યો હતો. માતા-પિતા ઘરમાં જમવાનું બનાવવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે બાળક ઘરના બહાર પોતાના મિત્રો સાથે રમતો હતો. રમતાં રમતાં અચાનક બહારથી એક કોબ્રા સાપ આવી ગયો હતો. બાળકને સાપ દેખાયો તે પહેલાં જ સાપે અચાનક તેના પગમાં ડંખ માર્યો હતો.
એક ડંખ અને બધું પૂરું!
ડંખ લાગતાની સાથે જ બાળકના પગમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. ભારે પીડામાં બાળક બૂમાબૂમ કરવા લાગતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. લોકોની ભીડ એકત્ર થતાં માતા-પિતાને ઘટનાની જાણ થઈ હતી અને તેઓ ગભરાઈ ગયા હતા. પરિવારજનો અને ગામના લોકોએ બાળકને તાત્કાલિક નજીકના સ્થાનિક દવાખાને પહોંચાડ્યો હતો. ત્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, પરંતુ બાળકની તબિયત ઝડપથી બગડતી જતા ડોક્ટરોએ તેને વધુ સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં રિફર કર્યો હતો. સિવિલ હોસ્પિટલ પહોંચ્યા બાદ તબીબોએ બાળકની સારવાર શરૂ કરી હતી, પરંતુ ઝેરની અસર વધારે થઈ જતા અંતે બાળક શુભદર્શનને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
કોબ્રા સાપે છીનવી લીધી નાની જિંદગી
આ ઘટનાથી બાળકના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. માતા-પિતા પોતાના લાડલા દીકરાના અકાળ મોતથી અચેત થઈ ગયા છે. ગામના લોકો પણ આ ઘટનાથી ભારે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. નાના બાળક સાથે બનેલી આ દુર્ઘટનાએ સૌની આંખોમાં આંસુ લાવી દીધા છે. ઘટના બાદ ગામના લોકોએ સતર્કતા દાખવી હતી અને સાપને શોધી કાઢ્યો હતો. બાદમાં કોબ્રા સાપને સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. ગ્રામજનોએ વન વિભાગને પણ જાણ કરી હતી. આ ઘટનાને પગલે ગામમાં સાપના આતંકને લઈને ભયનો માહોલ જોવા મળ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે વરસાદી મોસમમાં સાપ જેવા જીવજંતુઓ બહાર આવવાની શક્યતા વધે છે, તેથી ખાસ કરીને બાળકોની સુરક્ષા માટે સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારને ગહન શોકમાં ડૂબાડી દીધો છે.






