Home Gujarat Harsh Sanghvis Plea With Folded Hands At A Mass Marriage Program In Surat

'ભરવાડ સમાજને રૂઢીચુસ્ત વિચારમાંથી બહાર કાઢો' : સુરતમાં સમુહલગ્ન કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ બે હાથ જોડી કરી વિનંતી

'ભરવાડ સમાજને રૂઢીચુસ્ત વિચારમાંથી બહાર કાઢો'
Published by: OBS Bureau
Last Updated: Jan 26, 2026, 05:23 AM IST

સુરતના રાંદેર વિસ્તારમાં દક્ષિણ ગુજરાત ભરવાડ સમાજ દ્વારા આયોજિત 9મા સમૂહ લગ્નોત્સવે એક અનોખો અને ઐતિહાસિક દાખલો બેસાડ્યો હતો. અત્યંત શાહી અને ભવ્ય આયોજન વચ્ચે કુલ 67 નવયુગલોએ વૈવાહિક જીવનમાં પ્રવેશ કર્યો હતો. આ સમૂહ લગ્નોત્સવનો સંપૂર્ણ ખર્ચ મુખ્ય દાતા રણછોડભાઈ ભડિયાદ્રા (ઉર્ફે દાજી) દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. ખાસ વાત એ રહી કે દાજીભાઈએ આ જ મંડપમાં પોતાની બે દીકરીઓના લગ્ન પણ કરાવી સમાજ સમક્ષ ‘સમાનતા’ અને સમરસતાનો અનોખો સંદેશ આપ્યો હતો. માત્ર માર્ગદર્શન નહીં પરંતુ પોતે પણ એ જ માર્ગ પર ચાલીને સમાજને નવી દિશા આપવાનો આ પ્રયાસ સૌ માટે પ્રેરણારૂપ બન્યો.

“હું જ્યારથી સમજતો થયો ત્યારથી દાજી મારા મિત્ર છે'

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે 67 દીકરીઓના લગ્ન કરાવનાર રણછોડભાઈ ભડિયાદ્રાને સન્માનરૂપે 10 તોલા સોનાની પાઘડી પહેરાવી હતી. હર્ષ સંઘવીએ પોતાના ઉદબોધનમાં ભાવુક શબ્દોમાં જણાવ્યું હતું કે, “હું જ્યારથી સમજતો થયો ત્યારથી દાજી મારા મિત્ર છે અને આજે હું મારા મિત્રને અભિનંદન આપવા આવ્યો છું.” તેમણે કહ્યું કે સમાજમાં માત્ર ઉપદેશ આપવાથી કામ નથી ચાલતું, પરંતુ જે દિશામાં સમાજને આગળ વધારવો હોય એ દિશામાં પોતે પણ ચાલીને બતાવવું પડે છે, જેનું ઉત્તમ ઉદાહરણ આજે દાજીભાઈએ આપ્યું છે.

'બે હાથ જોડી વિનંતી...'

નાયબ મુખ્યમંત્રીએ ભરવાડ સમાજને બે હાથ જોડી વિનંતી કરતા કહ્યું કે સમાજે રૂઢીચુસ્ત વિચારધારામાંથી બહાર આવી નાના પરિવારોને તકલીફ ન પડે તેવા નિયમો અપનાવવા જોઈએ. તેમણે ખાસ કરીને વહુને દીકરી સમાન માનવાની ભાવના વિકસાવવા પર ભાર મૂક્યો હતો અને હાસ્યસભર અંદાજમાં કહ્યું હતું કે, “વહુને દીકરી માનીને થોડી થોડી છૂટ આપવા માંડજો ભાભા બધા.” સમગ્ર સમૂહ લગ્નોત્સવ સમાજસુધારણા, સમાનતા, નારી સન્માન અને એકતાનું સુંદર ઉદાહરણ બની રહ્યો હતો અને ઉપસ્થિત સૌ માટે આ પ્રસંગ યાદગાર બની રહ્યો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now