Home International Harish Rana Coma Passive Euthanasia Supreme Court Permission

દેશમાં પ્રથમવાર સુપ્રીમ કોર્ટે આપી ઇચ્છામૃત્યુની પરવાનગી : 13 વર્ષથી કોમામાં રહેલા હરીશ રાણાને મળી મોતની મંજૂરી! ચુકાદો સંભળાવતા ભાવુક થયા જસ્ટિસ પારડીવાલા

દેશમાં પ્રથમવાર સુપ્રીમ કોર્ટે આપી ઇચ્છામૃત્યુની પરવાનગી
Published by: OBS Bureau
Last Updated: Mar 11, 2026, 07:53 AM IST

Harish Rana Passive Euthanasia: દેશમાં ઇચ્છામૃત્યુને લઈને એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય સામે આવ્યો છે. સુપ્રીમ કોર્ટે 13 વર્ષથી અચેત અવસ્થામાં બેડ પર જીવન પસાર કરી રહેલા ગાઝિયાબાદના હરીશ રાણાને પેસિવ યુથેનેસિયા (ઇચ્છામૃત્યુ) આપવા મંજૂરી આપી છે. જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે આ મામલે નિર્ણય આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે હરીશ રાણાને પેસિવ યુથેનેસિયાની મંજૂરી આપી છે

હરીશના માતા-પિતાએ સુપ્રીમ કોર્ટમાં ઈચ્છા મૃત્યુ માટે દાખલ કરી હતી અરજી

આ દેશનો પ્રથમ પેસિવ યુથેનેસિયાનો કેસ હશે, 13 વર્ષથી બેડ પર છે હરીશ

હરીશ રાણાના માતા-પિતાએ પોતાના પુત્રની હાલતને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટમાં ઇચ્છામૃત્યુ માટે અરજી દાખલ કરી હતી. છેલ્લા 13 વર્ષથી હરીશ અચેત અવસ્થામાં છે અને તેની સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. પરિવારજનોએ કોર્ટને જણાવ્યું હતું કે તેમના પુત્રને ગંભીર પીડા અને અસહાય સ્થિતિમાંથી મુક્તિ આપવા ઇચ્છામૃત્યુની મંજૂરી આપવામાં આવે.

એમ્સનો રિપોર્ટ: સાજા થવાની કોઈ આશા નથી

આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે દિલ્હી સ્થિત એમ્સ હોસ્પિટલ પાસેથી હરીશ રાણાની તબીબી સ્થિતિ અંગે વિગતવાર રિપોર્ટ માંગ્યો હતો. એમ્સ દ્વારા કોર્ટમાં રજૂ કરાયેલા રિપોર્ટમાં જણાવાયું હતું કે હરીશના સ્વસ્થ થવાની કોઈ સંભાવના નથી અને તેની સ્થિતિમાં સુધારો થવાની શક્યતા અત્યંત ઓછી છે. આ રિપોર્ટને ધ્યાનમાં રાખીને કોર્ટે કહ્યું કે દર્દીને કૃત્રિમ રીતે જીવિત રાખવાનું ત્યારે યોગ્ય ગણાય જ્યારે સારવારથી તેને કોઈ લાભ થતો હોય અથવા સાજા થવાની આશા હોય. પરંતુ હરીશના મામલે એવું નથી, તેથી પેસિવ યુથેનેસિયાની મંજૂરી આપવામાં આવે છે.

પરિવાર સાથે પણ કરી હતી ચર્ચાઃ

સુપ્રીમ કોર્ટે અગાઉની સુનાવણી દરમિયાન હરીશના માતા-પિતા સાથે પણ વાતચીત કરી હતી. પોતાના પુત્રની સ્થિતિથી વર્ષોથી વ્યથિત પરિવારજનોે કોર્ટ સમક્ષ કહ્યું હતું કે તેઓ હવે તેના સાજા થવાની આશા ગુમાવી ચૂક્યા છે.

2013માં હોસ્ટેલના ચોથા માળેથી પડવાથી ગંભીર ઈજાઃ

હરીશ રાણા 2013માં ચંડીગઢમાં અભ્યાસ કરી રહ્યો હતો. તે દરમિયાન હોસ્ટેલના ચોથા માળેથી પડી જતાં તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી. ત્યારથી હરીશ અચેત અવસ્થામાં છે અને છેલ્લા 13 વર્ષથી બેડ પર જ જીવન વિતાવી રહ્યો છે. લાંબા સમયથી બેડ પર રહેવાના કારણે તેના શરીરમાં અનેક ઘાવો પણ થઈ ગયા હતા. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય દેશમાં પેસિવ યુથેનેસિયા સંબંધિત મામલાઓ માટે મહત્વપૂર્ણ નજિર તરીકે માનવામાં આવી રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now