logo-img
Hardik Pandyas Romantic Look Goes Viral With His Stormy Batting At Chepauk Stadium He Gave Mahika Flying Kiss After Scoring Fifty

ચેપોકમાં ટીમ ઇન્ડિયાનું 'ચક્રવાત' : ચેપોક સ્ટેડિયમમાં પંડ્યાની તોફાની બેટિંગ સાથે રોમેન્ટિક અંદાજ વાયરલ, ફિફ્ટી ફટકાર્યા બાદ માહિકાને આપી 'Flying Kiss'

ચેપોકમાં ટીમ ઇન્ડિયાનું 'ચક્રવાત'
Published by: Offbeat Team
| Last Updated: Feb 27, 2026, 04:20 AM IST

T-20 વર્લ્ડ કપ 2026માં ભારતીય ટીમે ઈતિહાસ રચી દીધો છે. ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી હાઈ-વોલ્ટેજ મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને 72 રને હરાવીને પ્રચંડ વિજય મેળવ્યો છે. આ મેચ માત્ર જીત માટે નહીં, પરંતુ મેદાન પર સર્જાયેલા અનેક ઐતિહાસિક રેકોર્ડ્સ માટે યાદ રાખવામાં આવશે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 256 રનનો તોતિંગ સ્કોર બનાવ્યો હતો, જે વર્લ્ડ કપના ઇતિહાસનો બીજો સૌથી મોટો સ્કોર છે.

આ મેચમાં બેટ્સમેનોનું પ્રભુત્વ એટલું હતું કે બંને ટીમોએ મળીને કુલ 440 રન ફટકાર્યા હતા. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ તોફાની ઇનિંગ રમી હતી, જ્યારે સિક્સરના મામલે પણ ભારતે પોતાની જૂની તમામ સિદ્ધિઓ પાછળ છોડી દીધી છે. ઝિમ્બાબ્વેએ 184 રન બનાવીને લડત આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતના પહાડ જેવા સ્કોર સામે તેઓ વામણા સાબિત થયા હતા.

Image

હાર્દિકની ફિફ્ટી અને માહિકાને 'ફ્લાઈંગ કિસ'

મેચમાં જ્યારે હાર્દિક પંડ્યાએ પોતાની શાનદાર ફિફ્ટી પૂરી કરી, ત્યારે મેદાન પર એક રોમેન્ટિક ક્ષણ જોવા મળી હતી. હાર્દિકે બેટ ઉંચુ કરીને સ્ટેન્ડમાં બેઠેલી તેની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા તરફ ઈશારો કર્યો અને તેને 'ફ્લાઈંગ કિસ' આપી હતી. સામે પક્ષે માહિકા પણ હાર્દિકને ઉત્સાહપૂર્વક ચીયર કરતી જોવા મળી હતી અને તેણે પણ હાર્દિકના અભિવાદનનો વળતો જવાબ ફ્લાઈંગ કિસ આપીને આપ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

સિક્સરનો નવો 'વર્લ્ડ રેકોર્ડ'

ભારતે આ ઇનિંગમાં કુલ 17 સિક્સર ફટકારી હતી. ટી-20 વર્લ્ડ કપની કોઈ એક ઇનિંગમાં કોઈ પણ ટીમ દ્વારા ફટકારવામાં આવેલી આ સૌથી વધુ સિક્સર છે. આ પહેલા ભારતે 2024માં ઓસ્ટ્રેલિયા સામે 15 સિક્સરનો રેકોર્ડ બનાવ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં ભારત અત્યાર સુધી 63 સિક્સર ફટકારી ચૂક્યું છે.

રેકોર્ડ્સની ઝડી: ભારત અને ઝિમ્બાબ્વેના નામે નોંધાયેલી સિદ્ધિઓ

  • બીજો સૌથી મોટો સ્કોર: ભારતનો 256/4નો સ્કોર વર્લ્ડ કપમાં શ્રીલંકા (260/6) પછીનો બીજો સૌથી મોટો સ્કોર છે.

  • 5મી વખત 200+: ભારતે ટી-20 વર્લ્ડ કપમાં 5મી વખત 200થી વધુ રન બનાવ્યા છે. આ યાદીમાં દક્ષિણ આફ્રિકા (6 વખત) બાદ ભારત બીજા સ્થાને છે.

  • હાર્દિકનો નંબર-5 રેકોર્ડ: નંબર-5 કે તેથી નીચે બેટિંગ કરતા હાર્દિકે વર્લ્ડ કપમાં 4થી ફિફ્ટી ફટકારી છે, જે આ પોઝિશન પર વર્લ્ડ રેકોર્ડ છે.

  • સિકંદર રઝાની સિદ્ધિ: ઝિમ્બાબ્વેનો સિકંદર રઝા ટી-20 ઇન્ટરનેશનલમાં 3000 રન અને 100 વિકેટ લેનાર વિશ્વનો બીજો ખેલાડી બન્યો છે.

  • પાવરપ્લેમાં ધમાકો: ભારતે ઝિમ્બાબ્વે સામે શરૂઆતની 6 ઓવરમાં 80 રન બનાવ્યા, જે ઝિમ્બાબ્વે સામે પાવરપ્લેનો સૌથી મોટો સ્કોર છે.

ઝિમ્બાબ્વેના બોલરો માટે 'કાળો દિવસ'

ભારતીય બેટ્સમેનોએ ઝિમ્બાબ્વેના બોલરોની બરાબરની ધોલાઈ કરી હતી. રિચાર્ડ નગારવાએ 4 ઓવરમાં 62 રન આપ્યા, જે ઝિમ્બાબ્વેના ઇતિહાસનો સૌથી મોંઘો સ્પેલ સાબિત થયો. તે જ રીતે, ડેબ્યૂ કરી રહેલા ટિનોટેન્ડા મપોસાએ પોતાની પહેલી જ ઓવરમાં 23 રન આપ્યા હતા.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now