Happy BirthDay Ahmedabad: દોડતું-ભાગતું, ધમધમતું અને વિકાસની રફ્તારે આગળ વધતું શહેર એટલે અમદાવાદ. ગુજરાતનું સૌથી મોટું અને દેશના મુખ્ય મેગાસિટીઓમાં સ્થાન પામેલું આ શહેર આજે વૈશ્વિક નકશા પર પોતાની આગવી ઓળખ બનાવી ચૂક્યું છે. ઇતિહાસ, ઉદ્યોગ, સંસ્કૃતિ અને આધુનિક વિકાસ—આ બધાનું અનોખું સંયોજન છે અમદાવાદ.
સ્થાપના અને ઇતિહાસની ગાથા-
ઈ.સ. 1411 ના 26 ફેબ્રુઆરીએ સુલતાન અહમદશાહ દ્વારા સાબરમતી નદીના કિનારે અમદાવાદ શહેરની સ્થાપના કરવામાં આવી. માન્યતા મુજબ, ભદ્રના કિલ્લા પાસે લક્ષ્મીજી રોકાઈ ગયાં અને ત્યારથી શહેર પર સમૃદ્ધિનો આશીર્વાદ વરસતો રહ્યો. હંમેશા વેપાર, ધંધા અને વૈભવથી ધમધમતાં આ શહેરમાં આટલો વૈભવ ક્યાંથી આવે છે એની પણ એક રસપ્રદ કહાણી છે. જે તેના ઇતિહાસ સાથે જોડાયેલી છે. જેમાં એવી લોકવાયકા છેકે, લક્ષ્મીજી અહીંથી પસાર થતાં હતાં અને બાદશાહ અહેમદશાહને મળવા માટે શહેરના ભદ્રના કિલ્લા પાસે રોકાઈ ગયાં. પછી આગળ શું થયું જાણો...
સ્થાપના સાથે જોડાયેલી લોકપ્રિય દંતકથા પ્રમાણે, જ્યારે સુલતાન શિકાર માટે નીકળ્યા ત્યારે એક સસલાએ શિકારી કુતરા સામે બહાદુરીથી સામનો કર્યો. આ દ્રશ્ય જોઈ સુલતાને વિચાર્યું કે જ્યાં સસલાં એટલા શૂરવીર છે ત્યાંના લોકો કેટલા બહાદુર હશે! અને અહીં શહેર વસાવવાનો નિર્ણય લીધો. એથી જ કહેવત પ્રસિદ્ધ થઈ—“જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહર બસાયા.”
મિલોના માન્ચેસ્ટરથી મેગાસીટીની સફર-
અંગ્રેજી શાસન દરમ્યાન અમદાવાદ એક આધુનિક અને મોટુ શહેર બની ગયું. અમદાવાદ એક મુખ્ય નગર બની ગયું. અહીં તેમણે કોર્ટ, નગરપાલિકા વગેરે સ્થાપ્યાં. એ સમયે ઈ.સ. 1859માં રણછોડલાલ છોટાલાલે કાપડ વણવાની પહેલી મિલ શરૂ કરી. ત્યાર બાદ અમદાવાદ ત્રણ તારના સૂતર કે રેશમ માટે જાણીતું બન્યું. તે સમયે અહીંના કાપડ ઉદ્યોગની બોલબાલા અને શહેરમાં મોટી સંખ્યામાં ધમધમતી ટેક્સસ્ટાઈલ મિલોને લીધે અમદાવાદ મિલોના માન્ચેસ્ટર તરીકે ઓળખાયું. 
વારસાની શાન-
અમદાવાદનું ઐતિહાસિક વૈભવ આજે પણ અનેક સ્મારકોમાં ઝળકે છે:
ભદ્ર કિલ્લો
સીદી સૈયદની જાળી
જામા મસ્જિદ
સરખેજ રોઝા
હઠીસિંગ જૈન મંદિર
આ ઉપરાંત, જૂના શહેરનું પોળ સંસ્કૃતિ, ખાણી-પીણી અને પરંપરાગત બજારો અમદાવાદની જીવંત ઓળખ છે.
મહાત્મા ગાંધીની કર્મભૂમિ-
અમદાવાદને રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્ર પણ કહેવામાં આવે છે. મહાત્મા ગાંધી એ અહીંથી સ્વતંત્રતા આંદોલનની શરૂઆત કરી.
સાબરમતી નદીના કિનારે આવેલું સાબરમતી આશ્રમ આજે પણ દેશભક્તિની યાદોને જીવંત રાખે છે.

મેગાસીટી તરફની સફર-
એક સમયના “મિલોના માન્ચેસ્ટર” તરીકે ઓળખાતા અમદાવાદે હવે આધુનિક મેગાસીટીનો દરજ્જો મેળવ્યો છે.
સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટે શહેરની છબી બદલી દીધી.
કાંકરિયા તળાવનું નવું સ્વરૂપ પરિવારો માટે આકર્ષણ બન્યું.
અમદાવાદ મેટ્રો દ્વારા શહેરને આધુનિક પરિવહનની સુવિધા મળી.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ તરીકે ઓળખાય છે.
પૂર્વ અને પશ્ચિમ—સાબરમતી નદી દ્વારા વહેંચાયેલું શહેર હવે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, BRTS, ફલાયઓવરો અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સથી સજ્જ છે.
ઉદ્યોગ અને વિકાસનું કેન્દ્ર-
અમદાવાદ ઉદ્યોગ જગતનું હૃદય છે. અહીંથી અનેક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ ઊભા થયા છે:
નિરમા
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ
ઝાયડસ લાઇફસાયન્સીસ
અદાણી ગ્રૂપ
ટોરેન્ટ ગ્રૂપ
આ શહેરે ધીરુભાઈ અંબાણી, કરસનભાઈ પટેલ અને ગૌતમ અદાણી જેવા ઉદ્યોગપતિઓને વિશ્વપટ પર પહોંચાડ્યા છે.
આંકડાઓમાં અમદાવાદ (વર્ષ 2024 મુજબ):
સ્થાપના: 26 ફેબ્રુઆરી, 1411
વિસ્તાર: 466 ચો.કિ.મી.
વસ્તી: 65 લાખથી વધુ
વોર્ડ: 48 | કાઉન્સીલર: 192
દૈનિક પાણી પુરવઠો: 125–130 કરોડ લીટર
રસ્તાઓ: 2400+ કિ.મી.
બ્રિજ અને ફ્લાયઓવર: 50+
વૃક્ષો: અંદાજે 30 લાખ
વાહનો: અંદાજે 30 લાખ
મોલ: 300+ | મલ્ટિપ્લેક્સ: 50+
આજનું અમદાવાદ – વૈવિધ્ય અને વિકાસઃ
1960થી 1970 સુધી ગુજરાતનું પાટનગર રહેલું અમદાવાદ આજે રાજ્યનું વાણિજ્યિક પાટનગર કહેવાય છે. ગાંધીનગર રાજકીય પાટનગર હોવા છતાં અમદાવાદનું આર્થિક મહત્વ અખંડિત છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ, રિવરફ્રન્ટ, મેટ્રો, વોટર ટ્રાન્સપોર્ટ, 24 કલાક પાણી યોજના અને સીસીટીવી સુરક્ષા—આ બધું શહેરને ભવિષ્ય માટે તૈયાર કરે છે. અમદાવાદ – એક લાગણી છે. અમદાવાદ માત્ર શહેર નથી, એ એક મિજાજ છે. અહીંના લોકો, પોળ સંસ્કૃતિ, ચટાકેદાર ખાણીપીણી, તહેવારોની ધૂમ અને ઉદ્યોગની ઉર્જા—આ બધું મળીને બનાવે છે “આપણું અમદાવાદ”. વિકાસતા અમદાવાદના વિકાસની આ સફર યથાવત્ રહે અને સમૃદ્ધિનો આશીર્વાદ સદાય વરસતો રહે.




















