અમદાવાદ: ગુજરાતમાં અત્યારે વિદેશ જવું એ માત્ર જરૂરિયાત નહીં, પણ એક 'સ્ટેટસ સિમ્બોલ' બની ગયું છે. પશ્ચિમી દેશોની ઝાકમઝોળ અને સોશિયલ મીડિયા પર દેખાતી લક્ઝરી લાઈફથી અંજાઈને દર વર્ષે આશરે એક લાખ ગુજરાતીઓ અમેરિકા, કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો તરફ દોટ મૂકી રહ્યા છે. પરંતુ, સિક્કાની બીજી બાજુ અત્યંત ડરામણી છે. આંકડાઓ મુજબ, દર વર્ષે વિદેશ જતા લોકોમાંથી અંદાજે 25 ટકા એટલે કે દર ચોથા વ્યક્તિને પાંચ થી સાત વર્ષની અંદર ભીની આંખે ભારત પરત ફરવું પડે છે.
આ લોકો જ્યારે પરદેશ જાય છે ત્યારે તેમની આંખોમાં ઉજ્જવળ ભવિષ્ય અને તોતિંગ કમાણીના સપના હોય છે, પરંતુ જ્યારે પરત ફરે છે ત્યારે તેમની પાસે 'નિષ્ફળતા'નું સામાજિક ભારણ અને આર્થિક પાયમાલી સિવાય કંઈ બચતું નથી. લાખો રૂપિયાની લોન અને માબાપની મરણમૂડી ખર્ચીને ગયેલા યુવાનો જ્યારે ખાલી હાથે પાછા આવે છે, ત્યારે તેમણે ફરીથી 'એકડે એક'થી શરૂઆત કરવી પડે છે, જે માનસિક રીતે ખૂબ જ પીડાદાયક હોય છે.
સ્નાતક કક્ષાએ વિદેશ જવાનો વધતો અબખલો: ખર્ચ ₹1 કરોડને પાર
છેલ્લા એક દાયકામાં વિદેશ જવાની પેટર્નમાં મોટો ફેરફાર આવ્યો છે. અગાઉ 80 ટકા વિદ્યાર્થીઓ માસ્ટર્સ (અનુસ્નાતક) કરવા જતા હતા, જેનો ખર્ચ ₹20થી 30 લાખની આસપાસ રહેતો. પરંતુ હવે સ્કૂલ પૂરું કરતાની સાથે જ એટલે કે બેચલર્સ ડિગ્રી માટે વિદેશ જનારાની સંખ્યા વધીને 40 ટકા થઈ ગઈ છે. ચાર વર્ષના આ અભ્યાસ પાછળ પરિવારો ₹1 કરોડ સુધીનો જંગી ખર્ચ કરે છે. મધ્યમ વર્ગીય પરિવારો માટે આ આર્થિક જુગાર સાબિત થઈ રહ્યો છે, કારણ કે જો સંતાન ત્યાં સેટ ન થાય તો આખું કુટુંબ દેવા હેઠળ દબાઈ જાય છે.
વર્ક પરમિટ અને પીઆરના બદલાતા નિયમોનો ફટકો
વિઝા કન્સલ્ટન્સીના સૂત્રોના જણાવ્યા મુજબ, મોટાભાગના દેશોમાં અભ્યાસ બાદ 'પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ' મળતી હોવાથી શરૂઆતના 5 વર્ષ નીકળી જાય છે. મુશ્કેલી ત્યારે શરૂ થાય છે જ્યારે કાયમી રહેઠાણ (PR) મેળવવાનો સમય આવે છે. બદલાતા કડક નિયમો અને સ્થાનિક નોકરીઓમાં વધતી હરીફાઈને કારણે અનેક યુવાનો પોતાની વર્ક પરમિટ લંબાવી શકતા નથી. પરિણામે, લાખો રૂપિયા ખર્ચ્યા હોવા છતાં નાછૂટકે વતન પરત ફરવાનો વારો આવે છે.
પરત ફરવા પાછળના મુખ્ય કારણો:
કૌશલ્યનો અભાવ: માત્ર ડિગ્રી લેવી પૂરતી નથી, ત્યાંની માર્કેટ મુજબ ટેકનિકલ સ્કિલ્સ ન હોવાને કારણે સારી નોકરી મળતી નથી.
ખોટી પસંદગી: એજન્ટોની લાલચમાં આવીને કઝાકિસ્તાન, માલ્ટા કે જોર્જિયા જેવા દેશો અથવા નબળી કોલેજો પસંદ કરવી.
વૈશ્વિક છટણી: ખાસ કરીને IT ક્ષેત્રમાં ચાલી રહેલી 'લે-ઓફ' (છટણી) ની લહેરને કારણે 50% થી વધુ IT પ્રોફેશનલ્સ પરત ફરી રહ્યા છે.
વ્યસન અને કુસંગત: નાની ઉંમરે સ્વતંત્રતા મળતા અનેક છાત્રો ભણવાને બદલે અન્ય પ્રવૃત્તિઓમાં ફસાઈ જાય છે.
કયા દેશમાંથી કેટલા ટકા લોકો પાછા આવે છે?
આંકડાકીય વિશ્લેષણ મુજબ, અલગ-અલગ દેશોમાં ગયેલા ભારતીયોનો પરત ફરવાનો દર ચિંતાજનક છે:
દેશ | પરત ફરનારા લોકોની ટકાવારી |
યુકે (UK) | 35% થી 40% |
યુએસ (US) / કેનેડા | 24% થી 30% |
ઓસ્ટ્રેલિયા / ન્યૂઝીલેન્ડ | 20% થી 30% |
વિદેશ જતાં પહેલાં આટલું ચોક્કસ તપાસો
જો તમે કે તમારું સંતાન વિદેશ જવાનું વિચારી રહ્યા હોય, તો માત્ર એજન્ટોના ભરોસે ન રહો. નીચેના ત્રણ મુદ્દાઓ પર જાતે સંશોધન કરો:
શિક્ષણની ગુણવત્તા: તમે જે કોલેજ કે યુનિવર્સિટીમાં જાઓ છો તેનું વૈશ્વિક રેન્કિંગ અને પ્લેસમેન્ટ રેકોર્ડ તપાસો.
રોજગારીની તકો: તમારા વિષય (કોર્સ) ને સંબંધિત તે દેશમાં કેટલી નોકરીઓ ઉપલબ્ધ છે તેની ચકાસણી કરો.
PR નિયમો: જે-તે દેશના ઇમિગ્રેશન નિયમો કેટલા સ્થિર છે અને ભવિષ્યમાં ત્યાં કાયમી વસવાટની કેટલી શક્યતા છે તે જાણી લો.





