Home Gujarat Gujarati Girl Ekta Shah Echoed Indias Name In Space

ગુજરાતી દિકરી એકતા શાહે અંતરિક્ષમાં ગુંજાવ્યું ભારતનું નામ : MSUની પૂર્વ છાત્રાએ શોધ્યા 6 નવા ગેલેક્સી સમૂહો, સંસ્કૃતિક નામ આપી રચ્યો ઇતિહાસ

ગુજરાતી દિકરી એકતા શાહે અંતરિક્ષમાં ગુંજાવ્યું ભારતનું નામ
Published by: OBS Bureau
Last Updated: Feb 27, 2026, 11:22 AM IST

MSU student Ekta Shah: વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા (એમએસયુ) ની પૂર્વ છાત્રા એકતા શાહે વૈજ્ઞાનિક ક્ષેત્રે અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. માત્ર 32 વર્ષની ઉંમરે તેમણે અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, ડેવિસ ખાતે પોસ્ટડોક્ટરલ રિસર્ચ ફેલોશીપ દરમિયાન બ્રહ્માંડના બાળપણના છ નવા ગેલેક્સી સમુહોની શોધ કરી તેમને ભારતીય નામોથી નવાજ્યા છે.

એમએસયુમાંથી ફિઝિક્સમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું

આણંદના સામાન્ય પરિવારમાં જન્મેલી એકતા શાહે આર્થિક સંકડામણ વચ્ચે અભ્યાસ પૂર્ણ કર્યો. પિતા સેલ્સમેન અને માતા સીવણકામ કરીને ઘર ચલાવતા હોવા છતાં તેમણે દીકરીની જિજ્ઞાસાને ક્યારેય રોકી નહીં. ગુજરાતી માધ્યમમાં ભણેલી એકતાએ કે.જે. ઠક્કર પ્રાથમિક શાળા અને આણંદની હાઇસ્કૂલોમાં અભ્યાસ કર્યા બાદ એમએસયુમાંથી ફિઝિક્સમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. ત્યારબાદ તેમણે આઇઆઇટી બોમ્બે માં પોસ્ટગ્રેજ્યુએશન કર્યું અને આગળ વધીને રોચસ્ટર યુનિવર્સિટી માં એસ્ટ્રોફિઝિક્સમાં પીએચડી મેળવી.

ગેલેક્સીઓમાં શક્તિશાળી બ્લેકહોલનું પ્રમાણ

તેમણે નાસા અનુદાનિત પ્રોજેક્ટ હેઠળ સંશોધન કરતા દર્શાવ્યું કે બ્રહ્માંડના પ્રારંભિક સમયમાં સમૂહમાં રહેલી ગેલેક્સીઓમાં શક્તિશાળી બ્લેકહોલનું પ્રમાણ એકલ ગેલેક્સીઓ કરતાં લગભગ ચાર ગણું વધારે હતું. ઉપરાંત, ગેલેક્સી અથડામણ અને તારાસર્જન વિષયક તેમના અભ્યાસને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી છે.

પોસ્ટડોક્ટરલ સંશોધન દરમિયાન શોધાયેલા છ નવા ગેલેક્સી સમુહોને તેમણે ‘દ્રષ્ટિ’, ‘શ્રવણ’, ‘સુરભિ’, ‘રુચિ’, ‘સ્પર્શ’ અને ‘સ્મૃતિ’ જેવા ભારતીય સંસ્કૃતિપ્રેરિત નામ આપ્યા છે. આ સમુહો પૃથ્વી પરથી ખાસ સમયગાળા દરમિયાન વિશેષ ટેલિસ્કોપ દ્વારા જ નિહાળી શકાય છે.

અમેરિકા ખાતે સંશોધન

લગભગ નવ વર્ષ અમેરિકા ખાતે સંશોધન કર્યા બાદ એકતા હવે સ્વદેશ પરત ફરી છે અને ભારતમાંથી જ એસ્ટ્રોફિઝિક્સમાં સંશોધન કાર્ય આગળ ધપાવી રહી છે. તેમની આ યાત્રા સાબિત કરે છે કે ભાષા કે આર્થિક પરિસ્થિતિ વૈજ્ઞાનિક બનવામાં અવરોધ નથી જિજ્ઞાસા, મહેનત અને સંકલ્પ જ સાચી સફળતાની ચાવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now