Home Gujarat Gujarat Weather Forecast Ambalal Patels Dangerous Heat Forecast Is Back

અંબાલાલ પટેલની ભુક્કા કાઢે એવી આગાહી : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી બધુ વેરવિખેર, જાણો ક્યાં સુધી સહન કરવો પડશે સૂર્યદેવનો આકરો મિજાજ

અંબાલાલ પટેલની ભુક્કા કાઢે એવી આગાહી
Published by: OBS Bureau
Last Updated: Mar 11, 2026, 10:36 AM IST

Ambalal Patel Prediction: ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયું છે, જેના કારણે લોકો ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે. હાલની સ્થિતિમાં રાજકોટ 42 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. અમદાવાદ, વડોદરા, દીવ, ડીસા અને ભૂજ જેવા શહેરોમાં પણ તાપમાન 41 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન થોડું ઓછું હોવા છતાં ભેજના કારણે લોકોને બફારાનો સામનો કરવો પડી રહ્યો છે.

જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલના અનુમાન મુજબ 14 થી 18 માર્ચ દરમિયાન પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) ની અસર ગુજરાતમાં જોવા મળી શકે છે. આ દરમિયાન કચ્છ, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. આ કારણે ગરમી વચ્ચે થોડો રાહતનો અહેસાસ થઈ શકે છે. તેમ છતાં 16 માર્ચથી એપ્રિલની શરૂઆત સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ પણ પડી શકે છે.

હાલમાં રાજ્યમાં બેવડી ઋતુ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. દિવસ દરમિયાન કાળઝાળ ગરમી રહે છે જ્યારે કેટલાક વિસ્તારોમાં વાદળો દેખાઈ રહ્યા છે. આ બદલાતા હવામાનના કારણે ખેડૂતો માટે ચિંતા વધેલી છે. ખાસ કરીને જીરા જેવા રવિ પાકમાં રોગચાળો ફેલાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, તેથી પાક સંરક્ષણ માટે જરૂરી પગલાં લેવાની સલાહ આપવામાં આવી છે.

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે ગરમીને લઈને એલર્ટ જાહેર કર્યું છે. રાજકોટ, અમદાવાદ, કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી અને જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે સુરત, વડોદરા, ભરૂચ, મહેસાણા સહિતના કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગ મુજબ આગામી ત્રણ દિવસ સુધી ગરમીનું જોર યથાવત રહેશે અને તાપમાન 41 થી 42 ડિગ્રીની આસપાસ રહી શકે છે. ત્યારબાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે, જેના કારણે લોકોને આંશિક રાહત મળી શકે છે. તબીબો અને નિષ્ણાંતો ગરમીથી બચવા માટે બપોરના સમયે બહાર ન નીકળવાની અને પૂરતું પાણી પીવાની સલાહ આપી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now