Porbander News: ગુજરાત સરકારે રાજ્યના મેરીટાઇમ અને શિપબિલ્ડિંગ ક્ષેત્રને નવી દિશા આપવા માટે શિપબિલ્ડિંગ પોલિસી-2036ની જાહેરાત કરી છે. આ પ્રસંગે રાજ્યના મંત્રી અને પોરબંદરના પ્રતિનિધિ અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે આ નવી પોલિસી ભારતને વર્ષ 2047 સુધી વિકસિત રાષ્ટ્ર બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. મંત્રી મોઢવાડીયાએ નવી પોલિસી જાહેર કરવા બદલ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે પોરબંદર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મેગા શિપબિલ્ડિંગ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન મળશે, જેના કારણે રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ મળશે.
₹27 હજાર કરોડના રોકાણની સંભાવના
મંત્રીના જણાવ્યા મુજબ નવી શિપબિલ્ડિંગ પોલિસી હેઠળ અંદાજે ₹27 હજાર કરોડના મૂડીરોકાણની સંભાવના છે. ઉપરાંત આશરે ₹33 કરોડની મેરીટાઇમ સુવિધાઓના વિકાસનું આયોજન કરવામાં આવ્યું છે, જેના કારણે ગુજરાતના બંદરો અને શિપબિલ્ડિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં નોંધપાત્ર વધારો થશે. તેમણે જણાવ્યું કે રાજ્યની અનુકૂળ નીતિઓને કારણે દેશ-વિદેશના ઉદ્યોગકારો ગુજરાતમાં નવા શિપબિલ્ડિંગ અને સંલગ્ન ઉદ્યોગો સ્થાપવા માટે આગળ આવશે. આ રોકાણોથી રાજ્યમાં લાંબા ગાળાનો ઔદ્યોગિક વિકાસ શક્ય બનશે.
પોરબંદર સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં વધશે રોજગારી
મંત્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું કે આ પોલિસીનો સૌથી મોટો લાભ રોજગારીના ક્ષેત્રમાં જોવા મળશે. ખાસ કરીને પોરબંદર અને આસપાસના વિસ્તારોમાં સ્થાનિક યુવાઓ માટે રોજગારીની નવી તકો ઊભી થશે. શિપબિલ્ડિંગ ઉદ્યોગ સાથે જોડાયેલા વિવિધ ક્ષેત્રોમાં કુશળ અને અકુશળ બંને પ્રકારના માનવબળની માંગ વધવાની શક્યતા છે. તેમણે વધુમાં જણાવ્યું કે શિપબિલ્ડિંગ આધારિત નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME)ને પણ આ પોલિસીથી સીધો લાભ મળશે. મશીનરી, મેટલ ફેબ્રિકેશન, ઇલેક્ટ્રિકલ સાધનો, મેન્ટેનન્સ, લોજિસ્ટિક્સ સહિતના અનેક સહાયક ઉદ્યોગોને નવી તકો મળશે, જેના કારણે સમગ્ર ઔદ્યોગિક ઇકોસિસ્ટમ મજબૂત બનશે.
સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત અને વિવિધ સહાયની જાહેરાત
નવી શિપબિલ્ડિંગ પોલિસી અંતર્ગત ઉદ્યોગકારોને આકર્ષવા માટે રાજ્ય સરકારે અનેક પ્રોત્સાહક જોગવાઈઓ જાહેર કરી છે. મંત્રીના જણાવ્યા અનુસાર સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપવામાં આવશે, ઉપરાંત સબસીડી અને વીજળીના દરોમાં સહાય જેવી વિવિધ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે જણાવ્યું કે આ પ્રોજેક્ટ્સ માટે ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર બંને તરફથી જરૂરી સહાય ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી રોકાણકારોને અનુકૂળ વાતાવરણ મળી રહે અને રાજ્યમાં મોટા પાયે ઔદ્યોગિક વિકાસ શક્ય બને.
મંત્રી મોઢવાડીયાએ અંતે જણાવ્યું કે શિપબિલ્ડિંગ પોલિસી માત્ર એક ઔદ્યોગિક નીતિ નથી, પરંતુ ગુજરાતને વૈશ્વિક મેરીટાઇમ હબ તરીકે વિકસાવવા તરફનું મહત્વપૂર્ણ પગલું છે. આગામી વર્ષોમાં આ પોલિસી રાજ્યના આર્થિક વિકાસ, રોજગારી સર્જન અને નિકાસ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.






