રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો ઐતિહાસિક નિર્ણય
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આજે ઐતિહાસિક નિર્ણયની જાહેરાત કરી છે કે ગુજરાત રાજભવનનું સત્તાવાર નામ હવેથી ‘ગુજરાત લોકભવન’ રહેશે. કેન્દ્ર સરકારના માર્ગદર્શનને અનુસરીને લેવાયેલા આ પગલાથી રાજભવન માત્ર બંધારણીય પદનું પ્રતીક ન રહેતાં સાચા અર્થમાં જનતાનું ભવન બનશે. રાજ્યપાલએ જણાવ્યું હતું કે, લોકભવન શબ્દનો મૂળ ભાવ છે – જનતા સર્વોપરી. આ ભવન હવે ફક્ત રાજ્યપાલનું નિવાસસ્થાન કે કાર્યાલય નહીં રહે, પરંતુ રાજ્યના નાગરિકો, વિદ્યાર્થીઓ, ખેડૂતો, સંશોધકો, મહિલાઓ, આદિવાસી સમાજ, નાગરિક સંગઠનો અને સમાજના તમામ વર્ગો સાથે સીધો સંવાદ, સહયોગ અને સહભાગિતાનું જીવંત કેન્દ્ર બનશે.

રાજભવનની ભૂમિકા વધુ વિસ્તૃત અને લોકાભિમુખ બની
સરકાર અને જનતા વચ્ચે સેવા-સહકારનો અટલ સેતુ બનાવવો એ જ આ પરિવર્તનનો મુખ્ય હેતુ છે. આ નામકરણ સાથે રાજભવનની ભૂમિકા વધુ વિસ્તૃત અને લોકાભિમુખ બની છે. અત્યાર સુધીમાં રાજભવને પ્રાકૃતિક ખેતીનું રાષ્ટ્રવ્યાપી અભિયાન, યુનિવર્સિટીઓમાં નૈતિક શિક્ષણનું મજબૂતીકરણ, યુવા-વિદ્યાર્થી સંવાદ કાર્યક્રમો, પર્યાવરણ સંરક્ષણ, મહિલા સશક્તિકરણ, આદિવાસી વિકાસ તેમજ ગૌ-સંવર્ધન જેવા અનેક કલ્યાણકારી કાર્યક્રમો સફળતાપૂર્વક હાથ ધર્યા છે.

ગુજરાતમાં લોકશાહીના મૂળમંત્ર
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વ્યક્તિગત રીતે ગામડાંઓમાં જઈને રાત્રિરોકાણ કરે છે, અનુસૂચિત જાતિ-જનજાતિના પરિવારો સાથે સાદગીભર્યું ભોજન લઈને તેમની સમસ્યાઓ સાંભળે છે, ગ્રામસફાઈ, વૃક્ષારોપણ, પ્રાકૃતિક કૃષિનું પ્રાયોગિક પ્રદર્શન કરે છે અને ગામના સર્વાંગી વિકાસ માટે જનસંવાદો યોજે છે. આ પહેલથી રાજભવનની છબી એક દૂરની સંસ્થા નહીં, પરંતુ જનતા વચ્ચે રહેતી સંસ્થા તરીકે સ્થાપિત થઈ છે. આ પગલાથી ગુજરાતમાં લોકશાહીના મૂળમંત્ર – ‘જનતા દ્વારા, જનતા માટે, જનતાની’ સરકાર – વાસ્તવિક સ્વરૂપ ધારણ કરી રહી છે. રાજ્યના નાગરિકોમાં આ નિર્ણયને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો માને છે કે ‘લોકભવન’ સાચે જ તેમનું બનશે.






