Home Gujarat Gujarat Rain Forecast Imd Alert Weather Update

Gujarat Rain Forecast; ગરમી બાદ વરસાદની આગાહી! : જાણો ગુજરાતમાં કયાં અને ક્યારે પડી શકે છે વરસાદ

Gujarat Rain Forecast; ગરમી બાદ વરસાદની આગાહી!
Published by: OBS Bureau
Last Updated: Mar 13, 2026, 12:55 PM IST

Gujarat Rain Forecast: ગુજરાતમાં દિન-પ્રતિદિન ગરમીમાં વધારો થઈ રહ્યો છે. સુરજદાદા વધુ ને વધુ આકરા બની રહ્યાં છે. કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત બન્યા છે. જેને કારણે લોકો હવે આવી ગરમીના સમયમાં બિનજરૂરી બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. જોકે, હવે હવામાનમાં થોડો બદલાવ જોવા મળી રહ્યો છે. હાલ ભરઉનાળે ગુજરાતમાં વરસાદના વાવળ સંભળાઈ રહ્યાં છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છેકે, હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. ખાસ કરીને 18 અને 19 માર્ચના રોજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા 13 માર્ચે એટલેકે, આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને સુરેન્દ્રનગર, રાજકોટ, આણંદ અને સુરત જિલ્લામાં ગરમીને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં હોટ એન્ડ હ્યુમિડ પરિસ્થિતિ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે 14 માર્ચથી 18 માર્ચ સુધી રાજ્યમાં કોઈ ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી નથી.

આગાહી મુજબ 18 માર્ચના રોજ કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ દિવસ દરમિયાન અન્ય વિસ્તારોમાં ખાસ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી નથી. જોકે 19 માર્ચે રાજ્યના વધુ વિસ્તારોમાં હવામાન પલટો જોવા મળી શકે છે. 19 માર્ચના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે આગામી 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં ખાસ ફેરફાર જોવા મળશે નહીં. જોકે ત્યારબાદ તાપમાનમાં ધીમે ધીમે 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ જેટલો ઘટાડો થવાની સંભાવના છે. જ્યારે લઘુત્તમ તાપમાનમાં આગામી સાત દિવસ દરમિયાન મોટો ફેરફાર થવાની શક્યતા ઓછી છે.

બીજી બાજુ આગાહીકાર અંબાલાલ પટેલે પણ ગુજરાતના હવામાનમાં પલટાની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર 14 થી 18 માર્ચ દરમિયાન મજબૂત પશ્ચિમી વિક્ષેપ સક્રિય થઈ શકે છે, જેની અસર ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં જોવા મળી શકે છે. 16 થી 22 માર્ચ દરમિયાન મધ્યમ કક્ષાનો પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે, જેના કારણે કમોસમી વરસાદ થઈ શકે છે. જો વરસાદ પડશે તો ફરી એકવાર ખેડૂતોની હાલત ખરાબ થઈ છે.

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગરમીના સમયમાં પશ્ચિમી વિક્ષેપ સક્રિય થાય ત્યારે કરા પડવાની શક્યતા પણ રહેતી હોય છે. તેથી 16 થી 20 માર્ચ દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કરા પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત 28 માર્ચથી એપ્રિલની શરૂઆત દરમિયાન પણ એક વધુ પશ્ચિમી વિક્ષેપ સક્રિય થઈ શકે છે, જેના કારણે ફરી એક વખત હવામાનમાં પલટો જોવા મળી શકે છે. આ રીતે ગુજરાતમાં હાલ ગરમી વચ્ચે આગામી દિવસોમાં માવઠું અને હવામાનમાં બદલાવ જોવા મળવાની શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now