ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંક GPRB/2025261 અંતર્ગત પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયા હેઠળ કન્ફર્મ થયેલા 10 લાખથી વધુ ઉમેદવારો માટે શારીરિક કસોટી તા. 21-02-2026થી રાજ્યના વિવિધ 15 ગ્રાઉન્ડ ખાતે શરૂ કરવામાં આવી હતી જે પૂર્ણ થઈ ગઈ અને જેના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે.
શારીરિક કસોટીનું પરિણામ થયું જાહેર
કન્ફર્મ થયેલા ઉમેદવારોમાંથી ફક્ત પો.સ.ઇ. અથવા પો.સ.ઇ. તથા લોકરક્ષક બંને માટે ઉમેદવારી નોંધાવનાર કુલ 3,93,558 ઉમેદવારોની શારીરિક કસોટી શરૂઆતના તબક્કામાં યોજાઈ હતી. કડક માપદંડો હેઠળ લેવામાં આવેલી આ કસોટી બાદ આજે તેના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પરિણામ મુજબ કુલ 1,10,665 ઉમેદવારો શારીરિક કસોટીમાં સફળ જાહેર થયા છે. તેમાં 74,591 પુરુષ ઉમેદવારો તથા 36,074 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. પરિણામ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યું છે.
લેખિત પરીક્ષાની સંભવીત તારીખ પણ થઈ જાહેર
શારીરિક કસોટીમાં સફળ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા આગામી તા. 19 એપ્રિલ 2026ના રોજ યોજાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારોને વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઇટ પર નજર રાખવા સૂચના આપવામાં આવી છે.




















