અમદાવાદ: ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમી યથાવત છે તો બીજી તરફ હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, દમણ, દાદરા અને નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
રાજ્યમાં હાલમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી આગામી સાત દિવસ દરમિયાન વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. આ સિસ્ટમોના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
આ પણ વાંચો: દારૂબંધી પર મહેસાણા LCBનો મોટો પ્રહાર : ઊંઝા પાસે ટ્રકમાંથી રૂ. 10000000 થી વધુનો વિદેશી દારૂ જપ્ત
બીજી તરફ અમદાવાદમાં ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ 41.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અમદાવાદમાં નોંધાયું હતું. હવામાન વિભાગે આજે પણ અમદાવાદમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. ગરમી અને ભેજના કારણે લોકો અકળાઈ રહ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદના મોટેરામાં બુલડોઝર એક્શન! : 37 મકાનો તોડી પડાયા, વિરોધની આશંકા વચ્ચે 125થી વધુ પોલીસકર્મીઓ તૈનાત
ચોમાસાની પ્રગતિ પર નજર
હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હાલમાં મેંગ્લોર સુધી પહોંચી ગયું છે અને અનુકૂળ પરિસ્થિતિઓ યથાવત રહે તો આગામી દિવસોમાં વધુ આગળ વધશે. ગુજરાતમાં સામાન્ય રીતે ચોમાસું 15 જૂન આસપાસ દસ્તક આપે છે અને આ વર્ષે પણ લગભગ તે જ સમયગાળા દરમિયાન ચોમાસું રાજ્યમાં પ્રવેશ કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: તમારા ઘરના દરવાજે આવશે આરોગ્ય ટીમ : ભાવનગરમાં 309 ટીમો કરશે રક્તપિત્તની તપાસ
ખેડૂતો માટે રાહતના સંકેત
રાજ્યના ખેડૂતો લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા છે. આગામી દિવસોમાં વરસાદી માહોલ સર્જાવાની આગાહીને કારણે ખેતી માટેની તૈયારીઓમાં પણ તેજી આવી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની શક્યતાને કારણે ખેડૂતોમાં આશા જાગી છે.





