Home Gujarat Ahmedabad Gujarat Local Elections Bjp Congress Analysis 2015 2021 Trend

સ્થાનિક સ્વરાજ્યની છેલ્લી બે ચૂંટણીઓની સરખામણીએ આ વખતે કેવી છે સ્થિતિ? : જાણો આ વખતે મતદાનમાં કોને પડ્યો માર અને કોને ખાધો માલ

Gujarat Local Body Election Analysis
Image Credit: AI
Published by: Bhadreshkumar Mistry
Last Updated: Apr 27, 2026, 06:18 AM IST

Gujarat Local Body Election Analysis: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોને લઈને ભારે આતુરતા જોવા મળી રહી છે. છેલ્લા બે ચૂંટણીના આંકડાઓ પર નજર કરીએ તો રાજ્યનું રાજકારણ શહેર અને ગામડાં વચ્ચે સ્પષ્ટ રીતે વહેંચાયેલું દેખાય છે. 2015 અને 2021ની ચૂંટણીઓ માત્ર સત્તા બદલાવનો પ્રશ્ન નહોતો, પરંતુ મતદાતાઓના મનોભાવ અને રાજકીય વલણમાં આવેલા ફેરફારોનો દર્પણ પણ હતો. હવે 2026ની ચૂંટણીના પરિણામો એ જ ટ્રેન્ડ આગળ વધે છે કે નવો વળાંક લાવે છે તે જોવાનું રહ્યું.

2015ની ચૂંટણીમાં ભાજપે શહેરી વિસ્તારોમાં પોતાની મજબૂત પકડ સાબિત કરી હતી. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર જેવી તમામ 6 મહાનગરપાલિકાઓમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી હતી. ખાસ કરીને અમદાવાદમાં 192માંથી 142 બેઠકો અને સુરતમાં 116માંથી 80 બેઠકો જીતવી એ શહેરોમાં ભાજપની લોકપ્રિયતા દર્શાવતું હતું. જોકે રાજકોટમાં કોંગ્રેસે 34 બેઠકો મેળવીને ભાજપને ટક્કર આપી હતી, જે શહેરોમાં પણ સ્પર્ધા જીવંત હોવાનો સંકેત હતો.

વર્ષ 2015ની ચૂંટણીના મતદાનના આંકડાઃ

સંસ્થા

પુરુષ

મહિલા

કુલ

મહાનગરપાલિકા

25,66,087

18,03,700

43,69,787

જિલ્લા પંચાયત

82,45,165

71,47,080

1,53,92,245

તાલુકા પંચાયત

83,71,414

71,80,874

1,55,62,488

નગરપાલિકા

12,38,604

10,58,938

22,97,542

ગામડાંઓમાં 2015માં ભાજપને ઝટકો

શહેરોમાં મજબૂત પ્રદર્શન છતાં 2015ની ચૂંટણીમાં ભાજપને સૌથી મોટો ફટકો ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યો હતો. જિલ્લા પંચાયતોમાં ભાજપ માત્ર 8 પર સીમિત રહ્યો, જ્યારે કોંગ્રેસે 23 જિલ્લા પંચાયતો જીતીને ગામડાંઓમાં પોતાની મજબૂત હાજરી નોંધાવી હતી. તાલુકા પંચાયતોમાં પણ ભાજપને નુકસાન થયું હતું અને કોંગ્રેસે 130થી વધુ તાલુકાઓમાં સત્તા મેળવી હતી. આ પરિસ્થિતિએ સ્પષ્ટ કર્યું હતું કે શહેરોમાં ભાજપનો દબદબો હોવા છતાં ગામડાંઓમાં અસંતોષ અને સ્થાનિક મુદ્દાઓએ કોંગ્રેસને મજબૂત બનાવ્યા હતા. તે સમયના રાજકીય વિશ્લેષકો માને છે કે કૃષિ, પાણી અને સ્થાનિક શાસન સંબંધિત પ્રશ્નો ભાજપ માટે પડકારરૂપ બન્યા હતા.

વર્ષ 2021ની ચૂંટણીના મતદાનના આંકડાઃ

સંસ્થા

પુરુષ

મહિલા

કુલ

મહાનગરપાલિકા

29,80,433

23,02,976

52,83,409

જિલ્લા પંચાયત

86,43,357

75,84,821

1,62,28,178

તાલુકા પંચાયત

89,32,168

78,29,386

1,67,61,554

નગરપાલિકા

15,09,089

13,01,182

28,10,271

2021માં ભાજપનો પ્રચંડ કમબેક

2015ના ઝટકાથી શીખ લઈને ભાજપે ગ્રામ્ય વિસ્તારોમાં પોતાની વ્યૂહરચના મજબૂત કરી અને 2021ની ચૂંટણીમાં તેનું પરિણામ સ્પષ્ટ જોવા મળ્યું. આ ચૂંટણી ભાજપ માટે ઐતિહાસિક સાબિત થઈ હતી, કારણ કે તેણે માત્ર શહેરોમાં જ નહીં પરંતુ ગામડાંઓમાં પણ ક્લીન સ્વીપ કર્યો હતો.

મહાનગરપાલિકાઓમાં ભાજપે ફરીથી તમામ 6 કોર્પોરેશનમાં વિજય મેળવ્યો અને કુલ 576માંથી 483 બેઠકો જીતી. બીજી તરફ કોંગ્રેસ માત્ર 55 બેઠકો સુધી સીમિત રહી. ખાસ નોંધપાત્ર બાબત એ હતી કે સુરતમાં આમ આદમી પાર્ટીનો ઉદય થયો, જે ત્રીજા વિકલ્પ તરીકે ઉભરી આવી.

જિલ્લા પંચાયતોમાં ભાજપે તમામ 31 જિલ્લા પંચાયતો જીતતા રાજકીય ઈતિહાસ રચ્યો. કુલ 980માંથી 800 બેઠકો ભાજપે જીતવી એ તેની સંગઠન ક્ષમતા અને ગ્રામ્ય વિસ્તારોમાં વધતી પકડ દર્શાવે છે. કોંગ્રેસ માત્ર 169 બેઠકો સુધી સીમિત રહી ગઈ હતી.

તાલુકા અને નગરપાલિકાઓમાં પણ ભાજપનો દબદબો

તાલુકા પંચાયતોમાં પણ ભાજપે જોરદાર પ્રદર્શન કર્યું. કુલ 4774 બેઠકોમાંથી ભાજપે 3351 બેઠકો જીતી અને 196 તાલુકા પંચાયતોમાં સત્તા મેળવી. કોંગ્રેસને માત્ર 1252 બેઠકો અને 33 તાલુકાઓમાં સત્તા મળી. આ આંકડાઓ દર્શાવે છે કે ગ્રામ્ય રાજકારણમાં ભાજપે 2015ની તુલનામાં મોટો ફેરફાર લાવ્યો હતો. નગરપાલિકાઓમાં પણ ભાજપે 2720માંથી 2085 બેઠકો જીતતા કોંગ્રેસને પાછળ છોડી દીધી હતી. કોંગ્રેસ 602 બેઠકો સુધી સીમિત રહી હતી, જે તેની ઘટતી રાજકીય અસર બતાવે છે.

આ પણ ખાસ વાંચોઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારો કયા પક્ષને બતાવી ગરમી? : ભાજપ કે કોંગ્રેસ કોને મળ્યાં વધારે મત? જાણો મતદાનની સંપૂર્ણ અપડેટ

6 મનપામાં છેલ્લી 4 ચૂંટણી કરતાં વધુ મતદાનઃ

મહાનગરપાલિકા

2005

2010

2015

2021

2026

અમદાવાદ

30%

44%

47%

43%

46%

વડોદરા

44%

44%

49%

48%

47%

ભાવનગર

39%

45%

47%

49%

47%

રાજકોટ

40%

41%

50%

51%

47%

સુરત

40%

42%

40%

45%

55%

જામનગર

44%

50%

57%

54%

52%

સેન્સેરા

39%

45%

48%

48%

49%

ઉલ્લેખનીય છેકે, આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગુજરાતમાં સરેરાશ 44 ટકા ગરમી વચ્ચે મતદારોએ સરેરાશ 60 ટકા જેટલું મતદાન કરીને પોતાનો મિજાજ બતાવ્યો. જોકે, શહેરોમાં મતદાન પહેલાં કરતા ઘટ્યું. બીજી તરફ ગામડાંઓમાં પણ 2021ની સરખામણીએ મતદાનની ટકાવારીમાં ઘટાડો થયો છે. SIR પછી ઓછું મતદાન થયું હોવાની રાડ પણ ઉભી થઈ છે. ખાસ કરીને 15 મહાનગરપાલિકામાં સૌથી ઓછું 50% જેટલું જ મતદાન થયું છે. કુલ 4.08 કરોડમાંથી 1.70 કરોડ મતદારોએ જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું.

હવે શું સંકેત આપે છે હાલની સ્થિતિ?

હાલની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે અને પરિણામોની રાહ જોવામાં આવી રહી છે. ઉમેદવારોનું ભાવિ હવે EVMમાં કેદ છે, પરંતુ છેલ્લા બે ચૂંટણીના ટ્રેન્ડ પરથી કેટલાક મહત્વપૂર્ણ સંકેતો મળે છે. શહેરોમાં ભાજપની પકડ હજુ પણ મજબૂત ગણાય છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં મતદાતાઓનો મૂડ બદલાય છે કે નહીં તે સૌથી મોટો સવાલ છે. વિરોધ પક્ષો, ખાસ કરીને કોંગ્રેસ, માટે આ ચૂંટણી ‘પુનરાગમન’ની તક બની શકે છે જો તેઓ સ્થાનિક મુદ્દાઓને અસરકારક રીતે ઉઠાવી શકે. સાથે જ આમ આદમી પાર્ટી જેવા નવા ખેલાડીઓ પણ ચૂંટણીના પરિણામોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

ચૂંટણી પરિણામોની કેવી પડશે રાજકીય અસર?

આ ચૂંટણીના પરિણામો માત્ર સત્તા કોના હાથમાં જશે તે નક્કી નહીં કરે, પરંતુ ગુજરાતના રાજકારણની આગામી દિશા પણ નક્કી કરશે. ભાજપ પોતાનો ગઢ અકબંધ રાખે છે કે નહીં, કોંગ્રેસ ગ્રામ્ય વિસ્તારોમાં ફરી મજબૂત બને છે કે નહીં, અને ત્રીજો વિકલ્પ કેટલો પ્રભાવ પેદા કરે છે- આ તમામ પ્રશ્નોના જવાબ પરિણામો સાથે સ્પષ્ટ થશે. એક વાત ચોક્કસ છે કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે માત્ર સ્થાનિક મુદ્દાઓ સુધી સીમિત નથી રહી, પરંતુ રાજ્યની રાજકીય દિશા અને શક્તિ સંતુલન નક્કી કરતી મહત્વપૂર્ણ કસોટી બની ગઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now