Home Gujarat Gujarat Latest News Live Updates 3 July 2026

LiveGujarat Latest News Today : જાણો 3 જુલાઈ 2026ના ગુજરાતના તમામ તાજા અને મહત્ત્વના સમાચાર

Gujarat News Live Updates
Published by: OBS Bureau
Last Updated: Jul 03, 2026, 06:33 AM IST

Gujarat News Live Updates 3 July 2026: આજે 3 જુલાઈ 2026. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર સહિત ગુજરાતના દરેક શહેરો અને જિલ્લાઓના દિવસભરના મોટા અને મહત્વના તમામ સમાચાર જાણો Offbeat Stories પર. વરસાદથી લઇને તમારા વિસ્તારની સ્થાનિક સમસ્યાઓ, ક્રાઈમથી લઇના ગુજરાતની રાજકીય હલચલ સુધીની તમામ મહત્ત્વની બાબતોની લેટેસ્ટ અપડેટ્સ અહીં જાણો.

લાઈવ અપડેટ્સ
16 મિનિટ પહેલા3 જુલાઈ 2026

સુરતમાં શોર્ટ સર્કિટની આફત: ગોડાદરામાં ટ્રાન્સફોર્મરમાં ભીષણ આગ ભભૂકી, ફાયર ફાઈટરોએ મોટી દુર્ઘટના ટાળી

સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી માનસરોવર સોસાયટી પાસે શોર્ટ સર્કિટના કારણે એક ડીપી (ટ્રાન્સફોર્મર)માં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ધોળા દિવસે ટ્રાન્સફોર્મરમાંથી અગનજ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા નીકળતા જ આસપાસના રહીશોમાં ભારે અફરાતફરી અને ફફડાટનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. ફાયર ફાઈટરોની ત્વરિત અને સમયસરની કામગીરીને પગલે આગ વધુ ફેલાતી અટકી હતી અને એક મોટી દુર્ઘટના ટળી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.

05:46 AM3 જુલાઈ 2026

વડોદરાના ડભોઇમાં ધાર્મિક વિવાદ: સરદાર બાગમાં હનુમાન ચાલીસા બંધ કરાવવાના કથિત આદેશથી લોકોમાં ભારે આક્રોશ

વડોદરા જિલ્લાના ડભોઇ નગરપાલિકામાં સત્તા પરિવર્તન સાથે જ મોટો વિવાદ છેડાયો છે. ડભોઇના જાણીતા સરદાર બાગમાં છેલ્લા આઠ મહિનાથી નિયમિત વાગતી હનુમાન ચાલીસાને બંધ કરાવવાનો કથિત આદેશ આપતી ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. બાગ સમિતિના ચેરમેનના પતિ દ્વારા પાલિકાના કર્મચારીઓને ધાર્મિક ગીતો ન વગાડવા સૂચના અપાતા હિન્દુ સંગઠનો અને સ્થાનિકોમાં ભારે નારાજગી વ્યાપી છે. સરદાર બાગમાં પ્રભુ શ્રી રામની મૂર્તિ સ્થાપિત હોવાથી ભક્તોમાં આ નિર્ણય સામે આક્રોશ જોવા મળ્યો છે. આ ઘટનાના વિરોધમાં મોડી રાત્રે સ્થાનિક ભાજપના કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં રહીશોએ બગીચામાં એકત્ર થઈને સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. આ મામલાએ ડભોઇના રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે.

05:38 AM3 જુલાઈ 2026

રાજકોટમાં પ્રદૂષણનો કાળો કારોબાર: ધોરાજીની સફુરા નદીમાં કેમિકલના ફીણ ઊડતાં સ્થાનિકોમાં રોષ

રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં વરસાદી માહોલ જામતાની સાથે જ કેમિકલ માફિયાઓ ફરી સક્રિય થયા હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. ધોરાજી તાલુકામાંથી પસાર થતી સફુરા નદીમાં અચાનક કેમિકલયુક્ત પાણી ભળતાં નદીના વહેણમાં મોટા પ્રમાણમાં સફેદ ફીણ ઊડતા જોવા મળ્યા છે. સ્થાનિકોના મતે, ચોમાસાના વરસાદની આડમાં ફેક્ટરીઓ દ્વારા દૂષિત અને ઝેરી કેમિકલવાળા પાણીનો નદીમાં નિકાલ કરવામાં આવી રહ્યો છે. પવિત્ર નદીના પાણીમાં આ પ્રકારે ઝેર ઘોળાતાં પર્યાવરણ અને જળચર સૃષ્ટિ સામે મોટું જોખમ ઊભું થયું છે, જેને પગલે તંત્ર દ્વારા કડક તપાસ કરવામાં આવે તેવી માંગ ઊઠી છે.

04:40 AM3 જુલાઈ 2026

ગીર સોમનાથમાં આકાશી આફત: સૂત્રાપાડામાં ૧૨ ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત

ગીર સોમનાથ જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને સૂત્રાપાડામાં ૧૨ ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકતાં રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ભારે વરસાદના પગલે લોઢવા-પ્રાચી અને લોઢવા-પાધરૂકા રોડ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી જતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. સતત વરસેલા ધોધમાર વરસાદથી ગ્રામ્ય વિસ્તારોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે, જેના કારણે સ્થાનિક લોકોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે.

04:34 AM3 જુલાઈ 2026

વલસાડમાં બે કલાકમાં ૬ ઈંચ વરસાદથી જળબંબોળ, રાજ્યના ૧૭૨ તાલુકા ભીંજાયા

ગુજરાતમાં ચોમાસાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૭૨ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે નુકસાન થયું છે. જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી અને ડાંગમાં નદી-નાળા છલકાયા છે. સૌથી ગંભીર સ્થિતિ વલસાડમાં સર્જાઈ છે, જ્યાં આજે સવારે માત્ર બે કલાકમાં આભ ફાટ્યું હોય તેમ ૬.૧૦ ઈંચ (૧૫૫ મીમી) વરસાદ ખાબકતા જનજીવન ઠપ્પ થઈ ગયું છે અને અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. આ ઉપરાંત ડાંગમાં ૩.૧૧ ઈંચ અને ગણદેવીમાં ૨.૧૭ ઈંચ વરસાદ નોંધાયો છે. ટૂંકા ગાળામાં ખાબકેલા આ ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now