Home Gujarat Gujarat Heatwave Orange Alert Ahmedabad May 2026

ગુજરાતમાં હીટવેવનો કહેર વધ્યો : પાંચ જિલ્લામાં તાપમાન 43°C પાર, અમદાવાદમાં 6 દિવસનું ઓરેન્જ એલર્ટ

ગરમી દર્શાવતું દ્રશ્ય
Image Credit: AI
Published by: Chintan Chavda
Last Updated: May 10, 2026, 06:26 AM IST

ગુજરાતમાં ઉનાળાનો મધ્યાંતર અત્યંત વિકરાળ સાબિત થઈ રહ્યો છે. સૂર્યદેવ જાણે આગ ઓકી રહ્યા હોય તેમ રાજ્યના પાંચ મુખ્ય જિલ્લાઓમાં પારો 43 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે. ખાસ કરીને કચ્છનું કંડલા એરપોર્ટ રાજ્યનું સૌથી ગરમ સ્થળ નોંધાયું છે, જ્યાં તાપમાન 44.3°C સુધી પહોંચી જતા જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગ (IMD) ની લેટેસ્ટ આગાહી મુજબ, આગામી એક અઠવાડિયું ગુજરાતવાસીઓ માટે ભારે રહેવાનું છે.

સૂમસામ રસ્તાઓ અને 'લોકડાઉન' જેવી સ્થિતિ

છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં સરેરાશ 1 થી 2 ડિગ્રીનો વધારો નોંધાતા બપોરના સમયે રાજ્યના મુખ્ય શહેરોમાં સ્વયંભૂ લોકડાઉન જેવી સ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદ, રાજકોટ અને સુરત જેવા મહાનગરોમાં બપોરે 12 થી 5 વાગ્યા દરમિયાન માર્ગો સૂમસામ ભાસી રહ્યા છે. લોકો ગરમીથી બચવા માટે મોઢે રૂમાલ, છત્રી અને સનગ્લાસનો આશરો લઈ રહ્યા છે. બજારોમાં પણ ગ્રાહકોની પાંખી હાજરી જોવા મળી રહી છે, જેની સીધી અસર વેપાર-ધંધા પર પડી રહી છે.

સાયક્લોનિક સિસ્ટમ ગરમીમાં કરશે વધારો

હવામાન વિભાગના ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર, હાલમાં નોર્થ ઈસ્ટ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમની અસરને કારણે રાજસ્થાન તરફથી આવતા ગરમ અને સૂકા પવનો સીધા ગુજરાત પર ફૂંકાઈ રહ્યા છે. પરિણામે આગામી 72 કલાકમાં તાપમાનમાં હજુ પણ 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની પ્રબળ શક્યતા છે. રાજ્યના અનેક વિસ્તારોમાં પારો 45 ડિગ્રીની નજીક પહોંચી શકે છે.

અમદાવાદમાં 6 દિવસનું 'ઓરેન્જ એલર્ટ'

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને હવામાન વિભાગે સંયુક્ત રીતે શહેરમાં આજથી સતત છ દિવસ માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 43.4°C નોંધાયું છે, જે સામાન્ય કરતા લગભગ 2 ડિગ્રી ઊંચું છે. રાત્રિનું લઘુત્તમ તાપમાન પણ 28 ડિગ્રીની આસપાસ રહેતા રાત્રે પણ ગરમી અને બફારાથી રાહત મળી રહી નથી. ખાસ કરીને ગીચ વિસ્તારોમાં હીટ આઈલેન્ડ ઈફેક્ટને કારણે ગરમી વધુ અનુભવાઈ રહી છે.

જિલ્લાવાર હીટવેવની આગાહી

હવામાન વિભાગે આગામી દિવસો માટે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા છે:

  • 10 મેના રોજ કચ્છ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, વડોદરા અને સુરત જિલ્લામાં હીટવેવની સ્થિતિ રહેવાની શક્યતા છે.

  • 11 મેના રોજ કચ્છ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, સુરેન્દ્રનગર ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, આણંદ, પાટણ, બનાસકાંઠા, વડોદરા અને સુરત જિલ્લામાં પણ ગરમીનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે.

  • 12 મેના રોજ કચ્છ, દ્વારકા, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, પાટણ અને બનાસકાંઠામાં હીટવેવની અસર યથાવત રહેવાની શક્યતા છે.

  • 13 અને 14 મે દરમિયાન ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં ગરમીનું જોર વધુ ગંભીર બની શકે છે. ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ અને આણંદ જિલ્લામાં તાપમાન વધુ ઊંચું રહેવાની શક્યતા છે.
    PM મોદીનો 2 દિવસ ગુજરાત પ્રવાસ: જામનગરથી સોમનાથ અને વડોદરા મુલાકાત, જાણો શેડ્યૂલ

આરોગ્ય વિભાગની સાવચેતીની અપીલ

ગરમીની તીવ્રતા વધતા આરોગ્ય વિભાગે લોકોને બપોરે 12થી 4 વાગ્યા દરમિયાન બહાર ન નીકળવાની સલાહ આપી છે. વધુ પાણી પીવું, હલકા રંગના કપડાં પહેરવા અને સીધા તડકાથી બચવા સૂચના આપવામાં આવી છે. હીટસ્ટ્રોક, ડિહાઇડ્રેશન અને થાક જેવી સમસ્યાઓથી બચવા ખાસ કાળજી રાખવાની જરૂર હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે.

હાલ રાજ્યમાં વરસાદની કોઈ મોટી શક્યતા ન દેખાતા મે મહિનાના આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધુ વધી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now