logo-img
Gujarat Government Starlink Loi Satellite Internet Digital Connectivity

ગુજરાત સરકાર-સ્ટારલિંક વચ્ચે LoI : અંતરિયાળ વિસ્તારોમાં હાઇ-સ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટથી ડિજિટલ ક્રાંતિ

ગુજરાત સરકાર-સ્ટારલિંક વચ્ચે LoI
Published by: Offbeat Team
| Last Updated: Feb 09, 2026, 10:47 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત 2047 ના વિઝનને સાકાર કરવામાં સંગીન ડિજિટલ ગવર્નન્સને અર્થતંત્રની બેકબોન ગણાવી છે. તેમણે આપેલા ડિજિટલ ભારતના સંકલ્પને ગુજરાતના ગ્રામીણ અંતરિયાળ સ્થળો સહિત રાજ્યવ્યાપી વિસ્તારવાની દિશામાં ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ કદમ ભર્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે આ હેતુસર એલન મસ્કની સ્પેસેક્સની સબસિડિયરી સ્ટારલિંક સેટેલાઈટ કોમ્યુનિકેશન્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે પરસ્પર સહયોગના લેટર ઓફ ઇન્ટેન્ટ (LoI) કર્યા છે.

આ LoI ને પરિણામે રાજ્યમાં ડિજિટલ કનેક્ટિવિટી મિશન તથા સ્ટ્રેટેજિક ઈનિશિએટિવ્ઝથી અંતરિયાળ, છેવાડાના અને ઓછી ટેલિકોમ સુવિધા અને નેટવર્કની સમસ્યા ધરાવતા વિસ્તારોમાં હાઇ-સ્પીડ સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ LoI અન્વયે પાયલોટ પ્રોજેક્ટમાં કોમન સર્વિસ સેન્ટર્સ (CSC), ઇ-ગવર્નન્સ સુવિધાઓ, સરકારી શાળાઓ, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન નિયંત્રણ કક્ષ, પોર્ટ્સ, વન્યજીવ અભયારણ્યોના વિસ્તારોને જોડવાનું આયોજન છે.

નર્મદા અને દાહોદ જેવા એસ્પિરેશનલ જિલ્લાઓ સહિત રાજ્યના ટ્રાયબલ ડિસ્ટ્રીક્ટમાં ડિજિટલ ઇન્ક્લુઝન માટે મહત્વપૂર્ણ કદમ બનશે. અને આ જિલ્લાઓમાં પોલીસ આઉટપોસ્ટ્સ, આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રો, વન્યજીવ મોનિટરિંગ અને કૃષિ સંશોધન કેન્દ્રો માટે મજબૂત કનેક્ટિવિટી દ્વારા સિક્યુરિટી અને સ્ટેબિલિટી વધવા સાથે રિલાયેબલ ડિજિટલ સર્વિસ ડિલિવરી પણ આ LoI નું અમલીકરણ થવાથી સુનિશ્ચિત થશે.

આ પહેલ અંતર્ગત રાજ્યની શાળાઓમાં શિક્ષણ માટે સ્માર્ટ કનેક્ટિવિટી તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં (PHC)આરોગ્ય સુખાકારીની સેવાઓ અને ટેલિ-મેડિસિન સુવિધાઓ સરળતાએ અને ઝડપથી ઉપલબ્દ્ધ થશે. સાથોસાથ વિવિધ સરકારી એજન્સીઓ, વિભાગો, શાળાઓ અને ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમના કેપેસિટી બિલ્ડીંગ માટેના સંયુક્ત તાલીમ કાર્યક્રમોનું ભવિષ્યમાં આયોજન કરાશે.

રાજયમાં સીમલેસ અને ઇઝી કનેક્ટિવિટીની જરૂરિયાતોના સંદર્ભમાં આ LOI ના અસરકારક અમલીકરણ માટે રાજ્ય સરકાર અને સ્ટારલિંકના પ્રતિનિધિઓની જોઈન્ટ વર્કિંગ ગ્રુપની રચના કરવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં આ LoI એક્સચેન્જ સેરેમની યોજવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર વતી ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ અને સ્ટારલિંક વતી સ્ટારલિંક ઇન્ડિયાના હેડ પ્રભાકર જયકુમારે આ LoI ની પરસ્પર આપ-લે કરી હતી.

આ સંયુક્ત પ્રોજેક્ટનો અમલ આવનારા ભવિષ્યમાં રાજ્યની ડિજિટલ સેવાઓને વધુ વ્યાપક બનાવવામાં માઈલસ્ટોન સાબિત થશે અને ઇ-ગવર્નન્સની પ્રગતિને વધુ ગતિ આપશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

રાજ્યની જી.આઈ.ડી.સી.ના ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ, હાઈવે સેફટી સિસ્ટમ્સ, મેરિટાઈમ-પોર્ટ કનેક્ટિવિટી તેમજ કોસ્ટલ પોલિસ ઓપરેશનમાં પણ કનેક્ટિવિટી વધુ મજબૂત કરવાના વિષયો આ LOI માં આવરી લેવાયા છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now