Home Gujarat Surat Gujarat Gaurav Divas Surat Vibrant Gujarat Conference

સુરતમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો CMએ કરાવ્યો પ્રારંભ : વિકાસ મોડલને પ્રદર્શિત કરતું યોજાયું એક્ઝિબિશન

CMની છબી
Published by: Niraj Chokshi
Last Updated: May 01, 2026, 01:27 PM IST

સુરતમાં આજે ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરાઈ. રાજ્યનું પ્રશાસન એક દિવસ માટે ગાંધીનગરથી સુરત પહોંચ્યું છે. આ પ્રસંગે રાજ્યના વિવિધ કાર્યક્રમો સાથે સુરત શહેરમાં ઉત્સવમય માહોલ સર્જાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિવસભર વ્યસ્ત કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે, જેમાં મીટિંગ, સેમિનાર, કોન્ફરન્સ અને જાહેર કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આજના મુખ્ય આકર્ષણરૂપે સુરત ખાતે બે દિવસીય “વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ”નો ભવ્ય પ્રારંભ થયો છે. આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન ઓરો યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી અને સી.આર. પાટિલ સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા.

વિકાસના મોડલનું પ્રદર્શન

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના ભાગરૂપે આયોજિત વિશાળ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન રાજ્યના ઔદ્યોગિક વિકાસ, કૃષિ પ્રગતિ, ગ્રીન એનર્જી અને સેવા ક્ષેત્રના સર્વાંગી વિકાસને પ્રતિબિંબિત કરે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રદર્શનના વિવિધ પેવેલિયન અને સ્ટોલની મુલાકાત લઈ ઉદ્યોગકારો, સ્ટાર્ટઅપ પ્રતિનિધિઓ અને નવીનતા લાવનારા યુવાનો સાથે સંવાદ સાધ્યો હતો. તેમણે સોલાર અને વિન્ડ એનર્જી સહિતના ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સ, કૃષિમાં આધુનિક પદ્ધતિઓ અને ટેકનોલોજી આધારિત સેવાઓ અંગે માહિતી મેળવી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ગુજરાત દેશના ‘ગ્રોથ એન્જિન’ તરીકે આગળ વધી રહ્યું છે અને રાજ્ય સરકાર દ્વારા વાઈબ્રન્ટ ગુજરાતના વિઝનને હવે પ્રાદેશિક સ્તરે વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: દ્વારકામાં દરિયા કાંઠે વહિવટી તંત્રએ કર્યું ડિમોલિશન : સવા કરોડથી વધુના દબાણો કરાયા દૂર

આ બે દિવસીય કોન્ફરન્સમાં દક્ષિણ ગુજરાતના સુરત સહિત 6 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં ઉદ્યોગ, MSME, કૃષિ અને સેવા ક્ષેત્ર સાથે જોડાયેલા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં જોડાયા છે. કોન્ફરન્સનો મુખ્ય હેતુ પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસને ગતિ આપવો, રોકાણકારોને આકર્ષવા અને રોજગારના નવા અવસરો ઊભા કરવાનો છે. પ્રદર્શનને ઔદ્યોગિક અને મેન્યુફેક્ચરિંગ, ગ્રીન એનર્જી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તેમજ કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ જેવા મુખ્ય વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે.

ખાસ આકર્ષણરૂપે ગ્રીન એનર્જી ક્ષેત્રના પ્રોજેક્ટ્સ અને ‘મેન્ગો ફેસ્ટિવલ’ રહ્યું, જેમાં દક્ષિણ ગુજરાતમાં ઉગતી વિવિધ કેરીની જાતો રજૂ કરવામાં આવી હતી. સાથે જ ટ્રેડ ફેરનું પણ પ્રારંભ કરવામાં આવ્યું, જેનાથી વેપાર અને ઉદ્યોગને નવી તકો મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં Barbecue World કરાયું સીલ : ખોરાકમાં જીવાત મળી હોવાની AMCને મળી હતી ફરિયાદ

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ રાજ્યના સંતુલિત અને સર્વસમાવેશક વિકાસ માટે મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહી છે. પ્રાદેશિક સ્તરે આવી કોન્ફરન્સ યોજવાથી સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે અને નાના શહેરો તથા જિલ્લાઓમાં રોકાણ વધશે તેવી અપેક્ષા છે.

આ સાથે, ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી રાજ્યના વિકાસ મોડલને પ્રદર્શિત કરવાની સાથે જનભાગીદારી અને ગૌરવની લાગણીને મજબૂત બનાવે છે. સુરતમાં યોજાયેલા આ કાર્યક્રમો રાજ્યના વિકાસના આગામી અધ્યાય માટે દિશા નિર્ધારિત કરશે તેવું માનવામાં આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now