logo-img
Gujarat Budget 2026 Water Resources Narmada 25960 Crore

ગુજરાતમાં જળસંપત્તિ અને પાણી પુરવઠા માટે ₹25,960 કરોડ : નર્મદા અને સરદાર સરોવર યોજનાને પ્રાથમિકતા

ગુજરાતમાં જળસંપત્તિ અને પાણી પુરવઠા માટે ₹25,960 કરોડ
Published by: Offbeat Team
| Last Updated: Feb 18, 2026, 11:30 AM IST

ગુજરાત સરકારે વર્ષ 2026-27 માટે નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ માટે કુલ ₹25,960 કરોડની જોગવાઈ જાહેર કરી છે. રાજ્યમાં કૃષિ વિકાસ, પીવાના પાણીની સુલભતા અને જળસંચયને વધુ મજબૂત બનાવવાના હેતુથી આ મહત્વપૂર્ણ ફાળવણી કરવામાં આવી છે.

જળસંપત્તિ પ્રભાગ માટે ₹13,944 કરોડ ફાળવવામાં આવ્યા છે. દરિયામાં વહી જતાં નર્મદાના પાણીનો વધુ અસરકારક ઉપયોગ થાય તે માટે 'સુજલામ સુફલામ પાઇપલાઇન યોજના' માટે ₹1,237 કરોડ, 'સૌની યોજના' માટે ₹473 કરોડ અને 'કચ્છ યોજના' માટે ₹1,333 કરોડ ફાળવાયા છે. ઉપરાંત હયાત સિંચાઈ માળખાના વિસ્તરણ અને આધુનિકીકરણ માટે ₹1,420 કરોડની જોગવાઈ કરાઈ છે.

Sabarmati River પર 14 વિયર-બેરેજ બનાવવાની યોજનામાંથી પાંચ પૂર્ણ થઈ ચૂક્યા છે, જ્યારે બાકીના કામો પૂર્ણ કરવા ₹624 કરોડ ફાળવાયા છે. સમુદ્રનું ખારું પાણી નર્મદામાં પ્રવેશતું અટકાવવા ભરૂચ જિલ્લાના ભાડભૂત ખાતે બેરેજ પ્રોજેક્ટ માટે ₹1,700 કરોડની જોગવાઈ કરાઈ છે.

Sardar Sarovar Dam માટે કુલ ₹3,317 કરોડ ફાળવાયા છે. અમદાવાદના નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધા વધારવા ₹600 કરોડ અને ધોલેરા SIR વિસ્તારમાં 100 MLD પાણી પૂરું પાડવા ₹300 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

પાણી પુરવઠા પ્રભાગ માટે ₹6,984 કરોડ ફાળવાયા છે. ધોલેરા SIR માટે નવી 100 MLD બલ્ક પાઇપલાઇન, આદિજાતિ વિસ્તારોમાં 651 ગામોને આવરી લેતી 26 જૂથ પાણી પુરવઠા યોજનાઓ અને ડાંગ જિલ્લામાં 276 ગામો માટે ₹866 કરોડના કામો પ્રગતિ હેઠળ છે.

રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય ખેડૂતોને પૂરતું સિંચાઈ પાણી, શહેરો અને ગામડાઓને ગુણવત્તાયુક્ત પીવાનું પાણી અને જળસંચય માળખાને મજબૂત બનાવી સમગ્ર ગુજરાતમાં સમાન વિકાસ સુનિશ્ચિત કરવાનો છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now