logo-img
Gujarat Budget 2026 Gujarat Finance Minister Kanu Desai

3 લાખ 15 હજારથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન : વાંચો સૌથી પહેલા નાણાં મંત્રીની સંપૂર્ણ સ્પીચ, કોના માટે શું જોગાવાઈ?

3 લાખ 15 હજારથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન
Published by: Offbeat Team
| Last Updated: Feb 18, 2026, 08:13 AM IST

સતત પાંચમી વખત ગુજરાત રાજ્યનું બજેટ રજૂ કરતાં નાણાંમંત્રી કનુ દેસાઇ બોલ્યા, વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ જનસેવક તરીકે જનસેવાના અવિરત ૨૪ વર્ષ પૂર્ણ કરી ગુજરાત અને દેશના વિકાસને નવી દિશા આપી છે. સુશાસન અને જનકલ્યાણના કાર્યો દ્વારા જન અપેક્ષાઓને સાકાર કરી વિશ્વમાં ભારતનું ગૌરવ વધાર્યું છે અને એ સાથે ભારતને વિશ્વની ચોથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા બદલ ગુજરાતની સમગ્ર જનતા વતી હું તેમને અભિનંદન પાઠવું છું.

વડાપ્રધાનના વિકસિત ભારત@૨૦૪૭ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને આગળ ધપાવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યની વિકાસયાત્રા આગળ વધી રહી છે.

વડાપ્રધાનના નેતૃત્વમાં જી.એસ.ટી.માં કરેલ ઐતિહાસિક સુધારાથી સામાન્ય નાગરિકની જીવન જરૂરિયાત વસ્તુઓની ખરીદશકિતમાં વધારો થયેલ છે. જે બદલ વડાપ્રધાનનો રાજ્યના તમામ નાગરિકો વતી હું આભાર માનું છું.

વધુમાં, શ્રમ અધિનિયમમાં કરેલ સુધારાઓથી કામદારોની સામાજિક સુરક્ષા, રોજગારીની તક સાથે તેમના સન્માનમાં વધારો થયો છે.

​આપને જણાવતાં આનંદ થાય છે કે, આપણને કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ની યજમાની મળી છે તેનો સંપૂર્ણ યશ ખેલમહાકુંભની શરૂઆત કરાવનાર ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને આપણા યશસ્વી વડાપ્રધાન મોદીને જાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ‘વિકસિત ગુજરાત@૨૦૪૭’ના સંકલ્પને સાકાર કરવા અમારી સરકાર કટિબદ્ધ છે. ગુજરાતની સ્થાપનાનાં ૭૫ વર્ષ સને ૨૦૩૫માં પૂર્ણ થઇ રહ્યાં છે. આ અમૃતકાળના સોનેરી અવસરે વિકસિત ગુજરાત@૨૦૪૭ની વિકાસ યાત્રાને વેગ આપવા ગુજરાત@૨૦૩૫ના રોડમેપ સાથે અમે આગળ વધી રહ્યાં છીએ.

“સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ” સાથે વિકસિત ભારત@૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC) દ્વારા અત્યાર સુધીમાં છ અહેવાલો રજૂ કરવામાં આવ્યા છે. જેમાં નાગરિક-કેન્દ્રિત સેવા, વહીવટી સુધારા તેમજ માનવ સંસાધન જેવા વિષયો પર અસરકારક ભલામણો આપવામાં આવી છે. જેનું અમલીકરણ સુશાસન અને કાર્યક્ષમ વહીવટની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહ્યું છે.

'વિકાસમાં કોઈ પાાછળ ન રહે અને વિકાસથી કોઈ વંચિત ન રહે'ની ભાવના સાથે આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ. આ અવસરે વડાપ્રધાનએ જનજાતિ સમુદાયના વિકાસ માટે જનજાતિય કલ્યાણ યોજના અંતર્ગત આગામી પાંચ વર્ષમાં ₹૨ લાખ કરોડના અઢળક વિકાસ કાર્યોના આયોજનની જાહેરાત કરેલ છે.

​અમારી સરકાર દ્વારા આદિજાતિ વિસ્તારોમાં કરેલ અસરકારક કામગીરીના ફળ સ્વરૂપે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન(PM JANMAN) હેઠળ સમગ્ર દેશમાં ગુજરાતને “બેસ્ટ પર્ફોમિંગ રાજ્ય” તરીકેનો એવોર્ડ મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા વર્ષ ૨૦૨૫માં એનાયત કરવામાં આવ્યો છે. જે આપણા સૌ માટે ગૌરવની વાત છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વર્ષ ૨૦૦૩થી શરૂ કરાયેલ વાઇબ્રન્‍ટ સમિટથી રાજ્યની આર્થિક પ્રગતિને એક નવી જ ઉડાન મળી છે. જેને આગળ વધારતાં રાજ્ય સરકારે વાઇબ્રન્‍ટ ગુજરાત પ્રાદેશિક સંમેલનો (VGRC) શરૂ કરેલ છે. જેનો મુખ્ય ધ્યેય રોજગારીનું સર્જન કરવું અને દરેક નાગરિકની માથાદીઠ આવક વધારવાનો છે.

પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નીતિઓ જાહેર કરેલ છે. જેમાં ગુજરાત સ્પેસટેક પોલિસી, ગુજરાત ઇલેકટ્રોનિક્સ કોમ્પોનન્‍ટ મેન્યુફેક્ચરીંગ પોલિસી, એકશન પ્લાન ફોર ઇમ્પલીમેન્ટેશન ઓફ AI, ઇન્‍ટીગ્રેડેટ રીન્યુએબલ એનર્જી પોલિસી અને ગુજરાત ગ્રીન હાઇડ્રોજન પોલિસીનો સમાવેશ થાય છે.

જેનાથી યુવા પ્રતિભાને AI આધારિત રિસર્ચ અને કુશળતા વિકસાવવામાં નવી તકો મળશે. સેમી કન્‍ડક્ટર્સ અને હાઇ વેલ્યુ મેન્યુફેક્ચરીંગમાં વધુ વેગ આવશે. કૃષિ, આપત્તિ વ્યવસ્થાપન, શહેરી આયોજન અને ગવર્નન્‍સ વધુ અસરકારક બનશે. તેમજ રીન્યુએબલ એનર્જીનો મહત્તમ ઉપયોગ કરી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે. જે ગુજરાતને આત્મનિર્ભર ભારત અને વિકસિત ગુજરાત@૨૦૪૭ના લક્ષ્યને સાકાર કરવામાં મદદરૂપ થશે.

રાજ્ય સરકારના આ પ્રયાસોથી ગુજરાતની આર્થિક ગતિશીલતા રાષ્ટ્રીય વિકાસમાં આગવી અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આજે દેશના જીડીપીમાં ગુજરાતનો ફાળો ૮.૨ ટકા છે. ગુજરાતની માથાદીઠ આવક ₹૩ લાખ ૧ હજાર (₹૩,૦૧,૦૦૦) છે. જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં ૬૦%થી વધારે છે. જેમાં ગુજરાત દેશના રાજ્યોમાં મોખરાનું સ્થાન ધરાવે છે.

GYAN એટલે કે, ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિને વધુ સશક્ત બનાવવા આ બજેટમાં વિવિધ જોગવાઇઓ કરવામાં આવેલ છે.

એક કલ્યાણકારી રાજ્ય તરીકે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પાકું ઘર આપી “ઘર સૌના માટે”નો સંકલ્પ સાચા અર્થમાં સાકાર કરવામાં આવી રહ્યો છે. જે હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ અને શહેરી), ડૉ.આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓ હેઠળ આ વર્ષે આશરે ૩ લાખ ૧૫ હજારથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે. જેના માટે ₹૪૨૭૨ કરોડની જોગવાઇ સૂચવું છું.

સમાજના પછાત અને નબળા વર્ગના તેમજ આદિજાતિ લોકોના વિકાસ માટે સરકાર હંમેશા સંવેદનશીલ છે. વિવિધ નિગમો દ્વારા છેલ્લાં ત્રણ વર્ષમાં ૧ લાખ ૩૫ હજારથી વધુ લાભાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે લોન તેમજ આર્થિક સહાય આપવામાં આવી છે. નિગમોની આ કામગીરીને વેગ આપવા માટે કુલ ₹૮૬૯ કરોડની જોગવાઇ કરું છું.

નાગરિકોની અન્નસુરક્ષાના અભિગમથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત રાજ્યના અંદાજે ૭૫ લાખથી વધુ કુટુંબોને વિનામૂલ્યે અનાજ આપવાનું ભગીરથ કાર્ય અમારી સરકાર કરી રહી છે.

રાજ્ય સરકાર દ્વારા ૫૩ હજારથી વધુ આંગણવાડી કેન્‍દ્રોને પોષણ, પ્રારંભિક બાળ શિક્ષણ અને આરોગ્ય સેવાના મજબૂત આધાર સ્તંભ તરીકે વિકસાવવામાં આવી રહ્યાં છે. આંગણવાડીના ભૌતિક અને ડિજિટલ માળખામાં વધારો કરતાં આ વર્ષે નવી બે હજાર આંગણવાડીઓના નિર્માણ માટે ₹૩૬૦ કરોડની જોગવાઇ સૂચવું છું.

​ગુણવત્તાયુકત આરોગ્ય સેવાઓ દ્વારા સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાની રાજ્ય સરકારની નેમ છે. “પ્રધાનમંત્રી જન આરોગ્ય–મુખ્યમંત્રી અમૃતમ (મા યોજના)” યોજના હેઠળ ૨ કરોડ ૭૨ લાખથી વધુ લોકોનો સમાવેશ કરેલ છે. જેમાં ૬૮ લાખથી વધુ લોકોએ કેશલેસ સારવારનો લાભ લીધો છે. આ યોજના માટે ₹૩૪૭૨ કરોડની જોગવાઇ સૂચવું છું.

​ગરીબ અને મધ્યમવર્ગના દંપતીઓને ઇન્‍સ્ટિટ્યૂટ ઓફ કિડની ડીસીસ એન્‍ડ રિસર્ચ સેન્‍ટર, અમદાવાદ ખાતે IVF સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ સેન્ટરના વિસ્તૃતિકરણ ઉપરાંત સુરત, ભાવનગર અને જામનગર ખાતે આ પ્રકારની સુવિધા શરૂ કરવાનું આયોજન છે.

બાંધકામ શ્રમયોગીઓને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે શ્રમિક અન્નપૂર્ણા કેન્‍દ્રમાં વધારો કરતાં નવા ૧૨૧ કેન્‍દ્ર કાર્યરત કરવામાં આવશે. તેમજ શ્રમયોગીઓને બાંધકામના સ્થળે આરોગ્યની પ્રાથમિક સેવા આપતાં કુલ ૧૫૪ ધન્‍વંતરિ આરોગ્ય રથની સંખ્યામાં વધારો કરતાં વધુ નવા ૫૦ આરોગ્ય રથ શરૂ કરવામાં આવશે. જેના માટે કુલ ₹૨૬૦ કરોડની જોગવાઇ સૂચવું છું.

VB-G RAM G (વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્‍ડ આજીવિકા મીશન(ગ્રામીણ)) યોજનાથી ગ્રામ્ય વિસ્તારની સુખાકારી અને રોજગારી માટે એક મહત્વપૂર્ણ કદમ ભરવામાં આવેલ છે. જેમાં કામના દિવસો ૧૦૦થી વધારી ૧૨૫ કરવામાં આવેલ છે. જેના માટે કુલ ₹૧૫૦૦ કરોડનું આયોજન કરેલ છે.

ગુજરાતની વસ્તીમાં ૩૬% કરતા વધુ યુવા છે. આ યુવા શક્તિને મજબૂત કરવા તેમજ તેને આગળ વધવા સમાન અવસર મળે તે માટે સામાજિક ન્યાય, આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા અંદાજે ૯૭ લાખ વિદ્યાર્થીઓને ₹૫૯૬૭ કરોડની જોગવાઇ શિષ્યવૃત્તિ માટે કરું છું.

ભારત સરકારની પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ આદિજાતિ અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણમાં કારકિર્દી ઘડતર કરી શકે તે માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. કન્યાઓને આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય અને વાર્ષિક ₹૨ લાખ ૫૦ હજાર આવક મર્યાદા ધરાવતા કુમારોને આ લાભ આપવામાં આવે છે. આ શિષ્યવૃત્તિનો લાભ વધુ કુમાર વિદ્યાર્થીઓને પહોંચાડવા માટે તેઓની વાર્ષિક આવક મર્યાદા ₹૨ લાખ ૫૦ હજારથી વધારીને ₹૬ લાખ કરવાની જાહેરાત કરું છું.

આદિજાતિ, અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ તેમજ આર્થિક રીતે પછાત વર્ગના આશ્રમશાળાઓ અને ગ્રાન્‍ટ-ઈન-એઈડ છાત્રાલયોમાં અભ્યાસ કરતા આશરે ૨,૭૭,૫૫૨ વિદ્યાર્થીઓને મળતી માસિક સહાય ₹૨૧૬૦માં ₹૩૪૦નો વધારો કરી ₹૨૫૦૦ કરવાની જાહેરાત કરું છું.

અત્યાધુનિક ઇન્‍ફ્રાસ્ટ્રક્ચર સાથે આવકારદાયક વાતાવરણમાં શિક્ષણ મળી રહે તે માટે વધુ ૯૨૬ પી.એમ.શ્રી શાળાઓ શરૂ કરવામાં આવશે.

​“એક કેમ્પસ-અવિરત શિક્ષણ-મજબૂત ભવિષ્ય”ના ધ્યેય સાથે બાલવાટિકાથી ધોરણ-૧૦ સુધી વિદ્યાર્થીઓના અભ્યાસમાં તૂટ ન પડે તે માટે સંકલિત શાળાઓ બનાવવાની જાહેરાત કરું છું. જેનાથી શિક્ષણમાં ગુણવત્તા અને સ્થિરતા જળવાઇ રહેશે. તેના માટે ₹૧૨૦ કરોડની જોગવાઇ સૂચવું છું.

​ગાંધીનગર ખાતે દેશની સૌથી મોટી અને અત્યાધુનિક નમો સેન્ટ્રલ લાઇબ્રેરી સ્થાપવામાં આવશે. જેમાં અભ્યાસ અને વાંચનની સુવિધાઓ ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેના માટે આ બજેટમાં ₹૧૦૦ કરોડની જોગવાઇ સૂચવું છું. તેમજ આદિજાતિ વિસ્તારના તમામ તાલુકામાં ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી ઊભી કરવાના આયોજનના ભાગરૂપે આ વર્ષે ૧૫ તાલુકાઓમાં લાઇબ્રેરી સ્થાપવાની જાહેરાત કરું છું.

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના દ્વારા વિદ્યાર્થીઓનો વિજ્ઞાન પ્રવાહના પ્રવેશમાં રસ વધેલ છે. જેના કારણે છેલ્લાં બે વર્ષમાં કુલ પ્રવેશમાં ૧૯% જેટલો વધારો થયેલ છે. જેના માટે ₹૨૫૦ કરોડની જોગવાઇ સૂચવું છું.

​દિવ્યાંગજનને શાળામાં અભ્યાસ કરવામાં મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે હેતુથી પરિવહન વ્યવસ્થાના ભાગરૂપે ટ્રાન્‍સપોર્ટ/એસ્કોર્ટ એલાઉન્‍સ આપવા તેમજ અન્ય સુવિધાઓ માટે આયોજન કરેલ છે.

અમારી સરકારે કૌશલ્ય વિકાસને પ્રાધાન્ય આપી યુવાનોને આત્મનિર્ભર તેમજ રોજગારલક્ષી બનાવવા અનેક પગલાં ભર્યા છે. ઉદ્યોગો સાથે સક્રિય ભાગીદારીથી ભાવિ જરૂરિયાતોને અનુરૂપ માનવ સંસાધન તૈયાર કરવાના હેતુસર નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશનને વેગ આપવા ₹૨૨૬ કરોડની જોગવાઇ સૂચવું છું.

​યુવાનોને રોજગારી માટે કૌશલ્યપૂર્ણ તાલીમ આપવાના હેતુથી “મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના” હેઠળ ૧ લાખથી વધુ એપ્રેન્‍ટીસ તાલીમ મેળવે છે. આ યોજના સેવાક્ષેત્ર દ્વારા પૂરા પાડવામાં આવતા એપ્રેન્‍ટીસ કાર્યક્રમોને પણ આગળ વધારવામાં મદદરૂપ બનશે. આ તાલીમાર્થીઓને માસિક ₹૩૦૦૦ સુધીની સહાય આપવા ₹૮૦ કરોડની જોગવાઇ સૂચવું છું.

રાજ્યમાં સંશોધન અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા આઇ.આઇ.ટી.ના મોડલ પર એલ.ડી. ઇજનેરી કોલેજ, અમદાવાદ ખાતે રિસર્ચ પાર્કની સ્થાપના કરવા ₹૫૧ કરોડની જોગવાઇ સૂચવું છું.

અમારી સરકારે ટેકનોલોજીને પરિવર્તનનું સાધન ગણેલ છે. સ્ટાર્ટઅપ માટે i-Hub અમદાવાદ ખાતે ઊભી થયેલ ઇકોસિસ્ટમને વિસ્તારતાં સુરત, વડોદરા, મહેસાણા અને રાજકોટ ખાતે i-Hubના રીજનલ સેન્‍ટર સ્થાપવામાં આવશે. જેના માટે ₹૮૦ કરોડની જોગવાઇ સૂચવું છું.

સ્ટાર્ટઅપ ક્ષેત્રે રાજ્ય સરકારની નીતિઓથી યુવાનોને “વિચારથી વ્યવસાય” સુધીનું પ્રોત્સાહન મળી રહ્યું છે. યુવાનોની નવીન વિચારશક્તિ, ટેકનોલોજી પ્રત્યેની અભિરુચી અને સાહસના કારણે અત્યાર સુધી આશરે ૧૬ હજાર જેટલા સ્ટાર્ટઅપ નોંધાયેલા છે. જેના પરિણામે રાજ્યને ભારત સરકાર દ્વારા “બેસ્ટ પરફોર્મર સ્ટેટ”નો એવોર્ડ મળેલ છે. જે બદલ રાજ્યના યુવાનોને હું અભિનંદન પાઠવું છું.

​દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૯% યોગદાન સાથે, ગુજરાત રોજગારી સર્જન માટે ખૂબ જ મજબૂત MSME (નાના અને મધ્યમ ઉદ્યોગ) ઇકોસિસ્ટમ ધરાવે છે. ૨૯ લાખથી વધુ MSME રજીસ્ટ્રેશન ધરાવતાં અગ્રેસર રાજ્યોની સૂચીમાં ગુજરાત સ્થાન ધરાવે છે. આ એકમોને પ્રોત્સાહન માટે આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્સ ટુ એમ.એસ.એમ.ઈ. માટે ₹૧૭૭૫ કરોડની જોગવાઇ સૂચવું છું.

​ઇઝ ઓફ ડુઇંગ બીઝનેસને આગળ વધારતાં આગામી સમયમાં ૨૫ જી.આઇ.ડી.સી.ને આધુનિક ટેકનોલોજીથી સ્માર્ટ બનાવવામાં આવશે. જેમાં ₹૧૨૫૦ કરોડના રોકાણથી પાણી, વીજળી, ગેસ અને ડિજિટલ નેટવર્કનું સુદ્રઢીકરણ કરવામાં આવશે. આ ઉપરાંત ₹૫૦ કરોડના રોકાણથી ૧૨૦ મીની GIDCના નવીનીકરણનું આયોજન છે.

રાજ્યના આદિવાસી વિસ્તારોમાં ઔદ્યોગિકીકરણને પ્રોત્સાહન આપવા તેમજ રોજગારીની તકો મળી રહે તે માટે દાહોદ જિલ્લાના ઝાલોદ અને ગરબાડા તાલુકામાં બે તથા અરવલ્લી જિલ્લા સહિતના અન્ય જિલ્લાઓમાં ત્રણ એમ પાંચ નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવાની જાહેરાત કરું છું.

​રાજ્યના ટેક્સટાઇલ ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે “ગુજરાત ટેક્સટાઇલ પોલિસી” અંતર્ગત ₹૬૭ હજાર કરોડથી વધુનું મૂડીરોકાણ થયેલ છે. જેને લીધે બે લાખથી વધારે પ્રત્યક્ષ રોજગારી સર્જાયેલ છે. આવનાર સમયમાં આ ક્ષેત્રમાં વધારે મૂડીરોકાણ અપેક્ષિત છે અને તેથી મોટા પાયે પ્રત્યક્ષ રોજગારીનું સર્જન થશે. આ માટે ₹૨૭૫૫ કરોડની જોગવાઇ સૂચવું છું.

​રાષ્ટ્રની માલસામાન નિકાસમાં ૨૬% થી વધુ યોગદાન સાથે ગુજરાત સૌથી મોખરાનું સ્થાન ધરાવે છે. આ ક્ષેત્રને પ્રોત્સાહન, તાલીમ, આર્થિક અને માર્કેટ સપોર્ટથી વધુ વેગ આપવા ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્‍સીલ (GEPC)ની સ્થાપના કરવાની જાહેરાત કરું છું.

​રાજ્યએ ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ અને ઈઝ ઓફ લિવિંગને વધુ સશક્ત બનાવવા ગુજરાત જન વિશ્વાસ(જોગવાઇઓમાં સુધારા) અધિનિયમ, ૨૦૨૫ અમલમાં મૂક્યો છે. જેમાં ૧૧ અધિનિયમો તથા ૫૧૬ જોગવાઇઓમાં હકારાત્મક કાયદાકીય સુધારાઓ કરવામાં આવ્યાં છે. આ સરળીકરણના લીધે ઉત્પાદક, વેપારી અને ઔદ્યોગિક કામદારોનો શાસન પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.

રાજ્ય સરકાર આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે “વોકલ ફોર લોકલ”ની પહેલ હેઠળ તમામ જિલ્લાઓનાં ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોના સંતુલિત પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપી રહી છે. ભારત સરકાર દ્વારા રાજ્યના હાથશાળ-હસ્તકલાના અને ગ્રામોદ્યોગના ૯૦ જેટલા ઉત્પાદનોને “એક જિલ્લો, એક ઉત્પાદન” અંતર્ગત પસંદ કરવામાં આવ્યાં છે. આ ચીજવસ્તુઓ તૈયાર કરનાર કારીગરોને તેના વેચાણ માટે સ્વદેશી હાટ અને ઇ-કોમર્સ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે.

જગતના તાત એવા અન્નદાતા માટે કુદરતી આફતો જેવા કઠિન સમયમાં રાજ્ય સરકાર હરહંમેશ તેમની પડખે ઊભી રહી છે.

રાજ્યમાં આવેલ પૂર અને કમોસમી વરસાદને પરિણામે ખેડૂતોને થયેલા નુકસાનમાં મદદરૂપ થવા ₹૧૧ હજાર કરોડથી વધુના કૃષિ રાહત પેકેજથી ૩૩ લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સહાય પહોંચાડવામાં આવેલ છે.

“વાવણીથી વેચાણ સુધી” ખેડૂતની સાથે રહી તેને ચડ-ઉતર થતા બજારના ભાવોમાં મદદ કરવા ૯ લાખ ૫૦ હજારથી વધુ ખેડૂતો પાસેથી ₹૧૮ હજાર કરોડથી વધુની મગફળી, મગ, અડદ, સોયાબીન અને કપાસની ટેકાના ભાવે ખરીદી કરેલ છે.

ખેડૂતોને ખેતીક્ષેત્રે થતો ખર્ચ ઘટાડવા તેમજ પાક ઉત્પાદન અને આવક વધારવા યાંત્રિકીકરણનું મહત્વ છે. ટ્રેકટર, પાવરટીલર, સીડડ્રીલ, હાર્વેસ્ટર જેવા યંત્રો દ્વારા ખેતીકામમાં ઝડપ અને ચોકસાઇ આવે છે. નાના-સીમાંત સહિતના ખેડૂતો માટે કૃષિ યાંત્રિકીકરણના વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા ₹૧૫૬૫ કરોડની જોગવાઇ સૂચવું છું.

વધુમાં વધુ ખેડૂતો પાકૃતિક ખેતી અપનાવે તે માટે અમારી સરકાર પ્રતિબદ્ધ છે. જેનો વ્યાપ વધારી પ્રોત્સાહન આપવા સેન્ટર ઓફ એક્સલન્સ ઊભા કરવા, બજાર સુવિધા ઉપલબ્ધ કરાવવા, માર્કેટીંગ અને બ્રાન્‍ડ પ્રમોશન તથા હેન્ડ હોલ્ડીંગ અને સર્ટીફીકેશન સહાય માટે ₹૩૯ કરોડની જોગવાઇ સૂચવું છું.

​રાજ્યમાં ડાંગર, કઠોળ, તેલીબિયાં, ફાર્મ મિકેનાઇઝેશન, વેલ્યુ એડીશન અને એગ્રો પ્રોસેસીંગ માટે છ (૬) સેન્ટર ઓફ એક્સલન્સ કેન્દ્ર ઊભા કરવાનું આયોજન છે. જેના માટે ₹૧૨ કરોડની જોગવાઇ સૂચવું છું.

રાજ્યમાં બાગાયત ક્ષેત્ર હેઠળનો વિસ્તાર છેલ્લા બે વર્ષમાં લગભગ બે લાખ હેક્ટરથી વધુ વિસ્તર્યો છે અને ફળ-શાકભાજી સહિતનું કુલ ઉત્પાદન ૨૧ લાખ મેટ્રિક ટનથી વધુ થયું છે. રાજ્યના ખેડૂતોને ઓછા ખર્ચની સામે આવક વધારતાં “પર ડ્રોપ મોર ક્રોપ” સૂક્ષ્મ સિંચાઇ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ ૨૫ લાખ હેકટર વિસ્તાર આવરી લેવાયેલ છે. બાકી રહેતા વિસ્તાર માટેનું કામ પ્રગતિ હેઠળ છે.

દરિયામાં વહી જતાં નર્મદાના પાણીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સુકા પ્રદેશમાં વાળવા સુજલામ સુફલામ પાઇપ લાઇન યોજના માટે ₹૧૨૩૭ કરોડ, સૌની યોજના માટે ₹૪૭૩ કરોડ તથા કચ્છની યોજના માટે ₹૧૩૩૩ કરોડ એમ કુલ ₹૩૦૪૩ કરોડની જોગવાઇ સૂચવું છું.

અમદાવાદ જિલ્લાના નળકાંઠા વિસ્તારના છેવાડાના ગામોને પાઇપલાઇન અને કેનાલ મારફતે સિંચાઇ સુવિધા પૂરી પાડવાનું પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયેલ છે અને બીજા તબક્કાનું કામ શરૂ કરવામાં આવેલ છે. જેના માટે ₹૯૫૮ કરોડની જોગવાઇ સૂચવું છું.

રાજ્યના મત્સ્ય અને પશુપાલન ક્ષેત્રને આવક, રોજગાર અને પોષણનો મજબૂત આધાર બનાવવા અમારી સરકાર પ્રતિબદ્ધ છે. રાજ્યની હાલની મત્સ્ય પેદાશનું ઉત્પાદન અને નિકાસ વધારવાના લક્ષ્ય માટે માળખાકીય સુવિધા, સાધન સહાય અને સ્ટોરેજ માટે ₹૧૩૪૦ કરોડની જોગવાઇ સૂચવું છું.

પશુઓના સંવર્ધન, સંરક્ષણ, રોગ નિદાન અને તેને લગતી માળખાકીય સુવિધાઓમાં સહાય આપી દેશના દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો ૧૦%થી વધુ લઇ જવાનું આયોજન છે.

​રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલ ગૌ માતા પોષણ યોજના ગાયોના સંરક્ષણ, ગૌસંવર્ધન તથા ગૌકલ્યાણ પ્રત્યે રાજ્યની પ્રતિબદ્ધતાનું સ્પષ્ટ પ્રતિબિંબ છે. જેના માટે ₹૫૦૦ કરોડની જોગવાઇ કરું છું.

​ખેડૂતો, પશુપાલકો અને સાગરખેડૂઓ પોતાની પ્રવૃત્તિઓ સમયસર કરી શકે તે માટે કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત વ્યાજ સહાય આપવા ₹૧૫૩૯ કરોડની જોગવાઇ કરું છું.

સહકારી મંડળીઓને બહુહેતુક કાર્ય કરવા સક્ષમ બનાવવામાં આવશે. જેમાં અનાજ સંગ્રહથી લઇને રાજ્યના ૪ ઝોનમાં બાયો સીએનજી પ્લાન્‍ટની સ્થાપના કરવામાં આવશે. જેનાથી પશુપાલકોને પૂરક આવક તેમજ વાહનો માટે ગ્રીન ફ્યુઅલ ઉપલબ્ધ થશે. જેના માટે ₹૧૧૨ કરોડની જોગવાઇ સૂચવું છું.

GYAN ના ચાર આધાર સ્તંભો પૈકી એક સ્તંભ એવી નારીશક્તિની ભૂમિકા વિકસિત ગુજરાતના નિર્માણમાં અગત્યની છે.

મહિલા સશક્તિકરણને આર્થિક સ્વાવલંબન સાથે જોડવાના દૃઢ સંકલ્પ સાથે રાજ્ય સરકાર દ્વારા ‘લખપતિ દીદી’ અભિયાનને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં મહિલાઓ દ્વારા સંચાલિત સ્વ-રોજગાર પ્રવૃત્તિઓને વિસ્તૃત કરવા, નવા વ્યવસાય શરૂ કરવા અને હાલના વ્યવસાયોને સ્કેલ-અપ કરવા ₹૪૭ કરોડની જોગવાઇ સૂચવું છું.

સખી મંડળ સ્વ-સહાય જૂથો આજે મહિલા સશક્તિકરણનો સૌથી મજબૂત આધાર બન્યા છે. સ્વ-સહાય જૂથના વ્યવસાયને વિસ્તારવા અને સ્કેલ-અપ કરવા બેંક લોન પર વ્યાજ સહાય અને પ્રોત્સાહક સહાય આપવા ₹૪૫ કરોડની જોગવાઇ કરું છું.

૩ થી ૬ વર્ષનાં બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તેમજ બાળકો, કિશોરીઓ અને સગર્ભા ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા પૂરક પોષણ યોજના અંતર્ગત ₹૯૭૨ કરોડની જોગવાઇ સૂચવું છું.

નમો લક્ષ્મી યોજનાના અસરકારક અમલીકરણથી ધોરણ ૯ થી ૧૨માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓના શાળા પ્રવેશમાં છેલ્લા બે વર્ષમાં નોંધપાત્ર વધારો થયેલ છે. જેના માટે ₹૧૨૫૦ કરોડની જોગવાઇ કરું છું.

મહિલા પ્રતિનિધિત્વને પ્રોત્સાહિત કરવા રાજ્યની ITIમાં અભ્યાસ કરતી તમામ દિકરીઓ માટે નવી “નમો કૌશલ્ય લક્ષ્મી યોજના” જાહેર કરું છું. જેના માટે ₹૪૦ કરોડની જોગવાઇ સૂચવું છું.​

વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે DBT માધ્યમથી માસિક સહાય મળી રહે તે માટે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અમલી છે. જેના માટે ₹૨૮૪૮ કરોડની જોગવાઇ સૂચવું છું.

રાજ્ય સરકાર દ્વારા ૧૦૯૧ મહિલા હેલ્પલાઇન, મહિલા પોલીસ સ્ટેશનો અને CCTV નેટવર્ક દ્વારા મહિલાઓની સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી છે.

રાજ્યના સર્વાંગી વિકાસને ગતિ આપવા તેમજ વિકસિત ગુજરાત@૨૦૪૭ના લક્ષ્યને સાકાર કરવા ગુજરાત રાજ્ય ઇન્‍સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્‍સફોર્મેશન(GRIT)ની રચના કરવામાં આવેલ છે. GRIT દ્વારા-Infrastructure, Innovation, Individuals અને Institutions - આ ચાર આયામો પર આધારિત લાંબાગાળાનું અને પરિણામલક્ષી વિકાસનું આયોજન થઇ રહ્યું છે.

રાજ્યમાં સર્વાંગી અને સંતુલિત વિકાસ માટે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો વિસ્તાર અને કચ્છ એમ ૬ (છ) ક્ષેત્ર માટે ઇકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર કર્યાં છે. જે અંતર્ગત દરેક ક્ષેત્રની જરૂરિયાત મુજબ પ્રોજેક્ટ તૈયાર કરેલ છે. જેનાથી આર્થિક પ્રવૃત્તિઓ, રોજગાર સર્જન અને મૂડી રોકાણને પ્રોત્સાહન મળશે. જેના માટે ₹૨૦૦૦ કરોડની જોગવાઇ કરું છું.

માનનીય વડાપ્રધાનના વિકસિત ભારત@૨૦૪૭ના સંકલ્પને પરિપૂર્ણ કરવા ગુજરાત સરકાર આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે.

૫૦ હજાર કરોડના વિકસિત ગુજરાત ફંડ મારફતે વિકાસ કાર્યોને ગતિ આપવાનો સરકારનો દ્રઢ સંકલ્પ છે. જેના ભાગરૂપે આ વર્ષે વિકસિત ગુજરાત ફંડમાં ₹૧૦ હજાર કરોડની જોગવાઇ કરું છું. વિકસિત ગુજરાત ફંડ હેઠળ રાજ્યના વિકાસ માટે લાંબાગાળાના અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે.

રાજ્યના મહત્વના સ્થળોને જોડતા નમો શક્તિ એકસપ્રેસ વે તેમજ સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે પ્રોજેકટ માટે વધુ ₹૩૦૦૦ કરોડની જોગવાઇ કરું છું. આ પ્રોજેકટ સંસ્કૃતિ અને પ્રવાસનનો સંગમ ધરાવતો હાઇવે બની રહેશે.

ધોલેરા અને સાણંદ ખાતે વિકસતા સેમીકોન હબ ગુજરાતને Chip ઉત્પાદન ક્ષેત્રે વિશ્વના નકશામાં મહત્ત્વનું સ્થાન પ્રદાન કરી રહ્યાં છે. જે ભારતની સેમીકોન આત્મનિર્ભરતાનો મુખ્ય આધારસ્તંભ બનશે.

ધોલેરા SIR ખાતે ફેઝ-૧ હેઠળ લોજિસ્ટિક એન્‍ડ ટ્રંક ઇન્‍ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં, ધોલેરા એરપોર્ટ, આધુનિક માર્ગો, પાણી અને વેસ્ટવોટર ટ્રીટમેન્ટ, અંડરગ્રાઉન્ડ વીજ વિતરણ તથા સ્માર્ટ ICT સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. જેનાથી ધોલેરા ભવિષ્યના ઉદ્યોગ, નવીનતા અને રોજગારનું વૈશ્વિક કેન્દ્ર બનશે. જેના માટે વિકસિત ગુજરાત ફંડ સહિત કુલ ₹૬૧૦ કરોડની જોગવાઇ સૂચવું છું.

વિકસિત ગુજરાત@૨૦૪૭ના લક્ષ્યને પૂર્ણ કરવા અમારી સરકાર અતિ મહત્વપૂર્ણ પ્રોજેકટ પર કામ કરી રહી છે. જે તરફ ગૃહનું સવિશેષ ધ્યાન દોરું છું. જેમાં; રાજ્યના વિવિધ જળાશયો અને નહેરોની જળસપાટીનો મહત્તમ ઉપયોગ કરવાના હેતુથી કડાણા ડેમમાં નવતર ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટ સ્થાપવાનું આયોજન છે. જેના માટે ₹૧૫૦ કરોડની જોગવાઇ કરું છું.

આત્મનિર્ભર ભારતની પહેલને સાકાર કરવા રાજ્ય પાસે સંગ્રહિત પરંતુ હાલમાં વણવપરાયેલ વિપુલ ખનીજ સંસાધનો અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગથી મેળવવામાં આવશે. જે પૈકી અંબાજી કોપર પ્રોજેક્ટ ગુજરાતની પ્રથમ ભૂગર્ભ કોપર-લેડ-ઝીંક ખાણ બનશે. જે આયાતની નિર્ભરતા ઘટાડશે. આ માટે ₹૬૧૩ કરોડની જોગવાઇ કરું છું.

​તેમજ અંડરગ્રાઉન્ડ કોલ ગેસિફિકેશન પદ્ધતિથી લિગ્નાઇટમાંથી ગેસનું ઉત્પાદન કરવાનું આયોજન છે. જેનાથી પ્રદૂષણની સમસ્યાઓને હલ કરવામાં મદદ મળશે. જેના માટે ₹૩૦૦ કરોડની જોગવાઇ સૂચવું છું.

Gujarat Unified Digital Stackની પહેલ દ્વારા રાજ્યના નાગરિકોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પરથી સરકારી સેવાઓ ઝડપથી મળશે. જેમાં અલગ અલગ સેવાઓ માટે પૂરા પાડવાના થતાં દસ્તાવેજોનું પુનરાવર્તન ઘટવાથી સમય અને ખર્ચનો બચાવ થશે. જેના માટે ₹૧૦૦ કરોડનું આયોજન છે.

રાજ્યની વીજ વિતરણ કંપનીઓની કાર્યક્ષમતાને ધ્યાને લઇ ૧૬મા નાણાપંચે પોતાના અહેવાલમાં ગુજરાત વીજ વ્યવસ્થાને સમગ્ર ભારતમાં શ્રેષ્ઠ ગણાવી છે.

રાજ્યના શહેરી વિસ્તારોમાં હયાત ઓવરહેડ વીજ લાઇનોને અંડરગ્રાઉન્‍ડ કેબલમાં રૂપાંતર કરવા “ગુજરાત વાયર-ફ્રી સીટી મિશન” અંતર્ગત ₹૫૦૦ કરોડની જોગવાઇ સૂચવું છું.

રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ સરહદી વિસ્તારમાં ઓવરહેડ લાઈનના માળખાને અત્યાધુનિક એલિવેટેડ કેબલ નેટવર્કમાં રૂપાંતરિત કરવા માટે ₹૧૦૦ કરોડની જોગવાઇ કરું છું.

​ભૂકંપ, પૂર અને વાવાઝોડા જેવી આપત્તિઓની અસર ઘટાડવા માટે State Disaster Mitigation Fundની વ્યવસ્થા કરેલ છે. જેના માટે ₹૧૮૫૫ કરોડનું આયોજન છે.

​રાજ્યની ૪૮% થી વધુ વસ્તી શહેરોમાં વસે છે. આજે ઉદ્યોગ, વેપાર અને સેવાક્ષેત્રના વિસ્તરણથી શહેરો ઝડપથી વિકસી રહ્યાં છે. આવાસ યોજના, સ્માર્ટ સીટી અને માળખાકીય સુવિધાઓથી શહેરી વિસ્તારનો વ્યાપ વધ્યો છે અને પરિવહન, સંચાર અને ડિજિટલ સુવિધાઓના વિકાસથી શહેરો જોડાયા છે.

નાગરિક સેવાઓને વિશ્વસ્તરીય બનાવવા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ હાલની જોગવાઇમાં લગભગ ૧૭% જેટલો વધારો કરી ₹૧૬ હજાર ૧૧૬ કરોડની જોગવાઇ કરું છું.

રાહદારીઓની પરિવહન કાર્યક્ષમતામાં સુધારો કરી સુલભ શહેરી ગતિશીલતાને પ્રોત્સાહન આપવા શહેરો અને નગરપાલિકાઓમાં ₹૧૦૦ કરોડના ખર્ચે સ્માર્ટ પાર્કીંગ બનાવવાનું આયોજન છે.

રાજ્યમાં આવેલ મોટા શહેરો પરનું ભારણ ઘટે અને રોજગારીની નવી તકો ખુલે તે હેતુથી મુખ્ય શહેરોની નજીક આધુનિક સુવિધાઓ સાથે પાંચ નવા સેટેલાઇટ ટાઉન વિકસાવવામાં આવશે. જેમાં કલોલ, સાણંદ, સાવલી, બારડોલી અને હિરાસરના વિકાસનું આયોજન છે. જેને રીજનલ રેપિડ ટ્રાન્‍ઝીટ સિસ્ટમથી મોટા શહેરો સાથે જોડવામાં આવશે.

​ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ની યજમાનીથી રાજ્યની વૈશ્વિક ઓળખમાં વધારો થયો છે. જેનાથી રમતગમત, પ્રવાસન, હોટેલ, ટ્રાન્સપોર્ટ અને અન્ય સેવા ક્ષેત્રોમાં રોકાણ વધવાથી રોજગારીની વિશાળ તકો સર્જાશે. તેમજ આધુનિક સ્ટેડિયમ, માર્ગ, મેટ્રો અને શહેરી સુવિધાઓથી સજ્જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું લાંબાગાળા માટે નિર્માણ થશે.

​આગામી કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ના આયોજન માટે અમદાવાદ શહેરને “ઓલિમ્પિક રેડી સીટી” બનાવવામાં આવશે. જેના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટસ કોમ્પ્લેક્સ અને સ્ટેડિયમ સ્થાપી તેને આધુનિક જાહેર પરિવહન સુવિધાઓ સાથે વિકસાવવામાં આવશે. જેના માટે કુલ ₹૧૨૭૮ કરોડની જોગવાઇ સૂચવું છું.

ઘર સુધી નિયમિત ગુણવત્તાયુકત પાણી પહોંચાડવું એ અમારી સરકારની પ્રતિબદ્ધતા છે. ૩૨ શહેરી સ્થાનિક સંસ્થાઓના વિસ્તારોમાં પાણી પુરવઠા વ્યવસ્થા મજબૂત બનાવવા મિશન-દૈનિક પાણી પુરવઠો- “જીવન ધારા” અમલમાં મૂકવામાં આવશે. જેના માટે ₹૧૦૦ કરોડની જોગવાઇ કરું છું.

ગુજરાત “ડમ્પ ફ્રી” રાજ્ય બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. જેના ભાગરૂપે ડમ્પ સાઇટ પર સંગ્રહિત ૨૫૩ લાખ મેટ્રીક ટનથી વધુ કચરાને વૈજ્ઞાનિક રીતે દૂર કરેલ છે. તેમજ બાકી રહેતી તમામ સાઇટને ડમ્પ ફ્રી કરી તેનો ઉપયોગ જાહેર હેતુ માટે કરવાનું આયોજન છે.

​મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગામ અને તેના પરાઓના જોડાણ તેમજ રસ્તાઓના રખરખાવ તથા કોઝવેના સ્થાને ઊંચા પુલ બનાવવાની કામગીરી કરવામાં આવે છે. જે માટે ₹૫૬૦૦ કરોડની જોગવાઇ સૂચવું છું.

રાજ્યના અલગ અલગ વિસ્તારોના આશરે ૧૧૫૫ કિ.મી. લંબાઈના રસ્તાઓને ‘ગરવી ગુજરાત હાઈ-સ્પીડ કોરિડોર’ તરીકે ઘોષિત કર્યા છે. જે રાજ્યના સર્વાંગી વિકાસ, રોજગાર અને આધુનિક ઇન્‍ફ્રાસ્ટ્રકચરની દિશામાં મહત્વપૂર્ણ કડી છે. જેના માટે ₹૮૦૦ કરોડની જોગવાઇ સૂચવું છું. ​

ગુજરાત આજે ઔદ્યોગિક રાજ્યની સાથે ધાર્મિક અને આધુનિક પ્રવાસનનું વૈશ્વિક કેન્દ્ર બની રહ્યું છે. વર્ષ ૨૦૨૫-૨૬માં ૨૨ કરોડથી વધુ પ્રવાસીઓ રાજ્યના મહેમાન બન્યા છે.

​ગુજરાત પાસે સફેદ રણના સૌંદર્યથી દરિયાના ઘૂઘવતાં મોજા સુધી, સૂર્યમંદિરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી, ગીરની ગર્જનાથી સોમનાથ સુધી પ્રકૃતિનું વૈવિધ્ય અને સંસ્કૃતિનો અદ્વિતીય સંગમ છે. ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ફલક પર પ્રસ્થાપિત કરવા વર્ષ ૨૦૨૬ને “ગુજરાત પ્રવાસન વર્ષ” તરીકે ઉજવવાની જાહેરાત કરું છું.

દેશની એકતા અને અખંડિતતાના પ્રતિક સમા ગુજરાતના સપૂત એવા સરદાર વલ્લભભાઇ પટેલની જયંતીના ઉપલક્ષ્યમાં ‘સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ’ યોજાઈ. જે દેશના યુવાનોમાં દેશભક્તિ, એકતા અને જવાબદારીની ભાવનાને મજબૂત બનાવશે.

​વિશ્વના આઇકોનિક પ્રવાસન સ્થળ તરીકે 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ઉભરી આવ્યું છે. જેના કારણે પરિવહન, હોસ્પિટાલિટી અને હસ્તકળા જેવા ક્ષેત્રોમાં રોકાણને મોટો વેગ મળ્યો છે. જેણે સ્થાનિક આદિવાસી સમુદાય માટે વિશાળ રોજગારીની તકોનું સર્જન કર્યું છે. આ વિસ્તારની આંતરમાળખાકીય સુવિધાઓ વધારવા માટે ₹૨૩૬ કરોડની જોગવાઇ કરું છું.

સમગ્ર ભારતવર્ષની આન, બાન, શાન અને સ્વાભિમાનનું પ્રતિક એટલે સોમનાથ. વારંવાર થયેલા હુમલા છતાં પણ ૧ હજાર વર્ષ પૂર્વેથી સોમનાથ મંદિર લોકોની અતૂટ આસ્થાના કારણે આજે પણ ગર્વભેર અડીખમ ઊભું રહ્યું છે. આ અવસરને માનનીય વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ કરાયેલ “સોમનાથ સ્વાભિમાન પર્વ”ની ઉજવણી સમગ્ર વર્ષ દરમિયાન કરવાનું આયોજન છે.

અમારી સરકારે સોમનાથ જેવી પવિત્ર વિરાસત સાથે વિકાસને જોડીને “વિકાસ ભી, વિરાસત ભી”ના મંત્રને સાકાર કર્યો છે. માનનીય વડાપ્રધાનના ‘વન સ્ટેટ : વન ગ્લોબલ ડેસ્ટિનેશન’ના વિઝનને સાકાર કરવા સોમનાથને ‘ગ્લોબલ ડેસ્ટિનેશન' તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવેલ છે.

ગુજરાતની પવિત્ર ધરા પર હજારો વર્ષ જૂની સિંધુ સંસ્કૃતિના સાક્ષી એવા લોથલ અને ધોળાવીરા વિશ્વભરના પ્રવાસીઓ માટે નવા આકર્ષણના કેન્‍દ્ર બન્યાં છે. માનનીય વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ એવા ભારતની પ્રાચીન સંસ્કૃતિની અનુભૂતિ કરાવતું “નેશનલ મેરીટાઇમ હેરીટેજ મ્યુઝિયમ” લોથલ ખાતે નિર્માણ પામી રહ્યું છે. રાજ્યના પ્રવાસન સ્થળો ખાતે એક હજાર ટુરિસ્ટ ગાઇડને તાલીમ આપી તૈયાર કરવાનું આયોજન છે. ઉપરોક્ત આયોજનો માટે કુલ ₹૯૫ કરોડની જોગવાઇ સૂચવું છું.

રાજ્યની પરંપરા, મહેમાનગતિ અને ઐતિહાસિક ભવ્યતા સાથે “વેડ ઇન ગુજરાત(Wed in Gujarat)” કેમ્પેઇન દ્વારા ગુજરાતની વેડીંગ ડેસ્ટીનેશન તરીકે આગવી ઓળખ ઊભી કરવામાં આવશે.

અંબાજી યાત્રાધામના સર્વાંગી વિકાસ માટે “અંબાજી કોરીડોર માસ્ટરપ્લાન” અંતર્ગત ₹૩૦૦ કરોડની જોગવાઇ સૂચવું છું.

પવિત્ર યાત્રાધામ બહુચરાજીના નવનિર્માણ, જૂનાગઢના ગીરનાર ખાતે યોજાતા મહાશિવરાત્રીના મેળામાં અને માઁ નર્મદાની પરિક્રમા માટે આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે ₹૫૫ કરોડની જોગવાઇ સૂચવું છું.

સોમનાથ અને શિવરાજપુર બીચ પ્રવાસીઓ માટે વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે આકર્ષક પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસી રહ્યાં છે. તેમજ વિસાવડા-પોરબંદર ખાતે સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા કુલ ₹૬૦ કરોડની જોગવાઇ કરું છું.

રાજ્યના પવિત્ર યાત્રાધામ સોમનાથ અને અંબાજી ખાતે આઇકોનિક બસ સ્ટેશન તેમજ અન્ય સ્થળોએ બસ સ્ટેશન બનાવવામાં આવશે અને સોમનાથ મુકામે મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબના ધોરણે અદ્યતન સુવિધા ધરાવતું બસ પોર્ટનું નિર્માણ કરવામાં આવશે. જેના માટે ₹૪૪૭ કરોડનું આયોજન છે.

જાહેર પરીવહનમાં નાગરિકોની સલામતી અને સગવડતાને ધ્યાને લઇ આધુનિક ટેકનોલોજી ધરાવતી ૨૪૬૩ જેટલી નવી બસો, જેમાં ૫૦૦ AC ઈલેકટ્રીક બસો મૂકવાનું આયોજન છે. તેમજ આદિજાતિ વિસ્તારમાં વસતાં ભાઇ-બહેનો, વિદ્યાર્થીઓ તથા ઔદ્યોગિક વિસ્તારોમાં કામ અર્થે આવતા શ્રમિકો માટે ૫૦૦ મીડી બસ મૂકવામાં આવશે. જેના માટે કુલ ₹૧૨૮૬ કરોડની જોગવાઇ કરું છું.

​કચ્છ અને અન્ય વન વિસ્તારમાં ગાંડા બાવળને દૂર કરી તેના સ્થાને બામ્‍બૂ(વાંસ) સહિત અન્ય સ્થાનિક વૃક્ષોનું વાવેતર કરવા તેમજ કચ્છના બન્ની ઘાંસીયા મેદાનમાં ગ્રાસલેન્‍ડ રીસ્ટોરેશન માટે ₹૯૭ કરોડની જોગવાઇ સૂચવું છું.

અરવલ્લી પર્વતમાળાની આસપાસ ગ્રીન બેલ્‍ટ બનાવવાના હેતુથી તેમજ રાજ્યની પ્રમુખ નદીઓના બંને કાંઠે વૃક્ષોના સઘન વાવેતર થકી ધોવાણ અટકાવવા માટે ₹૩૨ કરોડની જોગવાઇ સૂચવું છું.

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો, મધ્યમ વર્ગ અને ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને તાજેતરમાં મહત્વના નીતિગત નિર્ણયો લેવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીની નવી, અવિભાજ્ય કે પ્રતિબંધિત શરતની જમીનો હવે સ્વમેળે 'જૂની શરત'ની ગણાશે. આનાથી ખેડૂતોને પ્રીમિયમ ભરવામાંથી મુક્તિ મળશે.

​કાયદો અને વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા તેમજ માર્ગ સલામતીના પગલા વધારવા રાજ્યની કટોકટી સેવાઓને ડાયલ-૧૧૨ જનરક્ષક પ્રોજેકટ હેઠળ આવરી લીધેલ છે. જેથી ઇમરજન્‍સી રિસ્પોન્‍સ સમયમાં વધુ ઘટાડો થશે. જેના અસરકારક અમલીકરણ માટે વિવિધ સંવર્ગનું ત્રણ હજાર માનવબળ ઊભુ કરવાનું આયોજન છે.

​ગુજરાત પોલીસ માટે Data Fusion Centre & Centre of Excellence for AI in Policingની સ્થાપના કરવામાં આવશે. જે તમામ મહત્વપૂર્ણ પોલીસ ડેટાનું સંકલન કરી વિશ્લેષણ કરશે. આ પ્રોજેકટ માટે ₹૬૦ કરોડની જોગવાઇ સૂચવું છું.

​રાજ્યના કાયદો અને વ્યવસ્થા તેમજ પ્રજાજનોની સુરક્ષા માટે સતત ખડેપગે રહેતા પોલીસ કર્મચારીઓ માટે અત્યાધુનિક ટેકનોલોજીથી આગામી પાંચ વર્ષમાં ૨૦,૪૪૪ જેટલા રહેણાક મકાનો પૂરા પાડવા માટેનું આયોજન છે. જે માટે આ બજેટમાં ₹૧૫૭૧ કરોડની જોગવાઇ સૂચવું છું.

PMJAY ના ધોરણે રાજ્ય સરકારના ૬ લાખ ૪૦ હજાર જેટલા કર્મયોગીઓ તેમજ પેન્‍શનરોને ₹૧૦ લાખ સુધીની કેશલેશ તબીબી સારવારનું સ્વાસ્થ્ય સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવી રહ્યું છે.

​માનનીય મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના નેતૃત્વમાં અમારી સરકાર “અર્નિંગ વેલ-લીવીંગ વેલ” પર ફોકસ કરીને આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે.

​માનનીય વડાપ્રધાનના દિશાદર્શનમાં અમારી સરકારનું સર્વગ્રાહી અને સર્વ સમાવેશી અભિગમ અપનાવતું પાંચ સ્તંભ-સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતર માળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ પર આધારિત વર્ષ ૨૦૨૬-૨૭નું ₹૪ લાખ ૮ હજાર ૫૩ કરોડનું (₹૪,૦૮,૦૫૩ કરોડ) વિક્રમી અંદાજપત્ર આ સન્માનનીય ગૃહ સમક્ષ હું રજૂ કરું છું.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now