Home International Gujarat Ats Raids Busy Md Drugs Factory In Jodhpur

જોધપુરમાં ધમધમતી MD ડ્રગ્સ ફેક્ટરી પર ગુજરાત ATS નો દરોડો : કરોડોનું ડ્રગ્સ જપ્ત, 6 લોકો ઝડપાયા

જોધપુરમાં ધમધમતી MD ડ્રગ્સ ફેક્ટરી પર ગુજરાત ATS નો દરોડો
Published by: OBS Bureau
Last Updated: Dec 08, 2025, 06:00 AM IST

Gujarat ATS raids in Drug Factory Rajasthan: ગુજરાત ATSની ટીમે રાજસ્થાનમાં મોટી કામગીરી કરી છે. ATSના એસીપી શંકર ચૌધરીના માર્ગદર્શન હેઠળ ટીમે જોધપુર જિલ્લાના સોઇંત્રા ગામની સીમમાં ચાલી રહેલી MD ડ્રગ્સની ભૂગર્ભ ફેક્ટરી પર દરોડો પાડી 40 કિલો લિક્વીડ MD ડ્રગ્સ જપ્ત કર્યા છે. સાથે જ આ ફેક્ટરી ચલાવતા 6 યુવાનોને પણ ઝડપવામાં આવ્યા છે. હાલની તપાસ રાજસ્થાન પોલીસ કરી રહી છે, જ્યારે મામલામાં ઇન્ટરનેશનલ ડ્રગ રેકેટ જોડાયેલ હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગુજરાત ATSના એક જૂના ડ્રગ્સ કેસમાં વોન્ટેડ આરોપી ‘મોનું’ ને ઝડપી લેવા માટે ટીમ રાજસ્થાન પહોંચી હતી. અગાઉ ગુજરાત ATS એ 38 કરોડ રૂપિયાનું MD ડ્રગ્સ ઝડપી લીધું હતું અને આ કેસમાં મોનું મુખ્ય આરોપી તરીકે ફરાર હતો. ATS સતત મોનું પર નજર રાખી રહી હતી ત્યારે સૂત્રોથી માહિતી મળી કે મોનું જોધપુર ગ્રામ્ય વિસ્તારમાં સક્રિય છે. તેના મોબાઈલનું લોકેશન પણ સોઇંત્રા ગામ નજીક મળી આવતા ATS ની ટીમ રાજસ્થાન પોલીસ સાથે સંકલન કરીને મોટી કાર્યવાહી માટે તૈયાર થઈ.
જ્યારે પોલીસે સોઇંત્રા ગામની ખેતરની બાજુ એક શેડને ચેક કર્યું ત્યારે અંદર સક્રિય રીતે ચાલતી MD ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી બહાર આવી. પોલીસે ત્યાંથી મોનું સહિત 6 આરોપીઓને ઝડપી લીધા. ફેક્ટરીમાંથી 40 કિલો લિક્વિડ MD ડ્રગ્સ અને મોટા પ્રમાણમાં રૉ મટીરીયલ કબજે કરવામાં આવ્યું છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેંગના 6 સભ્યો પેડલર તરીકે કામ કરતા હતા અને ડ્રગ્સની મોટી સપ્લાય ચેઈન ચલાવતા હતા. હવે ATS અને રાજસ્થાન પોલીસ સપ્લાયરો સાથે જોડાયેલા લોકો અને તેમની નેટવર્કની માહિતી તપાસી રહી છે. તપાસમાં ઇન્ટરનેશનલ લિંક સામે આવવાની પૂરી શક્યતા છે. સાથે જ મોનું જોડાયેલા જૂના ગુજરાતનાં ડ્રગ્સ કેસ અને જોધપુર ફેક્ટરીકેસ વચ્ચે સીધો કનેક્શન જોવા મળ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now