ગુજરાત વિધાનસભાનું આજનું સત્ર રાજ્યના સામાજિક અને આર્થિક માળખા માટે અત્યંત નિર્ણાયક સાબિત થવા જઈ રહ્યું છે. આજના કામકાજમાં સૌથી મહત્વનું આકર્ષણ ‘ગુજરાત સમાન નાગરિક સંહિતા (UCC) બિલ’ છે, જે ગૃહમાં રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત, રાજ્યના નાણાકીય વ્યવહારને લગતા વિનિયોગ વિધેયકો અને વિવિધ વિભાગોના વાર્ષિક અહેવાલો પર પણ વિસ્તૃત ચર્ચા હાથ ધરવામાં આવશે.
UCC બિલ: લગ્ન નોંધણી અને દંડની જોગવાઈ
UCCના પ્રસ્તાવિત ડ્રાફ્ટમાં વ્યક્તિગત કાયદાઓને સમાન બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ બિલની મુખ્ય જોગવાઈઓ નીચે મુજબ છે:
ફરજિયાત લગ્ન નોંધણી: રાજ્યમાં દરેક લગ્નની નોંધણી કરાવવી હવે ફરજિયાત બનશે.
દંડની જોગવાઈ: જો નિર્ધારિત સમયમાં નોંધણી કરવામાં નહીં આવે, તો લગ્ન અમાન્ય તો નહીં ગણાય, પરંતુ રૂ. 10,000 થી રૂ. 25,000 સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે.
જૂના લગ્ન: UCC લાગુ થયા પહેલા થયેલા લગ્નો માટે પણ નોંધણીની એક વિશેષ પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે.
શું છે UCC ના નવા ડ્રાફ્ટમાં?
નવા ડ્રાફ્ટ મુજબ, હવે દરેક ધર્મના લોકો માટે 'એક જ લગ્ન'નો નિયમ લાગુ થશે. કુલ 2 ભાગ અને 7 પ્રકરણોમાં વહેંચાયેલા આ કાયદામાં લગ્નની નોંધણી (Registration) ફરજિયાત બનાવવામાં આવી છે. જોકે, નોંધણી ન કરાવવાથી લગ્ન અમાન્ય નહીં ગણાય, પરંતુ નિયત સમયમાં રજિસ્ટ્રેશન ન કરાવનાર પક્ષકારોને દંડ ભરવો પડશે. સામાજિક સ્થિરતા જાળવવા માટે લગ્નના એક વર્ષ સુધી છૂટાછેડાની અરજી કરી શકાશે નહીં. તે સાથે જ, સંતાનોના ભરણપોષણ અને કસ્ટડી માટે કડક જોગવાઈઓ કરવામાં આવી છે જેથી બાળકોનું ભવિષ્ય સુરક્ષિત રહે.
લિવ-ઈન રિલેશનશિપ માટે રજિસ્ટ્રેશન ફરજિયાત
UCC હેઠળ લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા યુગલો માટે નવા નિયમો અમલી બનશે. હવે આવા સંબંધોની સ્થાનિક રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવવી અનિવાર્ય રહેશે. જો કોઈ વિગતો છુપાવશે તો જેલ કે દંડની સજા થઈ શકે છે. મહત્વની વાત એ છે કે, લિવ-ઈન સંબંધોથી જન્મેલા બાળકોને પિતાની મિલકતમાં સમાન હક અને કાયદેસરની માન્યતા મળશે. સંબંધનો અંત લાવવા માટે પણ રજિસ્ટ્રાર પાસેથી પ્રમાણપત્ર મેળવવું જરૂરી બનશે.
મિલકત અને વારસામાં મહિલાઓને સમાન હક
વારસા હક બાબતે આ કાયદો ક્રાંતિકારી સાબિત થશે. અત્યાર સુધી ધર્મ મુજબ અલગ કાયદા હતા, પરંતુ હવે પુત્ર અને પુત્રી બંનેને પિતાની મિલકતમાં સમાન અધિકાર મળશે. વસિયતનામું (Will) બનાવવાની પ્રક્રિયા પણ સરળ કરવામાં આવી છે, જેનાથી કાયદાકીય વિવાદો ઘટશે અને મહિલાઓને આર્થિક સુરક્ષા મળશે.
આદિવાસી પરંપરાઓનું રક્ષણ
ગુજરાત સરકારે આ કાયદામાં સામાજિક વિવિધતાનું પૂરતું ધ્યાન રાખ્યું છે. અનુસૂચિત જનજાતિ (ST) અને ચોક્કસ વિશિષ્ટ સમુદાયોને તેમની પરંપરાઓ જાળવી રાખવા માટે આ કાયદાની કેટલીક જોગવાઈઓમાંથી મુક્તિ આપવામાં આવી છે. જો 25 માર્ચના રોજ વિધાનસભામાં આ બિલ પસાર થશે, તો ઉત્તરાખંડ બાદ ગુજરાત UCC લાગુ કરનાર દેશનું બીજું રાજ્ય બનશે.





