Home Gujarat Government Takes Action Over Threatening Mail To Schools

સ્કૂલોને ધમકીભર્યા મેલને લઈ સરકાર એક્શનમાં : તમામ પોલીસ વડા, કલેક્ટર, ડીઈઓ સાથે પ્રિન્સિપાલ સેક્રેટરીની બેઠક

સ્કૂલોને ધમકીભર્યા મેલને લઈ સરકાર એક્શનમાં
Published by: OBS Bureau
Last Updated: Feb 18, 2026, 05:43 AM IST

ગુજરાતમાં સ્કૂલોને મળેલા ધમકીભર્યા ઈ-મેલને લઈને રાજ્ય સરકાર સજાગ બની છે અને તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ છે. વિદ્યાર્થીઓની સુરક્ષા અને આવનારી બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખીને આજે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે. રાજ્યના પ્રિન્સિપાલ સેક્રેટરી સંજીવ કુમાર આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યભરના તમામ પોલીસ કમિશ્નર, કલેક્ટર, જિલ્લા શિક્ષણ અધિકારી (ડીઈઓ) અને એસપી સાથે ચર્ચા કરશે.

ચાલુ પરીક્ષા દરમિયાન જો કોઈ ધમકી મળે તો શું કરવું?

આ બેઠકમાં જી.એસ. મલિક, સુજીત કુમાર અને રોહિત ચૌધરી સહિતના અધિકારીઓ પણ જોડાશે. ચાલુ પરીક્ષા દરમિયાન જો કોઈ ધમકી મળે તો કઈ રીતે કામગીરી કરવી, સ્કૂલોની સુરક્ષા કેવી રીતે વધારવી અને વિદ્યાર્થીઓમાં ભય ન ફેલાય તે માટે શું પગલાં લેવા તે મુદ્દાઓ પર વિશેષ ચર્ચા થવાની છે.

બાળકો ચિંતામુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે ચર્ચા

આવનારી બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખીને સરકાર ખાસ પ્લાનિંગ કરી રહી છે, જેથી બાળકો ચિંતામુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે. સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે પરીક્ષા પહેલાં સ્કૂલોમાં ચેકિંગ કરવામાં આવશે અને ત્યારબાદ જ વિદ્યાર્થીઓને પરીક્ષાખંડમાં બેસાડવામાં આવશે. સરકારનો મુખ્ય ઉદ્દેશ એ છે કે કોઈ પણ અફવા અથવા ધમકીના કારણે વિદ્યાર્થીઓના મનમાં ભય ન ઊભો થાય અને તેઓ નિરાંતે પોતાની પરીક્ષા આપી શકે. રાજ્યભરના જિલ્લાઓમાં સંકલિત કામગીરી દ્વારા બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now