Gir Kesar Mango: ગુજરાતની ધરતી પર ઉગતી ગીરની ‘કેસર’ કેરી આજે માત્ર ઉનાળાની મીઠાશ પૂરતી સીમિત નથી રહી. તેના અનોખા સ્વાદ, સુગંધ અને ગુણવત્તાએ વિશ્વબજારમાં ભારતનું ગૌરવ વધાર્યું છે. GI ટેગ, આધુનિક નિકાસ ટેક્નોલોજી અને ડિજિટલ માર્કેટિંગના સહારે ગીરની આ કેરી હવે લંડનથી લઈને ન્યૂયોર્ક સુધીના બજારોમાં પોતાની આગવી ઓળખ બનાવી રહી છે.
ગીર કેસર: ગુજરાતની ઓળખ અને વૈશ્વિક બ્રાન્ડ
ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લાની ધરતી પર પાકતી ‘ગીર કેસર’ કેરીને વિશ્વની શ્રેષ્ઠ કેરીઓમાં સ્થાન મળ્યું છે. તેના કેસરી રંગ, મીઠાશ અને સુગંધને કારણે દેશ-વિદેશના ગ્રાહકોમાં તેની ભારે માંગ છે. ખાસ કરીને મધ્ય પૂર્વ, અમેરિકા, બ્રિટન અને કેનેડા જેવા દેશોમાં ભારતીય મૂળના લોકો માટે ગીર કેસર એક ભાવનાત્મક જોડાણ પણ બની ગઈ છે.
વર્ષ 2011માં ગીર કેસરને મળેલો જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન (GI) ટેગ આ સફરમાં સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. GI ટેગ મળ્યા પછી માત્ર ગીર અને આસપાસના નિર્ધારિત વિસ્તારોમાં ઉગાડાતી કેરીને જ ‘ગીર કેસર’ તરીકે વેચવાની કાનૂની માન્યતા મળી. પરિણામે બજારમાં નકલી નામે વેચાતી કેરીઓ સામે અસરકારક નિયંત્રણ આવ્યું અને ગ્રાહકોમાં વિશ્વાસ વધ્યો.
આ GI ટેગથી આંતરરાષ્ટ્રીય બજારમાં ગીર કેસરની બ્રાન્ડ વેલ્યુ વધી છે. હવે વિદેશી ગ્રાહકો માટે ‘ગીર કેસર’ માત્ર ફળ નહીં પરંતુ ગુણવત્તાની ગેરંટી બની ગઈ છે.
અમદાવાદમાં “કેસર કેરી મહોત્સવ-2026”નો ઉત્સાહ
ઉનાળાની સિઝનમાં અમદાવાદના વસ્ત્રાપુર હાટ ખાતે શરૂ થયેલો “કેસર કેરી મહોત્સવ-2026” આ વર્ષે પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ગુજરાત એગ્રો દ્વારા આયોજિત આ મહોત્સવનો મુખ્ય હેતુ ખેડૂતોને યોગ્ય ભાવ અપાવવાનો અને શહેરના લોકોને રસાયણમુક્ત, ગુણવત્તાયુક્ત કેરી ઉપલબ્ધ કરાવવાનો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2007માં ગુજરાતમાં કેસર કેરી મહોત્સવની શરૂઆત કરાવી હતી. ત્યારથી રાજ્ય સરકાર દર વર્ષે આ આયોજનને વધુ વ્યાપક બનાવી રહી છે. આ મહોત્સવ માત્ર વેચાણ પૂરતો મર્યાદિત નથી, પરંતુ ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે સીધો વિશ્વાસ ઉભો કરે છે.
વર્ષ 2025ના મહોત્સવમાં અમદાવાદીઓએ 3.30 લાખ કિલોગ્રામથી વધુ કેરીની ખરીદી કરી હતી, જેની કિંમત આશરે રૂ.4 કરોડ સુધી પહોંચી હતી. સુરતમાં યોજાયેલા પાંચ દિવસીય કેરી મહોત્સવમાં પણ હજારો કિલો કેરીનું વેચાણ થયું હતું. આ આંકડા દર્શાવે છે કે ગીર કેસર માટે લોકોમાં ઉત્સાહ સતત વધી રહ્યો છે.
ટેક્નોલોજીથી બદલાઈ રહી છે કેસરની ખેતી
એક સમય હતો જ્યારે કેરીની ખેતી સંપૂર્ણપણે પરંપરાગત પદ્ધતિઓ પર આધારિત હતી. પરંતુ હવે ગીર પંથકના ખેડૂતો આધુનિક ટેક્નોલોજીને ઝડપથી અપનાવી રહ્યા છે.
ડ્રોન ટેક્નોલોજી દ્વારા આંબાના બગીચાઓમાં જીવાત અને રોગોની વહેલી ઓળખ શક્ય બની છે. સેન્સર આધારિત સિસ્ટમ જમીનમાં ભેજ અને પોષકતત્ત્વોની માહિતી આપે છે, જેના કારણે પાણી અને ખાતરના ઉપયોગમાં બચત થાય છે. આ સાથે જંતુનાશકોનો ઉપયોગ પણ ઓછો થયો છે, જેનાથી ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન મળ્યું છે.
નિકાસ માટે ઈરેડિયેશન અને હોટ વોટર ટ્રીટમેન્ટ જેવી આધુનિક પ્રક્રિયાઓ અપનાવવામાં આવી રહી છે. આ પ્રક્રિયાઓ કેરીને લાંબા સમય સુધી તાજી રાખવામાં મદદરૂપ બને છે, જેથી વિદેશ સુધી પહોંચ્યા પછી પણ તેની ગુણવત્તા જળવાઈ રહે.
હવે પ્રીમિયમ કેસર કેરીના બોક્સ પર QR કોડ પણ મૂકવામાં આવે છે. ગ્રાહક આ કોડ સ્કેન કરીને જાણી શકે છે કે કેરી કયા ગામની છે, કયા ખેડૂતના બગીચામાંથી આવી છે અને તેની ગુણવત્તા પરીક્ષણ પ્રક્રિયા શું હતી. આ પારદર્શકતાએ આંતરરાષ્ટ્રીય ગ્રાહકોમાં વિશ્વાસ વધુ મજબૂત કર્યો છે.
ઈ-કોમર્સ અને સીધી નિકાસથી ખેડૂતોને ફાયદો
ડિજિટલ યુગમાં ગીર કેસરની માર્કેટિંગ પદ્ધતિમાં પણ મોટો ફેરફાર આવ્યો છે. હવે ખેડૂતો અને સહકારી મંડળીઓ ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયા મારફતે સીધા ગ્રાહકો અને વિદેશી ખરીદદારો સાથે જોડાઈ રહ્યા છે.
પહેલાં ખેડૂતોને વચેટિયાઓ પર નિર્ભર રહેવું પડતું હતું, જેના કારણે યોગ્ય ભાવ મળતા નહોતા. પરંતુ હવે ઓનલાઈન ઓર્ડર અને સીધી નિકાસની સુવિધાથી ખેડૂતોને વૈશ્વિક બજારના ભાવ મળી રહ્યા છે. આથી તેમની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.
‘વોકલ ફોર લોકલ’ અભિયાન હેઠળ સ્થાનિક ઉત્પાદનને વૈશ્વિક ઓળખ આપવાનો જે પ્રયાસ શરૂ થયો હતો, તેમાં ગીર કેસર એક સફળ મોડલ બનીને સામે આવી છે.
નિકાસ માટે Hortinet રજિસ્ટ્રેશન ફરજિયાત
જે ખેડૂતો કે નિકાસકારો ફળ અને શાકભાજીની નિકાસ કરવા માંગે છે, તેઓ માટે APEDAના Hortinet પોર્ટલ પર ફાર્મ રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવાયું છે. ખેડૂતોને Appendix-A ફોર્મ ભરી જિલ્લા બાગાયત કચેરીમાં જમા કરાવવાનું રહે છે.
આ પ્રક્રિયા સંપૂર્ણપણે નિ:શુલ્ક છે અને તેનો મુખ્ય હેતુ આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર ગુણવત્તા અને ટ્રેસેબિલિટી સુનિશ્ચિત કરવાનો છે. આ સિસ્ટમથી વિદેશી બજારમાં ભારતીય ફળોની વિશ્વસનીયતા વધુ મજબૂત બની છે.
આ પણ વાંચો: PM Kisan Yojana માં એક જ પરિવારના કેટલા સભ્યોને મળે લાભ? : જાણો શું છે ખેડૂત માટે નિયમો
કેમ મહત્વપૂર્ણ છે ગીર કેસરની આ સફળતા?
ગીર કેસરની વૈશ્વિક સફળતા માત્ર કૃષિ ક્ષેત્ર માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની અર્થવ્યવસ્થા માટે મહત્વપૂર્ણ છે. આ સફળતા બતાવે છે કે જો પરંપરાગત કૃષિ ઉત્પાદનોને ટેક્નોલોજી, બ્રાન્ડિંગ અને કાનૂની સુરક્ષાનું પીઠબળ મળે તો સ્થાનિક ઉત્પાદન પણ વૈશ્વિક બજારમાં મજબૂત સ્થાન મેળવી શકે છે.
આ મોડલ અન્ય કૃષિ ઉત્પાદનો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે. ખેડૂતોની આવક વધારવા, નિકાસ વધારવા અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ગીર કેસરનું ઉદાહરણ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.





