Home Gujarat Gathering Of Devotees At Mahant Swamis Birth Anniversary Festival

મહંત સ્વામી જન્મજયંતી મહોત્સવમાં હરિભક્તોનો મેળાવડો : 12 હજારથી વધુ બાળકોનું શ્લોક પઠન, મહંત સ્વામીને વર્લ્ડ રેકોર્ડ અર્પણ, 1200 હિન્દુ મંદિરોનું નિર્માણનું બહુમાન

મહંત સ્વામી જન્મજયંતી મહોત્સવમાં હરિભક્તોનો મેળાવડો
Published by: OBS Bureau
Last Updated: Feb 02, 2026, 02:35 PM IST

વડોદરાના અટલાદરા ખાતે આવેલી BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતી નિમિત્તે આજે વડોદરાના આંગણે ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જન્મજયંતી મહોત્સવમાં દેશ-વિદેશમાંથી અંદાજે બે લાખ જેટલા હરિભક્તો ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલમાં ગરકાવ થઈ ગયો હતો.

12 હજારથી વધુ બાળકોનું શ્લોક પઠન

મહંત સ્વામી જન્મજયંતી મહોત્સવ દરમિયાન એક અનોખું અને ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાના 12 હજારથી વધુ બાળકોએ “સત્સંગ દીક્ષા” ગ્રંથનો સંસ્કૃત ભાષામાં સંપૂર્ણ મુખપાઠ કર્યો હતો. મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી થયેલા આ શ્લોક પઠન માટે વર્લ્ડ રેકોર્ડ નોંધાયો હતો અને આ રેકોર્ડ મહંત સ્વામી મહારાજને અર્પણ કરવામાં આવ્યો હતો. મહંત સ્વામી મહારાજ દ્વારા રચિત 315 શ્લોકો ધરાવતો સત્સંગ દીક્ષા ગ્રંથ ઉન્નત જીવન જીવવાની પ્રેરણા પૂરી પાડે છે.

મહંત સ્વામી મહારાજનું વિશેષ બહુમાન

આ પ્રસંગે પ્રમુખ સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ વિશ્વભરમાં 1200થી વધુ હિન્દુ મંદિરોનું નિર્માણ કરવાના વિશાળ યોગદાન બદલ પ્રમુખ સ્વામી મહારાજ વતી મહંત સ્વામી મહારાજનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. મહોત્સવમાં ઇંગ્લેન્ડથી આવેલા ઉચ્ચ અધિકારીઓએ પણ હાજરી આપી મહંત સ્વામી મહારાજનું સન્માન કર્યું હતું.

જેઠાલાલ સ્ટેજ પર આવતા જ હરિભક્તોમાં ભારે ઉત્સાહ

કાર્યક્રમ દરમિયાન લોકપ્રિય ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સ્ટાર કલાકાર જેઠાલાલ સ્ટેજ પર આવતા જ હરિભક્તોમાં ભારે ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી હતી. સમગ્ર સભા ભક્તિ, સંસ્કાર અને આનંદથી છલકાઈ ઉઠી હતી.

CM ભૂપેન્દ્ર પટેલ અને MPના CM કાર્યક્રમમાં હાજર રહ્યાં

આ ભવ્ય મહોત્સવમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. મહંત સ્વામી મહારાજની જન્મજયંતીનો આ મહોત્સવ આધ્યાત્મિકતા, સંસ્કૃતિ અને સમાજસેવાના સંદેશ સાથે વડોદરામાં ઐતિહાસિક બની રહ્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now