Gandhinagar News : નવા વર્ષના આગમન અને 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને ગાંધીનગર રેન્જના આઈજી વિરેન્દ્રસિંહ યાદવે નશાખોરો અને અસામાજિક તત્વો સામે કડક વલણ અપનાવ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, 'કાયદો અને વ્યવસ્થામાં ખલેલ પહોંચાડનાર તત્વો સામે પોલીસ લાલ આંખ કરશે અને કોઈને પણ બક્ષવામાં નહીં આવે. આ સાથે જ 31 ડિસેમ્બરની ઉજવણી દરમિયાન ગાંધીનગર રેન્જ પોલીસ દ્વારા કડક સુરક્ષા કવચ ગોઠવવામાં આવ્યું છે.
શંકાસ્પદ વાહનો, વ્યક્તિઓ પર ખાસ નજર રાખવામાં આવશે
આઈજી વિરેન્દ્રસિંહ યાદવના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર રેન્જમાં આવતા ચારેય જિલ્લાઓ ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં ખાસ પ્રોહિબિશન ડ્રાઈવ શરૂ કરી દેવામાં આવી છે. દારૂ અને ડ્રગ્સની હેરાફેરી રોકવા માટે રાજ્યની સરહદો પર લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ચેકપોસ્ટો પર સઘન તપાસ હાથ ધરવામાં આવશે અને શંકાસ્પદ વાહનો તથા વ્યક્તિઓ પર ખાસ નજર રાખવામાં આવશે.
બાઝ નજર રાખવામાં આવશે
31 ડિસેમ્બરની ઉજવણી દરમિયાન ફાર્મ હાઉસો, પાર્ટી પ્લોટો, હોટલો અને જાહેર સ્થળોએ પોલીસ દ્વારા બાઝ નજર રાખવામાં આવશે. પાર્ટી માટે મંજૂરી લેવી ફરજિયાત રહેશે અને તે પણ કડક શરતોને આધીન જ આપવામાં આવશે. નિયમોનો ભંગ કરનાર સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે, તેવી ચેતવણી પોલીસ દ્વારા આપવામાં આવી છે.
‘શી ટીમ’ને એક્ટિવ
મહિલાઓની સુરક્ષા માટે પણ વિશેષ પગલાં લેવામાં આવ્યા છે. ગાંધીનગર રેન્જના ચારેય જિલ્લાઓમાં ‘શી ટીમ’ને એક્ટિવ કરવામાં આવી છે, જે મહિલાઓની સુરક્ષા માટે પેટ્રોલિંગ કરશે અને કોઈ પણ ફરિયાદ પર તાત્કાલિક કાર્યવાહી કરશે. ઉપરાંત રોડ અને રસ્તાઓ પર પણ વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.
રેન્જ કક્ષાનું વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડનું આયોજન
આ ઉપરાંત ગાંધીનગર જિલ્લામાં રેન્જ કક્ષાનું વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરેડ દરમિયાન વેપન હેન્ડલિંગ, હોર્સ રાઇડિંગ, ડોગ સ્ક્વોડ, સ્ક્વોડ ડ્રિલ સહિતની કામગીરીનું ઇન્સ્પેક્શન કરવામાં આવશે. સાથે સાથે પોલીસ દરબાર અને ક્રાઈમ કોન્ફરન્સનું પણ આયોજન કરાશે, જેમાં વર્ષ દરમિયાનની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે.
પોલીસ તંત્રની તૈયારીઓની સમીક્ષા
આ કાર્યક્રમ દરમિયાન પોલીસ લાઇન હેડક્વાર્ટરનું પણ નિરીક્ષણ કરવામાં આવશે. સમગ્ર આયોજનનો હેતુ પોલીસ તંત્રની તૈયારી, કાર્યક્ષમતા અને જનસુરક્ષાને વધુ મજબૂત બનાવવાનો છે. આઈજી વિરેન્દ્રસિંહ યાદવે સ્પષ્ટ કર્યું છે કે ગાંધીનગર રેન્જમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ સંપૂર્ણ રીતે સજ્જ છે અને કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સહન કરવામાં આવશે નહીં.




















