Gandhinagar Murder Case: ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ધેંધુ ગામમાં 20 વર્ષીય કોલેજ વિદ્યાર્થીની નિર્મમ હત્યાની ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી દીધો છે. પ્રાથમિક તપાસ મુજબ, હાર્દિક રમેશજી ઠાકોર નામના યુવકનું દુપટ્ટા અને તાર વડે ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કરતાં આરોપી દંપતીએ મૃતદેહને પ્લાસ્ટિકના સફેદ કોથળામાં ભરી પોતાના ઘરમાં મૂકી દીધો અને ઘર બંધ કરીને ફરાર થયા હતા.
ઘટનાની જાણ થતાં કલોલ તાલુકા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે માણસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમના પ્રાથમિક અહેવાલમાં ગળું દબાવવાને કારણે શ્વાસ રૂંધાઈ જવાથી મોત થયાની પુષ્ટિ થતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો વ્યાપ વધાર્યો હતો. ઘટનાની ગણતરીની મિનિટોમાં જ પોલીસે આરોપી દંપતીને ઝડપી પાડ્યા હતાં. હવે હત્યા પાછળનું ચોક્કસ કારણ શોધવા તપાસ ચાલી રહી છે.
ઘરેથી નીકળ્યા બાદ અચાનક ગુમ થયો હાર્દિક
પોલીસના જણાવ્યા અનુસાર, હાર્દિક ઠાકોર માણસા સ્થિત એસ.ડી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતો હતો. અભ્યાસની સાથે તે પોતાના પિતરાઈ ભાઈ અને વકીલ સુનીલજી ઠાકોરને માણસા કોર્ટમાં મદદ પણ કરતો હતો. શનિવારે સવારે હાર્દિક ઘરે એકલો હતો. તેના પિતા રમેશજી ઠાકોર ખેતીના પાકનું વેચાણ કરવા બહાર ગયા હતા, જ્યારે માતા અને બહેન ખેતરમાં હતાં. સવારે આશરે 9 વાગ્યાની આસપાસ હાર્દિકે પિતાને ફોન કરીને પરબતપુરા તરફ જમીન જોવા જવાની વાત કરી હતી. ત્યારબાદ જ્યારે પિતાએ ફરી સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેનો મોબાઇલ સ્વિચ ઓફ આવતો હતો. એક્ટિવા ઘર પાસે જ હોવાથી પરિવારને શંકા ગઈ અને તેઓએ ગામ તથા આસપાસના વિસ્તારોમાં શોધખોળ શરૂ કરી.
પડોશીના ઘરમાંથી મળ્યો મૃતદેહ
શોધખોળ દરમિયાન ગામના જ એક વ્યક્તિએ પરિવારને પડોશી વિષ્ણુજી ઉર્ફે વાસુભાઈ ઠાકોરના ઘરે પહોંચવા જણાવ્યું. પરિવાર ત્યાં પહોંચ્યો ત્યારે ઘર બંધ હતું. તપાસ કરતાં અંદરથી પ્લાસ્ટિકના સફેદ કોથળામાં હાર્દિકનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ અને પોલીસને બોલાવવામાં આવી હતી. તબીબોએ હાર્દિકને મૃત જાહેર કર્યો હતો. પોલીસે સ્થળ પરથી જરૂરી પુરાવા એકત્ર કર્યા હતા અને ફોરેન્સિક ટીમે પણ તપાસ હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો, જ્યાં ગળું દબાવી હત્યા કરાયાનું પ્રાથમિક રીતે સામે આવ્યું.
બ્લેકમેઈલિંગ કાંડની આશંકા, પરંતુ પોલીસ સત્તાવાર પુષ્ટિથી દૂર
તપાસ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ, આ હત્યા પાછળ બ્લેકમેઈલિંગ અથવા વ્યક્તિગત વિવાદનો એંગલ હોઈ શકે છે. એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આરોપી દંપતીએ હાર્દિકને કોઈ બહાને પોતાના ઘરે બોલાવ્યો હતો અને ત્યારબાદ તેની હત્યા કરી હતી. જોકે પોલીસ અધિકારીઓએ આ મુદ્દે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. તપાસના હિતમાં તમામ સંભવિત કારણોની ચકાસણી કરવામાં આવી રહી છે. ડિજિટલ પુરાવા, મોબાઇલ કોલ ડિટેઇલ્સ, સીસીટીવી ફૂટેજ અને આરોપીઓની પૂછપરછના આધારે સમગ્ર ઘટનાક્રમને જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
DySPનું નિવેદન: મૃતદેહનો નિકાલ કરવાનો પ્રયાસ થયો
કલોલના DySP આર. એમ. સરોદે જણાવ્યું કે હાર્દિક ઠાકોરની હત્યા તેના જ પડોશી દંપતીએ કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હત્યા બાદ મૃતદેહને પ્લાસ્ટિકના કોથળામાં ભરી તેનો નિકાલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે કોઈ કારણસર તેઓ સફળ ન થતાં ઘર બંધ કરીને ફરાર થઈ ગયા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું સામે આવ્યા બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી ઝડપી બનાવી છે. આરોપી દંપતીની ધરપકડ કરી લેવામાં આવી છે અને વધુ પૂછપરછ ચાલુ છે.
ગામમાં શોક અને ચકચાર
શાંત અને સામાન્ય ગણાતા ધેંધુ ગામમાં ધોળા દિવસે બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને શોકનો માહોલ સર્જ્યો છે. યુવકની હત્યા અને મૃતદેહને છુપાવવાનો પ્રયાસ સામે આવતાં ગ્રામજનો પણ સ્તબ્ધ બની ગયા છે. પોલીસનું કહેવું છે કે હત્યા પાછળનું ચોક્કસ કારણ, આરોપીઓનો હેતુ અને ઘટનાનો સંપૂર્ણ ક્રમ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. હાલ તમામ પુરાવાઓના આધારે તપાસ આગળ વધી રહી છે.






