નાગરિકોને મળતી સરકારી સેવાઓ અને યોજનાકીય લાભોમાં પારદર્શિતા અને ગુણવત્તા જળવાઈ રહે, તે હેતુથી ગાંધીનગર કલેક્ટરશ્રી મેહુલ કે. દવે દ્વારા આજે ઝુંડાલ ખાતે વિવિધ સરકારી એકમોની આકસ્મિક મુલાકાત લઈ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ મુલાકાત અંતર્ગત કલેક્ટરએ વાજબી ભાવની દુકાનની મુલાકાત લઈ અનાજના જથ્થાની ઉપલબ્ધતા અને વિતરણ વ્યવસ્થાની ચકાસણી કરી હતી. કાર્ડધારકોને નિયત જથ્થો સમયસર મળે છે કે, નહીં તેની ખાતરી કરવા માટે સ્ટોક રજિસ્ટર અને ઓનલાઈન ડેટાની પણ તપાસ કરવામાં આવી હતી.
કલેક્ટરએ ઝુંડાલ ખાતે આકસ્મિક મુલાકાત લઈ વ્યવસ્થા ચકાસી
આ ઉપરાંત કલેકટર દ્વારા ઝુંડાલ સ્થિત પી.એચ.સી. સેન્ટર ખાતે આરોગ્ય સેવાઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં દવાનો સ્ટોક, હાજરી પત્રક અને દર્દીઓને અપાતી સારવારની સુવિધાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત સરકારી કચેરીઓના કામકાજમાં શિસ્ત લાવવાના હેતુથી કલેકટર દ્વારા વારંવાર વિવિધ દફતરોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ઝુંડાલ ખાતે પણ કલેકટરશ્રી દ્વારા સામાન્ય દફતર તપાસણી કરવામાં આવી હતી.
'જનહિતના કાર્યોમાં કોઈપણ પ્રકારની શિથિલતા ચલાવી લેવામાં આવશે નહીં'
આ અંગે કલેકટરએ જણાવ્યું હતું કે, આકસ્મિક મુલાકાતો તથા તપાસનો મુખ્ય ધ્યેય એ સુનિશ્ચિત કરવાનો છે કે, રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી કોઈ પણ પ્રકારની વિલંબ કે ગેરરીતિ વગર, યોગ્ય રીતે અને સમયસર પહોંચે. કલેક્ટરએ આ પ્રસંગે અધિકારીઓને સૂચના આપતા વધુમાં ઉમેર્યું હતું કે, જનહિતના કાર્યોમાં કોઈપણ પ્રકારની શિથિલતા ચલાવી લેવામાં આવશે નહીં અને વહીવટી પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવવામાં સહયોગ કરવા તેમણે કર્મચારીઓને અનુરોધ કર્યો હતો. આ મુલાકાત અંતર્ગત કલેકટર સાથે ગાંધીનગર મામલતદાર મહેશ ગોહિલ પણ જોડાયા હતા.




















