Home International Flight Delays At Airports Due To Check In System Failure Air India Indigo Affected

એરપોર્ટ્સ પર ચેક-ઇન સિસ્ટમ ઠપ : અનેક ફ્લાઈટ્સ પડી મોડી, એર ઈન્ડિયાનું સત્તાવાર નિવેદન

એરપોર્ટ્સ પર ચેક-ઇન સિસ્ટમ ઠપ
Published by: OBS Bureau
Last Updated: Dec 02, 2025, 06:10 PM IST

મંગળવારની સાંજ હવાઈ મુસાફરી કરનારા પ્રવાસીઓ માટે મુસીબત લઈને આવી હતી. દેશના વિવિધ એરપોર્ટ પર અચાનક ચેકઈન સિસ્ટમ ઠપ થઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એરપોર્ટ પર મુસાફરોની લાંબી લાઈનો લાગી ગઈ હતી અને અનેક ફ્લાઈટ પોતાના નિર્ધારિત સમય કરતા મોડી પડી હતી. આ સમસ્યા મુખ્યત્વે એર ઈન્ડિયા અને ઈન્ડિગો જેવી મોટી એરલાઈન્સમાં જોવા મળી હતી. આ આખી ઘટના પાછળ એક થર્ડ પાર્ટી સોફ્ટવેરમાં આવેલી ટેકનિકલ ખામી જવાબદાર હોવાનું સામે આવ્યું છે. સોફ્ટવેર ધીમું પડી જવાને કારણે કાઉન્ટર પર બોર્ડિંગ પાસ ઈશ્યુ કરવામાં અને ચેકઈન કરવામાં ભારે વિલંબ થયો હતો.

એર ઈન્ડિયા દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સત્તાવાર માહિતી આપવામાં આવી હતી કે મુસાફરોને જે હાલાકી ભોગવવી પડી છે તેના માટે તેઓ દિલગીર છે. કંપનીના જણાવ્યા અનુસાર આ એક કામચલાઉ ટેકનિકલ ગ્લીચ હતી જે થર્ડ પાર્ટી સિસ્ટમ સાથે જોડાયેલી હતી. આશરે 45 મિનિટ સુધી ચાલેલી જહેમત બાદ ટેકનિકલ ટીમે સિસ્ટમને ફરીથી રીસ્ટોર કરી દીધી હતી.

જોકે આ દરમિયાન ફ્લાઈટ ઓપરેશન પર અસર પડી હતી. મોડી રાત્રે એરલાઈને અપડેટ આપતા કહ્યું હતું કે હવે તમામ સિસ્ટમ નોર્મલ છે અને ફ્લાઈટ રાબેતા મુજબ ઓપરેટ થઈ રહી છે. મુસાફરોને સલાહ આપવામાં આવી હતી કે તેઓ એરપોર્ટ જવા નીકળે તે પહેલા વેબસાઈટ પર સ્ટેટસ ચેક કરી લે અને થોડો સમય હાથમાં રાખીને નીકળે.

આ ટેકનિકલ ખામી માત્ર એર ઈન્ડિયા પૂરતી સીમિત નહોતી પરંતુ દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોની ફ્લાઈટ પર પણ તેની અસર જોવા મળી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ આ સમસ્યા અમાડેસ નામના સોફ્ટવેર સાથે સંકળાયેલી હતી. અમાડેસ એ વૈશ્વિક સ્તરે એરલાઈન્સ દ્વારા ઉપયોગમાં લેવાતું એક મહત્વનું સોફ્ટવેર છે જેનો ઉપયોગ બુકિંગ અને રિઝર્વેશન તેમજ ડિપાર્ચર કંટ્રોલ માટે કરવામાં આવે છે. આ સોફ્ટવેર ધીમું પડી જતા ચેકઈન પ્રક્રિયા ગોકળગાયની ગતિએ ચાલી રહી હતી.

આ ટેકનિકલ ખામી ઉપરાંત સોમવારે સંસદમાં પણ હવાઈ સુરક્ષાને લઈને એક મહત્વનો મુદ્દો ચર્ચાયો હતો. નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ માહિતી આપી હતી કે દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ પર જીપીએસ સ્પૂફિંગની ઘટનાઓ નોંધાઈ છે. જીપીએસ સ્પૂફિંગ એટલે પાયલટને નેવિગેશન સિસ્ટમ દ્વારા ખોટા લોકેશન કે દિશાના સિગ્નલ મોકલવા. જોકે મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે એરપોર્ટ પર અન્ય રનવે પર પરંપરાગત નેવિગેશન સિસ્ટમ ચાલુ હોવાથી ફ્લાઈટ ઓપરેશન સુરક્ષિત રીતે ચાલુ રહ્યું હતું. અહેવાલો મુજબ ગત 6 નવેમ્બરના રોજ પણ દિલ્હીમાં આવી સમસ્યાને કારણે 800 જેટલી ફ્લાઈટ મોડી પડી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now