AAP Niranjan Vasava : નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા વિરૂદ્ધ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ગંભીર ગુનો નોંધાયો છે. મળતી માહિતી મુજબ, વર્ષ 2023માં નિરંજન વસાવાના મૂળ ગામ કુંવરપરામાં પેવર બ્લૉક નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામ માટે વેપારીએ કુલ ₹1,86,000ના પેવર બ્લોક સપ્લાય કર્યા હતા, પરંતુ એ પૈસા આજદિન સુધી વેપારીને ચૂકવવામાં આવ્યા નથી.
નિરંજન વસાવા સામે ફરિયાદ
અત્રે ઉલ્લેખનીય છે કે, બાકી ચૂકવણી અંગે વેપારીએ રકમ માગતા, નિરંજન વસાવાએ વેપારીને અભદ્ર ભાષામાં ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું જાણવા મળ્યું છે. આ આખી ઘટનાને પગલે વેપારીએ રાજપીપલા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.
પોલીસે ગુનો દાખલ કર્યો
પોલીસ દ્વારા ધમકી, ગેરવર્તન અને આચરણ સંબંધિત કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ ફરિયાદ બાદ સ્થાનિક રાજકીય વાતાવરણમાં હલચલ મચી છે.
ફરિયાદમાં શું જણાવ્યું?
FIR કોપીમાં લખેલું છે કે, ગુનો એવી રીતે કે આ કામના ફરીયાદીએ આ કામના આરોપી નાઓને જૂન-2023 થી સપ્ટેમ્બર-2023 સુધી અલગ-અલગ તારીખોમાં પેવર બ્લોક કુલ રૂ.01.86.000/- ના આરોપીને તેના ગામના કામો કરવા સારૂ આરોપીના કહેવા મુજબ આરોપીના ગામમાં નાંખી આપતા આરોપીએ પાંચ-છ માસમાં પેવર બ્લોકના તમામ નાણા આપવાનો પાકો ભરોસો અને વિશ્વાસ આપેલ તેમ છતા આરોપીએ જણાવેલ સમય મર્યાદામાં ફરીયાદીને પેવરબ્લોકના નાણા ન આપતા ફરીયાદી તથા સાહેદો બાકી નિકળતા નાણા લેવા અવાર-નવાર આરોપીના ઘરે જતા તેમજ ફોન ઉપર સંપર્ક કરતા નાણા આપવા બાબતે બહ્મનાઓ બતાવી ફરીયાદી અને સાહેદો માહે સપ્ટેમ્બર-2025 માં આરોપીએ બાકી નિકળતા નાણા લેવા જતા આરોપીએ ફરીયાદી તથા સાહેદો સાથે માં-બહેન સમાણી ગાળો બોલી હવે પાછી તમારા બાકી નિકળતા નાણા લેવા આવશો તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી ગુનો કર્યો.






