Home Business Financial Planning Deadline March 31 Tax Saving Tips 2026

31 માર્ચ પહેલા પૂર્ણ કરી લો આ મહત્વના નાણાકીય કાર્યો : બેદરકારી રાખશો તો થઈ શકે છે મોટો દંડ

31 માર્ચ પહેલા પૂર્ણ કરી લો આ મહત્વના નાણાકીય કાર્યો
Published by: OBS Bureau
Last Updated: Mar 13, 2026, 02:30 PM IST

નવું નાણાકીય વર્ષ 2026-27 શરૂ થવા આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે કરદાતાઓ માટે વર્તમાન નાણાકીય વર્ષ 2025-26ના પેન્ડિંગ કામો પૂરા કરવા અત્યંત અનિવાર્ય બન્યા છે. 31 માર્ચ 2026 ની સમયમર્યાદા પહેલા યોગ્ય નાણાકીય આયોજન કરીને તમે માત્ર ટેક્સમાં બચત જ નથી કરી શકતા, પરંતુ મોડો ટેક્સ ભરવા બદલ લાગતા દંડથી પણ બચી શકો છો. જો તમે સમયસર પગલાં નહીં લો, તો તમારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.

સૌથી પહેલા, જો તમે નોકરી કરતા હોવ અને વર્ષની શરૂઆતમાં ટેક્સ બચાવવા માટે વિવિધ રોકાણોની માહિતી ઓફિસમાં આપી હોય, તો તેના પુરાવા એટલે કે Investment Proof જમા કરાવી દેવા જોઈએ. જો તમે સમયસર દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ રહેશો, તો કંપની તમારી સેલેરીમાંથી વધુ TDS કાપી શકે છે. આ ઉપરાંત, જે કરદાતાઓની કુલ ટેક્સ જવાબદારી 10,000 રૂપિયાથી વધુ થતી હોય, તેમના માટે એડવાન્સ ટેક્સ ભરવો ફરજિયાત છે. 15 માર્ચ 2026 એડવાન્સ ટેક્સ ભરવાની અંતિમ તારીખ છે, ત્યારબાદ બાકી રકમ પર વ્યાજ અને પેનલ્ટી લાગવાની શક્યતા રહે છે.

ટેક્સમાં રાહત મેળવવા માટે જૂની ટેક્સ સિસ્ટમ પસંદ કરનાર લોકો વિવિધ બચત યોજનાઓમાં રોકાણ કરી શકે છે. ઇન્કમ ટેક્સના નિયમો હેઠળ Public Providend Fund (PPF), સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) અને National Savings Certificate (NSC) જેવી સ્કીમમાં કરેલા રોકાણ પર છૂટ મળે છે. આ ખાતાઓને સક્રિય રાખવા માટે દર વર્ષે લઘુત્તમ રકમ જમા કરાવવી જરૂરી હોય છે, તેથી વર્ષ પૂરું થતા પહેલા આ વિગતો તપાસી લેવી જોઈએ.

આ સિવાય, હેલ્થ ઇન્શ્યોરન્સ એટલે કે સ્વાસ્થ્ય વીમાના પ્રીમિયમ પર પણ સેક્શન 80D હેઠળ ટેક્સ બેનિફિટ મળે છે. આ જોગવાઈ હેઠળ વ્યક્તિ પોતાના અને પરિવાર માટે ભરેલા પ્રીમિયમ પર મહત્તમ 25,000 રૂપિયા સુધીની છૂટ મેળવી શકે છે. જો વીમાધારકની ઉંમર 60 વર્ષથી વધુ હોય, તો આ મર્યાદા વધીને 50,000 રૂપિયા થઈ જાય છે. માતા-પિતાના વીમા પ્રીમિયમ પર પણ અલગથી ટેક્સ રાહત મળતી હોવાથી, 31 માર્ચ પહેલા વીમો લેવો અથવા રિન્યૂ કરવો ફાયદાકારક સાબિત થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now