Home Sports FIFA 2026 Fifa World Cup 2026 England Beat Mexico Quarter Final

રેડ કાર્ડ છતાં ઈંગ્લેન્ડનો કમાલ : 10 ખેલાડીઓ સાથે મેક્સિકોને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં એન્ટ્રી

સ્ટાર મિડફિલ્ડર જુડ બેલિંગહેમ
Published by: Niraj Chokshi
Last Updated: Jul 06, 2026, 04:45 AM IST

ફિફા વર્લ્ડ કપ 2026માં ઈંગ્લેન્ડે દમદાર રમતનું પ્રદર્શન કરતાં યજમાન મેક્સિકોને 3-2થી હરાવી ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. ભારતીય સમય મુજબ સોમવારે વહેલી સવારે મેક્સિકો સિટીના ઐતિહાસિક એસ્ટાડિયો એઝ્ટેકા સ્ટેડિયમમાં રમાયેલી આ રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડે માત્ર 10 ખેલાડીઓ સાથે રમતાં પણ અદભૂત જઝ્બો દર્શાવ્યો અને અંત સુધી પોતાની લીડ જાળવી રાખી. આ જીત સાથે ઈંગ્લેન્ડ હવે ક્વાર્ટર ફાઇનલમાં સ્ટાર સ્ટ્રાઇકર એર્લિંગ હાલેન્ડની આગેવાની હેઠળની નોર્વે સામે ટક્કર લેશે. સતત ત્રીજી વખત વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચીને ઈંગ્લેન્ડે ખિતાબ જીતવાની પોતાની આશા વધુ મજબૂત બનાવી છે.

બેલિંગહેમે શરૂઆતમાં જ મેચનો રંગ બદલી નાખ્યો

મેચની શરૂઆતથી જ ઈંગ્લેન્ડે આક્રમક અભિગમ અપનાવ્યો હતો. સ્ટાર મિડફિલ્ડર જુડ બેલિંગહેમે માત્ર 98 સેકન્ડના અંતરમાં બે ગોલ ફટકારીને મેક્સિકોને મોટો ઝટકો આપ્યો હતો. પ્રથમ ગોલ બુકાયો સાકાના ચોક્કસ ક્રોસ પર હેડર દ્વારા નોંધાવ્યો હતો, જ્યારે થોડા જ સમય બાદ હેરી કેનના પાસને ગોલમાં ફેરવી ઈંગ્લેન્ડને 2-0ની મજબૂત સરસાઈ અપાવી હતી. આ ઝડપી શરૂઆતથી મેચ પર ઈંગ્લેન્ડનો સંપૂર્ણ કબજો જોવા મળ્યો હતો. જોકે પ્રથમ હાફના અંત પહેલા મેક્સિકો તરફથી જુલિયન ક્વિનોનેસે ગોલ કરીને સ્કોર 2-1 કર્યો અને પોતાની ટીમને મેચમાં જાળવી રાખી.

આ પણ વાંચો: Ravi Bishnoiના બે બેક-ફૂટ નો-બોલથી બદલાઈ ગયું મેચનું આખું ચિત્ર : જાણો શું છે આ બેક-ફૂટ નો-બોલ વિશે સંપૂર્ણ માહિતી

રેડ કાર્ડ છતાં ઈંગ્લેન્ડે બતાવ્યો દમ

બીજા હાફની 54મી મિનિટે ઈંગ્લેન્ડને મોટો ઝટકો લાગ્યો હતો. ડિફેન્ડર જરેલ ક્વાન્સાને VAR સમીક્ષા બાદ જીસસ ગાલાર્ડો પર જોખમી ટેકલ કરવા બદલ સીધું રેડ કાર્ડ બતાવવામાં આવ્યું હતું. પરિણામે ઈંગ્લેન્ડને બાકીની મેચ માત્ર 10 ખેલાડીઓ સાથે રમવી પડી હતી. પરંતુ એક ખેલાડી ઓછો હોવા છતાં ઈંગ્લેન્ડનો આત્મવિશ્વાસ ડગ્યો નહીં. 60મી મિનિટે એન્થોની ગોર્ડનને પેનલ્ટી બોક્સમાં ફાઉલ કરવામાં આવતા ટીમને પેનલ્ટી મળી હતી. હેરી કેને કોઈ ભૂલ કર્યા વગર બોલને ગોલમાં ફેરવી સ્કોર 3-1 કરી દીધો હતો. આ ટૂર્નામેન્ટમાં હેરી કેનનો આ છઠ્ઠો ગોલ હતો. ગોલ્ડન બૂટની રેસમાં તે હવે એર્લિંગ હાલેન્ડ, લિયોનેલ મેસી અને કિલિયન એમ્બાપ્પેથી માત્ર એક ગોલ પાછળ છે.

મેક્સિકોએ અંત સુધી જંગી લડત આપી

મેચના અંતિમ તબક્કામાં મેક્સિકોને પણ પેનલ્ટી મળી હતી. અનુભવી સ્ટ્રાઇકર રાઉલ જિમેનેઝે પેનલ્ટીનો સફળ ઉપયોગ કરીને સ્કોર 3-2 કર્યો હતો. ત્યારબાદ વધારાના સમય સહિત છેલ્લા 20 મિનિટ સુધી મેક્સિકોએ સતત હુમલા કર્યા હતા. જોકે ઈંગ્લેન્ડની મજબૂત ડિફેન્સ લાઇન અને ગોલકીપર જોર્ડન પિકફોર્ડના શાનદાર બચાવના કારણે મેક્સિકોને બરાબરીનો ગોલ મળી શક્યો નહોતો અને અંતે ઈંગ્લેન્ડે એક ગોલની સરસાઈથી મેચ જીતી લીધી હતી.

આ પણ વાંચો: વર્લ્ડ કપમાંથી બહાર થતાં જ બ્રાઝિલના દિગ્ગજ સ્ટારે લીધો સન્યાસ : 16 વર્ષની યાદગાર સફરનો અંત આવતા ચાહકોને લાગ્યો મોટો ઝટકો

ખરાબ હવામાનને કારણે મોડો શરૂ થયો મુકાબલો

મેક્સિકો સિટીમાં ભારે વરસાદ અને તોફાની પવનના કારણે મેચ નિર્ધારિત સમય કરતાં લગભગ એક કલાક મોડી શરૂ થઈ હતી. તેમ છતાં એસ્ટાડિયો એઝ્ટેકા સ્ટેડિયમમાં 80 હજારથી વધુ દર્શકોની હાજરીએ મેચનો માહોલ વધુ રોમાંચક બનાવી દીધો હતો.ઈંગ્લેન્ડના મુખ્ય કોચ થોમસ ટુખેલે આ મેચ માટે ટીમમાં ત્રણ ફેરફાર કર્યા હતા. સમુદ્ર સપાટીથી લગભગ 2,240 મીટરની ઊંચાઈ પર રમાતી મેચમાં ખેલાડીઓને શરૂઆતમાં મુશ્કેલી પડી હતી, પરંતુ ટીમે ઝડપથી પરિસ્થિતિ સાથે તાલમેલ સાધીને જીત મેળવી હતી.

1986ની કડવી યાદોને પાછળ છોડી

આ જીત ઈંગ્લેન્ડ માટે માત્ર ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ પૂરતી જ મહત્વપૂર્ણ નથી, પરંતુ 1986ના વર્લ્ડ કપની કડવી યાદોને પણ પાછળ છોડનારી સાબિત થઈ છે. આ જ એસ્ટાડિયો એઝ્ટેકા સ્ટેડિયમમાં 1986ના ક્વાર્ટર ફાઇનલમાં આર્જેન્ટિનાના ડિએગો મેરાડોનાએ 'હેન્ડ ઓફ ગોડ' સહિત બે ગોલ કરીને ઈંગ્લેન્ડને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધું હતું.

હવે સતત ત્રીજી વખત વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચેલી ઈંગ્લેન્ડની ટીમ લગભગ છ દાયકાથી ચાલી રહેલી મોટા આંતરરાષ્ટ્રીય ખિતાબની રાહ પૂરી કરવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું આગળ વધી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now