Home Gujarat Fatal Accident On Nh 48 In Vadodara For The Second Consecutive Day

વડોદરામાં NH-48 પર સતત બીજા દિવસે ગમખ્વાર અકસ્માત : લક્ઝરી બસ ટ્રકમાં ઘૂસી, ડ્રાઇવરનું મોત; 20 થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત

વડોદરામાં NH-48 પર સતત બીજા દિવસે ગમખ્વાર અકસ્માત
Published by: OBS Bureau
Last Updated: Jan 31, 2026, 04:52 AM IST

વડોદરા પાસેથી પસાર થતો નેશનલ હાઈવે-48 જાણે મોતનો હાઇવે બની ગયો હોય તેમ સતત બીજા દિવસે ગંભીર અકસ્માત સર્જાતા ચિંતાનો માહોલ ઉભો થયો છે. ગઈકાલે કરજણ-ધાવટ બ્રિજ નજીક થયેલા અકસ્માત બાદ આજે (31 જાન્યુઆરી) બામણગામ પાટિયા પાસે વધુ એક ગમખ્વાર અકસ્માત બન્યો હતો. અમરેલીથી સુરત તરફ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસ આગળ જતી ટ્રકમાં ધડાકાભેર ઘૂસી જતા બસ ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે 20થી વધુ મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તોમાંથી બેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. સતત બે દિવસમાં બનેલા અકસ્માતોમાં કુલ ત્રણ લોકોના જીવ ગયા હોવાથી હાઈવે સલામતી અંગે પ્રશ્નો ઊભા થયા છે.

પ્રાથમિક માહિતી મુજબ, લક્ઝરી બસ પૂરઝડપે આગળ વધી રહી હતી ત્યારે ડ્રાઇવરની બેદરકારીના કારણે બસ આગળ જતી ટ્રક સાથે જોરદાર અથડાઈ હતી. અથડામણ એટલી ભયંકર હતી કે બસનો આગળનો ભાગ કચ્ચરઘાણ થઈ ગયો અને ડ્રાઇવર સ્ટિયરિંગ વચ્ચે ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી.

ફાયર ટીમે રેમજેક મશીન તથા અન્ય આધુનિક સાધનોની મદદથી બસનો આગળનો ભાગ કાપીને ડ્રાઇવરનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. ત્યારબાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલુ છે.

અકસ્મતાની જાણ થતાં કરજણ પોલીસ તથા નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. રેસ્ક્યુ અને બચાવ કામગીરી દરમિયાન હાઇવે પર થોડો સમય ટ્રાફિક રોકવામાં આવ્યો હતો, જેના કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે અને ડ્રાઇવરની બેદરકારી સહિત અન્ય સંભવિત કારણો અંગે તપાસ શરૂ કરી છે.

સતત બની રહેલા અકસ્માતોને કારણે NH-48 પર વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો દ્વારા હાઇવે પર વધુ કડક ટ્રાફિક અમલ અને સુરક્ષા પગલાં વધારવાની માંગ ઉઠી છે, જેથી આવનારા સમયમાં આવા અકસ્માતો અટકાવી શકાય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now